સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ થનાર હોસ્ટેલનું ડિજીટલ ખાતમુહુર્ત કરતાં PM નરેન્દ્ર મોદી અને CM ભુપેન્દ્ર પટેલ

સુરત(Surat): ”જાતિ અને પંથને વિકાસના માર્ગમાં અડચણ બનવા નહિ દેવાના સરદાર પટેલ(Sardar Patel) સાહેબના સ્વપ્નને સૌ દેશવાસીઓ સાથે મળીને પૂર્ણ કરીશું. સરદાર સાહેબના આદર્શો અનુસાર…

સુરત(Surat): ”જાતિ અને પંથને વિકાસના માર્ગમાં અડચણ બનવા નહિ દેવાના સરદાર પટેલ(Sardar Patel) સાહેબના સ્વપ્નને સૌ દેશવાસીઓ સાથે મળીને પૂર્ણ કરીશું. સરદાર સાહેબના આદર્શો અનુસાર પરસ્પર પ્રેમ અને સહયોગની ભાવના કેળવી ભાગ્યનિર્માણ કરવું જોઈએ. પાટીદાર સમાજની હોસ્ટેલ(Patidar Samaj Hostel)માં રહી યુવાનો જ્ઞાનશક્તિના માધ્યમથી તેમના પરિવાર, સમાજ અને દેશના ઘડતરમાં યોગદાન આપશે.”,એમ દશેરાના પવિત્ર દિને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ(Saurashtra Patel Seva Samaj) દ્વારા સુરતના વાલક પાટિયા ખાતે રૂ.૨૦૦ કરોડના ખર્ચે સાકાર થનારી અત્યાધુનિક વિદ્યાર્થી ભવનનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહુર્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) હોસ્ટેલનું પ્રત્યક્ષ ખાતમુહૂર્ત કરી ‘શ્રીમતી જમનાબેન છગનભાઈ ગોંડલિયા વિદ્યાર્થી ભવન, સુરત’ અને ‘રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન’ના નિર્માણકાર્યનો પાયો નાંખ્યો હતો.

વડાપ્રધાનએ ઓનલાઈન સંબોધન કરતાં વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના સબળ અને પ્રેરક પ્રયાસોથી વિદ્યાર્થીઓના નિવાસ, અભ્યાસ અને આધુનિક પુસ્તકાલયની શ્રેષ્ઠ સુવિધા ઉભી થશે, જે આ સમાજના યુવા છાત્રોને વધુ સશક્ત બનાવી નવી દિશા આપશે. વડાપ્રધાનએ પાટીદાર સમાજના યુવાનોના સશક્તિકરણ માટે તેમજ કન્યા કેળવણી અને મહિલાઓના ઉત્કર્ષ માટેના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સરદારધામના સક્રિય અને ઉમદા પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે, ગાંધીજીએ રામરાજ્યના આદર્શથી સંચાલિત શાસન વ્યવસ્થાની કલ્પના કરી હતી, કઠોર પરિશ્રમના બળે ગુજરાતીઓ શિક્ષણધામો, છાત્રાલયો અને જનકલ્યાણ સંસ્થાઓ નિર્માણ કરી રામરાજ્ય તરફ ગતિશીલ બન્યા છે. તપ, ત્યાગ અને તપશ્ચર્યાથી વલ્લભવિદ્યાનગરના રત્ન ભાઈકાકા અને પૂર્વ નાણાં મંત્રી એચ.એમ.પટેલ, કડી સર્વ વિદ્યાલયના સ્થાપક છગનભાઈ સહિતના ગુર્જરરત્નોથી પ્રત્યેક ગુજરાતીઓ પ્રેરણા મેળવે છે.

