ચુંટણીમાં નથી ફેલાતો કોરોના: હજારોની સંખ્યા ભેગી કરીને આજે મોદી 3 રેલીઓ સંબોધશે અને અમિત શાહ કરશે રોડ શો

હાલ બંગાળમાં ચૂંટણીનું ઘમસાણ ચાલી રહ્યું છે અને 4 ચરણનું મતદાન થઈ ચુક્યું છે. કુલ 8 ચરણમાં થઈ રહેલી ચૂંટણીની અડધી પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ છે અને હવે પાંચમા તબક્કાના મતદાન પહેલાનો ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. પાંચમા તબક્કાના મતદાન પહેલા પણ સત્તાધારી દળ અને વિપક્ષ, બંનેમાંથી કોઈ ચૂંટણી પ્રચાર પહેલા કોઈ પ્રકારની ઢીલ રાખવા માંગતા નથી.

ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સોમવારે ચૂંટણી પ્રચારની કમાન સંભાળવામાં આવશે. વડાપ્રધાન મોદી સોમવારે બંગાળમાં બર્ધમાન, કલ્યાણી અને બારાસાત ખાતે કુલ 3 રેલીઓ યોજશે. આ ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહ કાલિમ્પોંગ ખાતે રોડ શો બાદ ધૂપગુડીમાં જનસભાને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, 2016ની વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાલિમ્પોંગને અલગ જિલ્લો બનાવી દીધો હતો. અલગ જિલ્લો બન્યા પહેલા કાલિમ્પોંગ દાર્જિલિંગ જિલ્લાનો જ ભાગ હતું.

હાલ ભારતમાં કોરોના મહામારી ચરમસીમાએ પહોંચી રહી છે. આ દરમિયાન દરરોજ રેકોર્ડબ્રેક નવા કેસો સામે આવી રહ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકના દૈનિક કેસોએ તો વૈશ્વિક સ્તરે પણ રેકોર્ડ તોડયો હતો. 24 કલાકમાં કોરોનાના 1.83 લાખ કેસો સામે આવ્યા હતા, જેને પગલે દૈનિક કેસો બાબતે ભારત વિશ્વમાં અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચી ગયું છે. જાણવા મળ્યું છે કે, ખાસ કરીને હિંદી ભાષી રાજ્યોમાં કોરોનાના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે.

માત્ર છ દિવસ પહેલા જ કોરોનાના દૈનિક કેસોનો આંકડો એક લાખને પાર પહોંચ્યો હતો અને હવે તે દોઢ લાખને પાર પહોચી ગયો છે. એટલે કે, માત્ર એક અઠવાડિયામાં જ દૈનિક કેસોમાં સીધો 50 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે જ એક જ દિવસમાં વધુ 839 લોકોના મોત નિપજ્યા હતા. જોકે કોરોના મહામારીની પહેલી લહેરમાં જેટલા મોતના આંકડા દરરોજ સામે આવતા હતા તેની સરખામણીએ બીજી લહેરમાં ઓછા જોવા મળી રહ્યા છે.

જ્યારે દેશમાં પહેલી વખત એક્ટિવ કેસોની સંખ્યા વધીને 11 લાખને પાર પહોંચી ગઇ છે. જે કુલ કેસોના 8.29 ટકા છે. માત્ર 24 કલાકમાં જ 61,456 એક્ટિવ કેસોનો ઉમેરો નોંધાયો હતો. આ સાથે કુલ કેસ 1,35,09,746 થયા છે. બીજી તરફ મૃત્યુઆંક 1,67,275ને પાર પહોંચી ગયો છે.

આ ઉપરાંત પાંચ રાજ્યોમાં જ દેશના કુલ કેસોના 70 ટકા કેસો સામે આવ્યા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટકા, ઉત્તર પ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે. માત્ર મહારાષ્ટ્રમાંથી જ દેશના કુલ કેસોના 48.57 ટકા સામે આવ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને હવે દિલ્હીમાં પણ બહુ જ ઝડપથી કેસો વધવા લાગ્યા છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10 હજાર કેસો સામે આવ્યા છે. જેને પગલે રાજધાનીની સ્થિતિ પણ ગયા વર્ષ જેવી થવા લાગી છે, નવા 10732 કેસો સામે આવ્યા છે, જ્યારથી દેશમાં કોરોના ફેલાયો ત્યારથી પ્રથમ વખત આટલા કેસ દિલ્હીમાં સામે આવ્યા છે.

મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે જે વધુ જોખમી અને અતી ગંભીર છે. કેજરીવાલે આકરા પ્રતિબંધો લગાવવાની અને હજુ કોરોના વધુ ઘાતક રીતે ફેલાવાની ચેતવણી આપી છે. તમિલનાડુમાં પણ કોરોના હવે ફેલાવા લાગ્યો છે, હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મધવ રાવને જ કોરોના થયો હતો જેને પગલે તેમનું મોત નિપજ્યું છે.

દિલ્હી સ્થિત એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી લાંબા સમય સુધી રહેશે. સાથે તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે, આગામી દિવસોમાં લોકોમાં જો ઇમ્યૂનિટી વધશે તો વાઇરસ નબળો પડી શકે છે.

કોરોનાની રસી અંગે વાત કરતા તેમણે કહ્યું કે, રસી પણ એક રેગ્યૂલર વાત બની જશે. દર વર્ષે કોરોનાની રસી આપવી પડશે. જે રીતે આપણે ઇન્ફ્લુએન્જા અને ફ્લૂની વાત કરીએ છીએ તેવી જ રીતે આગામી દિવસોમાં લોકો કોરોનાની વાતો કરતા થઇ જશે. કોરોનાની રસી કોઇ સમાધાન નથી પણ હિથયાર છે, જોકે રસી કરતાં પણ મોટુ હિથયાર છે સોશિયલ ડિસ્ટન્સ અને પ્રોટોકોલનું પાલન કરવું.

તેમણે કહ્યું કે, જેમ જેમ વાઇરસ બદલાતો રહેશે તેમ રસી પણ બદલવી પડશે. જો કોઇ પણ વેરિએંટ આવે તો તેનાથી બચવા માટે માસ્ક જરૂર પહેરવું જોઇએ. હાલ દેશમાં રાષ્ટ્રીય સ્તરના લોકડાઉનની જરૂર નહીં રહે, આપણે ટ્રાંસમિશન રોકવુ જ પડશે. જ્યાં કલસ્ટર બની રહ્યો હોય ત્યાં માઇક્રો કંટેનમેન્ટ ઝોન બનાવીને એક મિનિ લોકડાઉન કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *