શંભુ બોર્ડર પર જંગ: પોલીસે ખેડૂતો પર ટિયર ગેસ છોડ્યો, અનેક લોકોની કરી અટકાયત- દિલ્હીમાં લાલ કિલ્લો અને અનેક મેટ્રો સ્ટેશન કરાયા બંધ

Farmers Protest: પંજાબના ખેડૂતો દિલ્હી કૂચ કરવા માટે અંબાલાની શંભુ બોર્ડર પહોંચ્યા છે. અહીં આંદોલનકારી ખેડૂતોએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ્સને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોને રોકવા માટે પોલીસે તેમના પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે ડ્રોનનો ઉપયોગ કરીને આકાશમાંથી ટીયર ગેસના શેલ છોડ્યા હતા.હાલમાં શંભુ બોર્ડર પર સ્થિતિ ગંભીર છે. પોલીસે અનેક ખેડૂતોની(Farmers Protest) અટકાયત પણ કરી છે. પોલીસ ખેડૂતોને રોકવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમ છતાં ખેડૂતો આગળ વધી રહ્યા છે.

પોલીસ જાહેરાત કરી રહી છે
પોલીસ ખેડૂતોને અહીંથી હટાવવાની જાહેરાતો કરી રહી છે. પરંતુ આ દરમિયાન ખેડૂતો આગળ જવા માટે સુરક્ષાકર્મીઓ સાથે લડતા જોવા મળ્યા હતા. જાહેરાત દ્વારા પોલીસ વારંવાર ત્યાં ઊભેલા લોકોને કહી રહી છે કે અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે. મહેરબાની કરીને અહીં ભેગા થશો નહીં, નહીં તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે.

ડ્રોનથી ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા
પોલીસે ખેડૂતોને પાછા ખેંચવા માટે ડ્રોનની મદદથી ટીયર ગેસના શેલ છોડ્યા હતા. શંભુ બોર્ડર પર ખેડૂતો બેરિકેડ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને રોકવા માટે પોલીસે 11.58 વાગ્યે પ્રથમ કાર્યવાહી કરી હતી. પોલીસે ડ્રોનનો ઉપયોગ કરીને ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. બીજી કાર્યવાહી 12.18 વાગ્યે થઈ હતી.

ખેડૂતોને રોકવા માટે લોખંડના ખીલા અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા
ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે, દિલ્હીની સરહદો પર બહુસ્તરીય અવરોધો, કોંક્રિટ અવરોધો, લોખંડની ખીલીઓ અને કન્ટેનર દિવાલો સ્થાપિત કરીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીની ત્રણ સરહદો – સિંઘુ, ટિકરી અને ગાઝીપુર પર રમખાણ વિરોધી યુનિફોર્મમાં પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હીની સરહદો પર બેરીકેટ્સ વિશે વાત કરતા, ખેડૂતોએ કહ્યું કે આ પગલાં તેમને રોકશે નહીં કારણ કે તેઓ અડધો કલાકમાં બેરિકેડ્સને તોડી નાખશે.