વડાપ્રધાનએ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતિક એવા વિજયાદશમી પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, આધુનિક છાત્રાલય માત્ર દેશની ભાવિ પેઢીના ભવિષ્યનું નિર્માણ કરવા માટેની એક ઈમારત નહીં રહેતા સરદાર સાહેબના આદર્શો અનુસાર જીવવાની પ્રેરણા પણ પૂરી પાડશે. વડીલોના કઠોર પરિશ્રમના પરિપાકરૂપે સાકાર થનારી આ હોસ્ટેલમાં રહી યુવાનો જ્ઞાનશક્તિના માધ્યમથી તેમના પરિવાર, સમાજ અને દેશના ઘડતરમાં યોગદાન આપશે. રાષ્ટ્ર માટે સરદાર સાહેબના પ્રદાનનું સ્મરણ કરતા વડાપ્રધાનએ જણાવ્યું કે, ગુજરાત સરદાર પટેલના વારસાને આગળ વધારી રહ્યું છે. પરસ્પર સહયોગ અને પરિશ્રમથી આગળ વધવું એ સરદાર સાહેબનો સ્વભાવ હતો, જેને આગળ વધારતા સરદાર સંતાનોએ ‘રાષ્ટ્રપ્રથમ’નો જીવનમંત્ર અપનાવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળને યાદ કરતા વડાપ્રધાનએ કહ્યું કે, જ્ઞાનશક્તિ, જલશક્તિ, રક્ષા શક્તિ, ઉર્જાશક્તિ જનશક્તિ એમ પંચશક્તિયુક્ત શાસન આપીને રાજ્યનો સર્વાંગી વિકાસનો પ્રયાસ કર્યો હતો. એ સમયે શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ અભિયાન થકી ન માત્ર કન્યા કેળવણીમાં વૃદ્ધિ થઈ, બલકે કન્યાઓના ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પાટીદાર સમાજે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી બેટી બચાવવા અને કન્યા જન્મને પ્રોત્સાહનના શપથ લેવડાવી સર્વ સમાજમાં દીકરીઓ પ્રત્યે હકારાત્મક અભિગમનો સંચાર કર્યો હતો એનો પણ વડાપ્રધાનએ ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાનએ નવનિયુક્ત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મિતભાષી, મૂકસેવક, બિનવિવાદાસ્પદ, જમીન સાથે જોડાયેલા, ટેકનોસેવી, આધ્યાત્મિક વ્યક્તિત્વના ધની ગણાવી તેમના ગ્રાસરૂટ લેવલના ૨૫ વર્ષના જાહેર જીવનના અનુભવથી ગુજરાતની વિકાસયાત્રા વધુ તેજ ગતિથી આગળ વધશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વિજયાદશમી સદીઓથી અસૂરી શક્તિઓ સામે લડીને વિજયી બનવાની પ્રેરણા આપતું પર્વ છે. પ્રકાશ તરફની ઉર્ધ્વ ગતિના પર્યાય સમાન દિપાવલીના દિવસો પણ નજીક છે, ત્યારે સુરતમાં યુવાશક્તિના શિક્ષણનું ધામ સર્જીને પાટીદાર સમાજે દિવાળી સમાન નવા શિક્ષણરૂપી ઊજાસ ફેલાવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. વિકાસનો મુખ્ય આધાર શિક્ષણ છે. યુવાનોને ‘ગ્લોબલ યુથ’ બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાનએ જ્ઞાનશક્તિને ઉત્તેજન આપ્યું છે. ર૧મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી છે. ગુજરાતને જ્ઞાન વિજ્ઞાનમાં અગ્રેસર રાખવાની અને જ્ઞાન સંપદાથી નવી પેઢીને સમૃદ્ધ કરવાના રાજ્ય સરકારના સંકલ્પમાં પટેલ સમાજે હોસ્ટેલ ભૂમિપૂજન યથાર્થ યોગદાન આપ્યું છે. હીરા નગરી સુરતમાંથી હવે શિક્ષણ ક્ષેત્રના ‘હીરલા’ઓ ઉભરી આવશે એમ તેમણે ગર્વથી કહ્યું હતું.

જ્ઞાનશક્તિના ઉમદા સાહસમાં સમાજશક્તિ પણ જોડાવાથી સોનામાં સુગંધ ભળી હોવાનું જણાવી મુખ્યમંત્રીએ પાટીદાર સમાજના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતાં. આ સંદર્ભે તેમણે વધુમાં ગુજરાતમાં સરદારધામ અને કેળવણીધામ બાદ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ‘સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ’ની વિભાવના સાર્થક કરી બતાવી છે. પથ્થરમાંથી પાણી કાઢવાની ક્ષમતા ધરાવતા આ સમાજની આગવી પહેલ સરાહનીય છે એમ જણાવી દશેરા પર્વની ઉપસ્થિત સૌને શુભકામનાઓ આપી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનની રાહબરી હેઠળ સેકટરલ યુનિવર્સિટીઓની ગુજરાતે પહેલ કરી છે. રાજ્યમાં ‘ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, લો યુનિવર્સિટી, દીનદયાલ એનર્જી યૂનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી તેમજ અનેકવિધ આગવી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપીને ગુજરાત શિક્ષણના ક્ષેત્રમાં સિદ્ધિના શિખરો સર કરી એજ્યુકેશન હબ તરીકે ઉભરી આવ્યું છે.

