ગુજરાત (Gujarat)ના યુટ્યૂબર(YouTuber) ખજૂરભાઈ(Khajurbhai) એટલે નીતિન જાની(Nitin Jani). તેઓ યુટ્યૂબરની સાથે સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે. આખા ગુજરાતમાં તેઓ હાલ લોકપ્રિય બન્યા છે. કેટલાય લોકોના ઘર બનાવી આપ્યા તો કેટલાય લોકોને મદદરૂપ થયા તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. તેમના આ કાર્યએ તેમને ગુજરાતના સોનુ સૂદ(Sonu Sood) બનાવી દિધા છે. ત્યારે હવે ખજૂરભાઈએ ફરી લોકોના દિલ જીત્યા છે.
જાણવા મળ્યું છે કે, તેઓએ બોટાદ જિલ્લાના સરવા ગામમાં માનસિક રીતે અસ્થિર યુવાનની મદદ કરી તેના પરિવારને ઘરનું ઘર બનાવી આપી માનવતાની મિસાલ કાયમ કરી છે. બોટાદ જિલ્લાનું સરવા ગામ બોટાદથી 30 કિલોમીટર દૂર તેમજ સાળંગપુરથી 40 કિલોમીટર દૂર સ્થીત છે. મળતી માહિતી અનુસાર, આ ગામના મહેશ અણિયાણિયા નામનો 22 વર્ષીય યુવક 6 વર્ષથી બાવળના વૃક્ષ નીચે બંધાઈને રહેતો હતો.
ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસાનો વરસાદ પણ તેને આ વૃક્ષને જ વળગી જીવન ગુજારવું પડતું હતું. આજ દિન સુધી તેને અને તેના પરિવારને કોઇએ પણ મદદ કરવાની કોશિશ ન હોતી કરી. તેનો પરિવાર પણ ઘણી વાર લોકો પાસે મદદ માંગી ચૂક્યો છે. પરંતુ દયનીય સ્થિતિમાં પરિવારની પડખે કોઈ મદદે આવ્યું નહીં. બોટાદ તાલુકાનું છેવાડે આવેલા સરવા ગામે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવનાર પ્રાગજીભાઈ કે જેઓને બે દીકરા છે અને એક પત્ની છે.
મહેશના પિતા પ્રાગજીભાઈના કહેવા મુજબ, ‘મહેશ છેલ્લાં 6 વર્ષથી નગ્ન અવસ્થામાં ઝાડ સાથે બાંધેલી હાલતમાં રહે છે. તેની માનસિક સ્થિતિ પણ ખૂબ ખરાબ છે.’ તેના મા-બાપની સ્થિતિ પણ ખૂબ ખરાબ છે. છતાં કોઇ પણ વ્યક્તિ તેઓની વ્હારે આવ્યું નહીં. આવાં ખરા સમયે ગરીબ અને દુ:ખિયા લોકો માટે મસીહા બનીને વ્હારે આવતા ખજૂર ઉર્ફે નીતિન જાનીએ આ ઘટનાની જાણ થતા જ તેઓ તે છોકરાને અને તેના પરિવારને મદદ કરવા દોડી પહોંચ્યા. ખજૂરભાઈએ 22 વર્ષીય મહેશની આ હાલત જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું.
ખજૂરભાઈએ પ્રાગજીભાઈ અને મહેશની મુલાકાત કરી હતી. આ દરમિયાન માનસિક રીતે અસ્થિર મહેશે પથ્થર ફેકવાની પણ કોશીશ કરી હતી પરંતુ કોમળ હ્રદયે ખજૂરભાઈએ તેને પાણી પિવડાવી સાંત્વતના આપી હતી. ખજૂરભાઈની ટીમ દ્વારા હાલ મહેશ અને તેના પરિવાર માટે મકાન, પાણી અને લાઈટની વ્યવસ્થા કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ખજૂરભાઈની સરાહનીય સેવાભાવનાથી ગામના લોકો પ્રભાવિત થયા હતા. તેમજ ખજૂરભાઈની આ કામગીરી જોવા લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.