દેશમાં આજે ભાઈ-બહેનના પ્રેમનું પર્વ એટલે કે રક્ષાબંધન ઉજવાઈ રહ્યુ છે. તાજેતરમાં જ કલમ ૩૭૦ દુર થવાથી રઘવાયું બનેલું પાકિસ્તાન પોતાની મુર્ખામીને લઈને ટ્રોલ થઈ રહ્યું છે, પાકિસ્તાની નાગરિકો પણ વિરોધ કરી રહ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી માટે દેશભરની લાખો બહેનો રાખડી મોકલશે અને બાંધશે. ત્યારે પીએમ મોદીની એક બહેન એવી છે જે છેલ્લા 23 વર્ષથી ચૂક્યા વિના દર વર્ષે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને રાખડી બાંધે છે. ગુરુવારે એટલે કે આજે પણ તે બહેન પીએમ મોદીને રાખડી બાંધશે. મતલબ કે, આ 24મું વર્ષ છે જ્યારે પીએમ મોદીની પાકિસ્તાની બહેન તેમને રાખડી બાંધશે.
ગુજરાતના અમદાવાદમાં રહેતા મૂળ પાકિસ્તાનમાં જન્મેલા 60 વર્ષીય કમર શેખે કહ્યું કે, આ વર્ષે પણ તેઓ પીએમ મોદીને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુની કામના કરશે. પાકિસ્તાનમાં જન્મેલા કમર શેખે અમદાવાદના પેઈન્ટર મોહસીન શેખ સાથે લગ્ન કર્યા છે. કમર શેખ છેલ્લા 38 વર્ષથી પતિ સાથે અમદાવાદમાં રહે છે. નરેંદ્ર મોદી જ્યારે પ્રચારક હતા ત્યારથી કમર શેખ અને પતિ મોહસીન તેમના સંપર્કમાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાખડી બાંધતા બહેન કમર શેખે કહ્યું, “અમે એકબીજાને છેલ્લા 32 વર્ષથી ઓળખીએ છીએ. મોહસીન અને હું ઘણીવાર દિલ્હીમાં ભાજપના અનેક નેતાને મળવા જતા હતા અને ત્યાં નરેંદ્ર મોદી સાથે મુલાકાત થતી હતી. ત્યારથી જ અમારી વચ્ચે ઓળખાણ થઈ. નરેંદ્ર મોદી ભાજપના સભ્ય પણ નહોતા ત્યારથી હું તેમને રાખડી બાંધતી આવી છું.”
જ્યારે પણ પીએમ મોદી સાથે મુલાકાત થાય છે ત્યારે તેઓ શું કહે છે એ વિશે કમરે કહ્યું, “તેઓ મારા પરિવાર અને મારા સ્વાથ્ય વિશે પૂછે છે. સમયની સાથે અમારો સંબંધ ગાઢ અને વધુ મજબૂત થયો છે. જ્યારે નરેંદ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમને રાખડી બાંધવા હું ગાંધીનગર જતી હતી. હવે દર વર્ષે દિલ્હી જઉં છું.”