આ અવસરે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા વર્ષોથી વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આ હોસ્ટેલ થકી યુવાઓ સમાજ અને દેશનું ભાવિ ઘડશે. એક શાળા સો જેલને બંધ કરવાનું કામ કરી શકે છે. કોઇપણ સમાજના વિકાસમાં શિક્ષણ પાયામાં હોય છે. શિક્ષણ થકી જ જીવનને સફળ બનાવી શકાય છે. પટેલ સમાજમાં સરદાર જેવું વ્યકિતત્વ હોય ત્યારે સમાજ શિક્ષણ થકી વિકાસના નવા નવા આયામો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે કેન્દ્રિય કૃષિ મંત્રી પરસોતમ રૂપાલાએ વિજયા દશમીના પાવન પર્વે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સમાજના આગેવાનો શિક્ષણના આ યજ્ઞમાં ખુલ્લા હાથે દાન કરીને શિક્ષણની યજ્ઞવેદીને પ્રજવલ્લિત કરી આહુતિ આપીને સમાજનું ઋણ અદા કર્યુ છે. વિશ્વકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરી નબળા વર્ગના બાળકોને કોઇ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવા ટકોર કરી હતી. સાથોસાથ દિકરીઓને સેફ કસ્ટડી મળે તેવું આયોજન કરવા ખાસ અપીલ કરી. હતી.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, હોસ્ટેલના પ્રાંગણમાં રૂ.૨.૫૧ કરોડના ખર્ચે ૧૦ ફૂટના સ્ટેજ સાથેની ૩૧ ફુટ ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પંચધાતુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જ્યારે કન્યા છાત્રાલયમાં સરદાર સાહેબના પુત્રી મણિબેન પટેલની પ્રતિમા મૂકાશે. પાટીદારોના ૨૦૦૦ વર્ષના ઈતિહાસને ઉજાગર કરતી ડિજિટલ ટચ સાથેની પાટીદાર ગેલેરી બનશે. સંકુલમાં બનનાર વિશાળ વાંચનાલય, પુસ્તકાલય તથા ડિઝીટલ લાઈબ્રેરીનો તેમજ સરકારી મદદ માર્ગદર્શન સેન્ટરનો લાભ નાતજાતના ભેદભાવ વિના તમામ સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ,નાગરિકો લઈ શકશે. આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં અહીથી ૫ હજાર યુવાનો સરકારી નોકરી નોકરી અને ઉચ્ચ વ્યવસાય મેળવે એ લક્ષ્ય છે.

નોંધનીય છે કે, હોસ્ટેલ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં પુરૂષ હોસ્ટેલના બાંધકામ પાછળ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ દરમિયાન રૂ.૭૦ કરોડ અને મહિલા હોસ્ટેલ માટે વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન રૂ.૪૦ કરોડ ખર્ચ કરાશે. ઉપરાંત, શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિ ભવન પણ આ જ પરિસરમાં આકાર પામશે. પાટીદાર સમાજના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે વર્તમાન સમયને ધ્યાનમાં લઈ તમામ પ્રકારની સુવિધા ઊભી કરાશે. જેમાં અભ્યાસકીય તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે ઉત્તમ વ્યવસ્થા પણ ગોઠવાશે.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, માર્ગ અને મકાન વિભાગ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડિયા, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ અને પક્ષ પ્રમુખ સી.આર.પાટીલ, મેયર ડો.હેમાલી બોઘાવાલા, મુખ્ય દાતા હંસરાજ ગોંડલીયા, સરદારધામના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરીયા સહિત ધારાસભ્યઓ, પાટીદાર ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ અને અન્ય દાતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *