પોલીસ બાતમી મેળવવા માટે વિવિધ નુુસખા અપનાવતી હોય છે. જેમાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવેલા પ્રવાસી પાસે દારૂ છે કે નહીં તે જાણવા હવે પોલીસ અને ટેકસી ડ્રાઈવરોની સિન્ડિકેટ બની છે. જેમાં શહેરમાં પ્રવેશેલા મુસાફર પાસે દારૂ મળે તો પોલીસ ડ્રાઈવરને 500 રૂપિયા ઈનામ આપે છે. જો કે 100 મુસાફરો દારૂ સાથે પકડાય તો માંડ એક વ્યકિત સામે જ કેસ થાય બાકી ટ્રાફિકના નિયમ ભંગ કરતા ચાલકો સામે સ્થળ ઉપર માંડવાળ થાય તે પ્રકારે આ કેસમાં પણ તેવું જ થાય છે.
ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે વિદેશથી આવી રહેલો મુસાફર પોતાની સાથે બે લીટર દારૂ લાવી શકે છે. કસ્ટમ અને ગુજરાતના નિયમ પ્રમાણે ગુજરાતના કોઈ પણ વિમાની મથકે આવેલા મુસાફર પાસે રહેલો બે લીટર દારૂ કસ્ટમ રોકી શકતુ નથી. જેના કારણે વિદેશથી આવતા પ્રવાસીઓ પૈકી 98 ટકા મુસાફરો પોતાની માટે અથવા કોઈને ભેટ આપવા માટે વિદેશી દારૂ લાવતા જ હોય છે.
પરંતુુ જેવો આ મુસાફર એરપોર્ટની બહાર નિકળે તેની સાથે આ દારૂ ગુજરાતના કાયદા પ્રમાણે પ્રતિબંધિત થઈ જાય છે. આમ કાયદેસરનો દારૂ પણ ગુજરાતમાં ગેરકાયદે થઈ જતો હોવાને કારણે પોલીસને મઝા પડે છે. મોડી રાત્રે પેટ્રોલીંગમાં રહેલી પોલીસ કઈ ભગવાન તો નથી. હવે શહેરમાં હજારો કાર પસાર થઈ રહી છે તેમાં કોઈ એક ચોક્કસ કારમાં દારૂ છે તેની પોલીસને કેવી રીતે ખબર પડે છે તે પ્રશ્ન છે. એક ટેકસી ડ્રાઈવરની જાણકારી પ્રમાણે એરપોર્ટની બહાર નિકળેલી વ્યકિત જો ખાનગી કારમાં નિકળે તો તે મુસાફર છે તેવું પણ પોલીસને ખબર પડે નહીં, પરંતુ ઈન્ટરનેશનલ એરપોર્ટની બહારથી કોઈ મુસાફર ટેકસી કરે તો તરત ટેકસી ડ્રાઈવર પોતાના મળતીયા પોલીસ વાળાને વોટસએપ મેસેજ કરે છે.
વોટસએપ મેસેજ મળતા સ્થાનિક પોલીસવાળા પીએસઆર વાહન લઈ રસ્તા ઉપર ઉભા રહી જાય છે. આમ ચોક્કસ નંબર પોલીસ પાસે હોવાને કારણે પોલીસ તે કારને રોકી તલાશી લે છે, જેમાં 10માંથી 8 કારમાં પોલીસને દારૂ મળી જાય છે. આમ વિદેશના પ્રવાસેથી આવેલી વ્યકિત પોલીસ સાથે સંઘર્ષ કરવા અથવા ચર્ચા કરવા માગતી નથી અને તેમને પોલીસ કેસ થાય તે પરવડે તેમ પણ હોતું નથી, મુસાફર ડરીને માંડવાળની વાત કરે એટલે પોલીસ નવા કાયદામાં રહેલી કડક કાયદાની જોગવાઈઓની વાત કરે છે. એક લાખ રૂપિયાથી વાત શરૂ થાય છે અને આખરે પચાસ હજારમાં ફાઈનલ થાય છે. નફામાં પોલીસ વિદેશી દારૂ પણ લઈ જાય છે.
હવે ઘરમાં અથવા ઓફિસમાં બેસી દારૂ પીવાનું ચલણ પણ વધ્યુ છે ખાસ કરી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં લોકો ઘરે અથવા ઓફિસે બેસી દારૂ પીવે છે, ત્યાં જમી લેવાનું પણ રાખે છે, તેઓ દારૂ પીધા પછી દંગો-ફસાદ પણ કરતા નથી છતાં પોલીસની ઝપટે ચઢી જાય છે તો પોલીસને કઈ રીતે ખબર પડે કે કોણ ઘર અથવા ઓફિસમાં દારૂ પી રહ્યું છે, જેના માટે પોલીસે જાતે કેટલાંક સંશોધન કર્યા છે અને તેમા તેઓ કારગર નિવડયા છે.
આપણને બહુ સામાન્ય લાગે પણ પોલીસની નજર પાનના ગલ્લા અને ફરસાણ વેચતી દુકાનો ઉપર હોય છે, સાંજના સુમારે કોઈ વ્યકિત અલગ અલગ પ્રકારના ફરસાણના પેકેટ લે તો તરત શંકાના દાયરામાં આવી જાય. જો આ વ્યકિત તેની સાથે સોડાની બોટલ લે તો તે ચોક્કસ દારૂ પીવાનો છે તેવુ પોલીસ નક્કી કરે છે. અને ત્યાર બાદ પોલીસ તેના ઘર અથવા ઓફિસ સુધી તેેનો પીછો કરે અને અર્ધો કલાક પછી તે ઘર અથવા ઓફિસનો દરવાજો ખખડે છે.
હવે ઘણા બધા દારૂ પીનારા લોકો જમ્યા પછી બહાર જમવા જતા નથી. તેઓ જયાં પાર્ટી કરી રહ્યા છે તે જ સ્થળે સ્વીગી અને ઝોમેટો જેવી સાઈટ ઉપરથી જમવાનું મંગાવે છે. પોલીસે આ જમવાનું ડીલીવર કરનાર યુવકોને વિશ્વાસમાંં લીધા છે. સામાન્ય રીતે આ પ્રકારની સાઈટ ઉપરથી જમવાનું આપવા આવનાર ઘરના મુખ્ય દરવાજા સુધી આવે છે, તમે જયારે તેને પૈસા આપો ત્યારે તેની નજર ઘરમાં રહેલી વ્યકિતઓ અને માહોલનો માપ કાઢતી હોય છે. બહાર જોઈ આ યુવક સ્થાનિક પોલીસને તેને જે કઈ સમજાયુ તે સમજાવે છે. આવુ અનેક કિસ્સામાં અમદાવાદમાં બન્યુ છે જેમાં જમવાનું આવ્યા પછી થોડીવારમાં પોલીસ પણ જમવા આવી જાય છે.
આપણે ત્યાં કેટલાંક દારૂ પીવાને બદાહુરી સમજે છે. તેઓ દારૂ પીધા પછી હોટલોમાં અને ખાસ કરી હાઈવેના ઢાબા ઉપર જમવા જતા હોય છે. ઢાબા ઉપર જમી રહેલી વ્યકિતઓ ઉપર વેઈટરની નજર હોય છે. ખાસ કરી જો કોઈ પીધેલો પરિવાર સાથે જમવા આવ્યો હોય તો પહેલા સોફટ ટાર્ગેટ થઈ જાય છે. કારણ આવી પીધેલો પરિવાર સાથે થાય ત્યારે પોલીસ સ્ટેશન જવાનું પસંદ કરતો નથી. આમ માંડવાળ જલદી અને વધારે થાય છે, જો કે પોલીસને આ પ્રકારની મદદ કરનાર સાઈટના ડીલેવરી બોય અને વેઈટરનું પોલીસ પણ પુરતા પ્રમાણમાં ધ્યાન રાખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.