સુરતમાં રાજ્ય કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિનની મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી, સુરતીઓએ બનાવ્યો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

Surti made World Records: તારીખ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુરત(Surti made World Records) ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સહભાગી થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું હતું કે, આપણી સ્વાસ્થ્ય ધરોહર યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાર્થક પ્રયાસોથી વિશ્વભરમાં યોગવિદ્યા પ્રચલિત બનતા ભારતને અનેરૂ ગૌરવ મળ્યું છે.

રાજ્યમાં યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે યોગ બોર્ડની સ્થાપના કરી છે, પરિણામે 5000 લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે એમ જણાવી આ પ્રયાસોને વધુ આગળ વધારતા રાજ્યમાં નવા 51 યોગ સ્ટુડિયોનું નિર્માણ કરાશે એમ તેમણે ઉમેર્યું હતું. યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત રાજ્ય કક્ષાના યોગદિન કાર્યક્રમમાં સમગ્ર સુરત યોગમય બન્યું હતું.

એક સાથે એક સ્થળે 1.50 લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં જોડાઈ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરાવ્યું છે. સુરતના વિશ્વ વિક્રમ બનવાની આ ઐતિહાસિક ક્ષણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસના પ્રતિનિધિઓએ અધિકૃત જાહેરાત કરી હતી તેમજ મુખ્યમંત્રીને રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતની ભવ્ય વિરાસત સમા યોગથી વિશ્વમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વધુ મજબૂત થઈ છે. જેનું શ્રેય આપણા યશસ્વી વડાપ્રધાનને ફાળે જાય છે. યોગ અભ્યાસથી સ્વસ્થ-તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તેનું જ્વલંત ઉદાહરણ આપણા ઋષિ-મુનિઓ, યોગાચાર્યોએ દુનિયાને પૂરું પાડ્યું છે આપણે સૌએ સુસ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગ વિદ્યા ગ્રહણ કરી નિયમિત તેનો અભ્યાસ કરવો જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, કોરોના કાળમાં લોકોને આરોગ્યની મહત્તા સુપેરે સમજાઈ છે, આવા વિકટ સમયમાં યોગ-પ્રાણાયામ સંજીવની સમાન બન્યા હતા ત્યારે આપણા ૠષિમુનિઓની અમૂલ્ય ભેટ સમાન યોગવિદ્યા આધુનિક યુગમાં સ્વસ્થ જીવન જીવવાની ચાવી બની છે. મુખ્યમંત્રીએ સ્વદેશી વેક્સીન અને મિત્ર દેશોને નિ:સ્વાર્થ ભાવે વેક્સીન પૂરી પાડવાની હકારાત્મક નીતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોરોના મહામારીનો ધીરજ, મક્કમતા અને આગવી સુઝબુઝથી સામનો કરીને દેશવાસીઓને સુરક્ષિત રાખવામાં વડાપ્રધાનનો સિંહફાળો રહ્યો છે.

તેમણે સ્વદેશી રસી વિકસાવી દેશને આરોગ્ય કવચ પૂરૂ પાડ્યું જ સાથોસાથ જરૂરિયાત ધરાવતા નાના દેશોને વેક્સીન પૂરી પાડી ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરી હોવાનું ગર્વથી જણાવ્યું હતું. કેન્દ્ર સરકારના સુશાસનને 9 વર્ષ તેમજ 9મા વિશ્વ યોગ દિવસનો સંયોગ સર્જાયો છે એમ જણાવતા મુખ્યમંત્રી ઉમેર્યું કે રાજ્યમાં ૭૦૦૦થી વધુ સ્થળોએ સવા કરોડ જેટલા લોકો યોગદિવસની ઉજવણીમાં જોડાયા છે, ત્યારે યોગ દિવસની રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી યોગથી નિરોગ રહેવાનો અનુરોધ કર્યો હતો.

મોડા સૂવાની અને મોડા જાગવાની પ્રકૃતિ ધરાવતા સુરતીઓ યોગદિને વહેલી સવારથી સજ્જ થઈને રેકોર્ડબ્રેક સંખ્યામાં વેસુમાં એકઠા થયા છે જે સરાહનીય છે એમ જણાવી સુરતીઓના સ્પિરિટને બિરદાવ્યો હતો. સરકારે મક્કમ મનોબળ સાથે બિપરજોય વાવાઝોડાનો સામનો ‘ટીમ ગુજરાત’ બનીને કર્યો, પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોમાં એક એક વ્યક્તિને સુરક્ષિત રાખવામાં સફળતા મળી હોવાનો ઉલ્લેખ ગૃહ રાજ્યમંત્રીએ કર્યો હતો.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદસી.આર.પાટીલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, એક સાથે દોઢ લાખ લોકોની સામૂહિક યોગસાધનાથી ન ભૂતો ન ભવિષ્યતિ સમાન રેકોર્ડ સર્જાયો છે એમ જણાવી સ્વાસ્થ્યની જાળવણી માટે જનસામાન્યની પસંદ બનેલા યોગને જીવનનો ભાગ બનાવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાથી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધન કરી દેશવાસીઓને યોગદિનની શુભકામનાઓ પાઠવી હતી. ઉપસ્થિત સૌએ મધ્યપ્રદેશના જબલપુરમાં ઉપરાષ્ટ્રપતિ આયોજિત રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ નિહાળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *