જૂનાગઢમાં આભ ફાટ્યું: માણાવદર નાનડિયા ગામ જળબંબાકાર, 2 કલાકમાં 8 ઈંચ વરસાદ

Heavy Rainfall in Junagadh: આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની સટાસટી જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ સવારે આઠ વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધી ગીર સોમનાથના વેરાવળમાં 5.2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ જિલ્લાના(Heavy Rainfall in Junagadh) માંગરોળમાં છેલ્લાં ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ નાનડિયા ગામમાં 2 કલાકમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે.સાથે જ કેશોદ માંગરોળ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલી મુકાયા હતા.

રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો
ભારે વરસાદના પગલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વેરાવળ, માંગરોળ, માળિયા હાટીના, માણાવદર સહિતના પથંકમાં અનેક સોસાયટીમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે.

સાંજના છ વાગ્યા સુધીમાં ગીર સોમનાથ જિલ્લાનો વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં 5.2 ઇંચ, સુત્રાપાડામાં 1.8 ઇંચ જ્યારે તાલાલામાં 23 મિ.મી., ગીર ગઢડામાં 21 મિ.મી, ઉનામાં 11 અને કોડિનારમાં 7 મિ.મી. વરસાદ ખાબક્યો છે.

જૂનાગઢ જિલ્લાનો વરસાદ
જૂનાગઢ જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીમાં માંગરોળમાં 4.8 ઇંચ, માળિયા હાટિનામાં 4.6 ઇંચ, માણાવદરમાં 3, મેંદરડામાં 2.4 ઇંચ જ્યારે ભેસાણમાં 24 મિ.મી., કેશોદમાં 18, જૂનાગઢમાં 12, જૂનાગઢ શહેરમાં 12 મિ.મી. વરસાદ નોંધાયો છે.

અન્ય જિલ્લાઓમાં કેટલો વરસાદ
પોરબંદર જિલ્લામાં પોરબંદરમાં 2.2 ઇંચ, રાણાવાવમાં 1.7 ઇંચ, કુતિયાણામાં 1.4 ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગરના જામ જોધપુરમાં 5 મિ.મી., દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 19 મિ.મી., દ્વારકામાં 10 મિ.મી., કલ્યાણપુરમાં 9 મિ.મી. વરસ્યો છે. બોટાદમાં 7 મિ.મી., ગઢડામાં 2 મિ.મી., ભાવનગરના ઉમરાળામાં 6 મિ.મી., મહુવા(ભાવનગર)માં 4 મિ.મી. વરસાદ વરસ્યો છે.