ગુજરાત થયું જળબંબાકાર: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં ભારે વરસાદ- જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો?

Rain In Gujarat: ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ લગભગ અમુક વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના(Rain In Gujarat) 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથના તાલાલામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં તાલાલામાં સૌથી વધુ વરસાદ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના તાલાલામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા.

જામકંડોરણામાં નોંધાયો સવા 2 ઈંચ વરસાદ
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં જામકંડોરણામાં સવા 3 ઈંચ, મેંદરડામાં અને રાજુલામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. લાઠીમાં 1 ઈંચ વરસાદ, ઉપલેટામાં 2 ઈંચ, ઉમરગામમાં 2 ઈંચ, વાપીમાં 2 ઈંચ, જૂનાગઢમાં 2 ઈંચ વરસાદ, બરવાળામાં પોણો ઈંચ, વંથલીમાં પોણો ઈંચ, ખાંભામાં 1 ઈંચ, પાદરામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે નદીનાળાં છલકાયાં હતાં અને મોટાભાગના ડેમ પણ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે.

વડોદરામાં વરસ્યો હતો વરસાદ
કાલે એટલે કે તારીખ 04 જુલાઈ એ બોટાદ જિલ્લાના પાળિયાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નાના પાળિયાદ, તરઘરા, કાનીયાડ, સરવા, રતનપર ગામે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. વડોદરામાં પણ ઉકળાટ બાદ ગતરોજ વરસાદનું આગમન થયું હતું. વડોદરા શહેરના અમુક વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધીમીધારે વરસાદની શરૂઆત થઇ હતી. વડોદરાના રાવપુરા, રાજમહેલ રોડ, કારેલીબાગ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સાંજે વરસાદનું આગમન થતાં શહેરમાં 2 દિવસથી થતાં ભારે ઉકળાટથી શહેરીજનોને રાહત મળી હતી.

આજે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ
આજે એટલે કે તારીખ 05 જુલાઈ એ સૌરાષ્ટ્ર-કચ્છ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આજે દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે અમદાવાદ, વડોદરા, ખેડામાં વરસાદની શક્યતા છે. આજે આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, નર્મદા, પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, છોટાઉદેપુર, અરવલ્લીમાં પણ વરસાદ વરસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *