શૂન્યથી શિખર સુધીની સફર! જુઓ કેવી રીતે અસંખ્ય મુશ્કલીઓનો સામનો કરી આ મહિલાએ ઉભું કર્યું કરોડોનું સામ્રાજ્ય

રાજસ્થાનના બાડમેર જિલ્લાની રહેવાસી રૂમા દેવી, નામ જેટલું નાનું એટલું જ મોટું કામ, જેની સામે દરેક મોટી ઉપલબ્ધિઓ નાની પડી જાય છે. જ્યારે તે 4…

રાજસ્થાનના બાડમેર જિલ્લાની રહેવાસી રૂમા દેવી, નામ જેટલું નાનું એટલું જ મોટું કામ, જેની સામે દરેક મોટી ઉપલબ્ધિઓ નાની પડી જાય છે. જ્યારે તે 4 વર્ષની હતી ત્યારે માતાનું અવસાન થયું, પિતાએ બીજા લગ્ન કર્યા અને કાકા સાથે રહેવા માટે છોડી દીધી હતી. ગરીબીના ખોળામાં ઉછરીને, હસવા-રમવાની ઉંમરે, તેને રમકડાંને બદલે મોટા ઘડાઓ મળ્યા હતા, જેને માથે રાખીને દૂર દૂરથી પાણી લાવતી હતી. પરેશાનીઓ ઓછી હતી તો, 8માં ધોરણમાં અભ્યાસ પણ છૂટી ગયો અને 17 વર્ષની ઉંમરે લગ્ન થઇ ગયા હતા.

પરેશાનીનું ઘર જ આ મહિલા હોય તેમ, પ્રથમ બાળકનો જન્મ થયો તે પણ બીમારીથી મૃત્યુ પામ્યો હતો. રૂમાની સામે મુશ્કેલીઓનો પહાડ હતો, દરેક સપના ચકનાચૂર થઈ ગયા હતા, પણ તેણે પોતાના આત્મવિશ્વાસને તૂટવા ન દીધો. પોતે જ ગરીબી સામે લડવાનું નક્કી કર્યું અને ઘરેથી હાથવણાટનું કામ શરૂ કર્યું. આજે તેઓ પોતાની રીતે એક ફેશન બ્રાન્ડ ચલાવી રહ્યા છે. દેશ-વિદેશમાં પોતાના કામથી પ્રખ્યાત થયા અને 22 હજાર મહિલાઓનો રોજગારી આપી રહી છે. આવો આજની ખુદ્દાર કહાનીમાં જાણીએ રૂમા દેવીની શૂન્યથી શિખરે પહોંચવાની વાર્તા…

અંદરથી ભાંગી પડી હતી, મન કરતું હતું કે આત્મહત્યા કરી લઉં
32 વર્ષીય રુમા દેવી કહે છે કે, લગ્ન પછી પણ પરેશાનીઓ ઓછી નથી થઈ રહી. આર્થિક તંગીના કારણે અમે બાળકને રોગથી બચાવી શક્યા નહી. પહેલા બાળકના મૃત્યુથી મને મોટો આંચકો લાગ્યો હતો. અંદરથી સાવ તૂટી ગયી હતી, જીવનથી કંટાળી ગયી હતી. મન થતું હતું કે આત્મહત્યા કરી લઉં. આવી જિંદગીનો શું મતલબ જ્યારે આપણે આપણી જરૂરિયાતો જ પૂરી કરી શકતા ન હોઈએ.

પણ રૂમાએ પોતાની જાતને સંભાળી હતી. નક્કી કર્યું કે, મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે તેમની સાથે લડવું જોઈએ. તેઓ તેની દાદી પાસેથી સીવણ-વણાટ અને ભરતકામ શીખ્યા હતા. આ કામને વધુને વધુ આગળ ધપાવવાનું આયોજન કર્યું હતું. તેણે સોયના દોરા વડે કુશન અને એમ્બ્રોઇડરી કરેલી થેલીઓ બનાવવાનું શરૂ કર્યું અને તે અન્ય છોકરીઓને આપવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે રૂમાનું કામ વધવા લાગ્યું, પરંતુ સમસ્યાએ હતી કે તેની પાસે ન તો પૈસા હતા અને ન તો પૂરતા સાધનો. તેની પાસે સિલાઈ મશીન ખરીદવાના પણ પૈસા નહોતા.

100-100 રૂપિયા ભેગા કરીને સિલાઈ મશીન ખરીદ્યું
આ પછી રૂમાએ 2006માં 10 મહિલાઓ સાથે સ્વસહાય જૂથ બનાવ્યું હતું. તમામ મહિલાઓએ 100-100 રૂપિયાનું રોકાણ કરીને એક હજાર રૂપિયામાં સિલાઈ મશીન ખરીદ્યું. સંસાધનોની થોડી વ્યવસ્થા તો થઇ ગઈ, પરંતુ સમસ્યા એ છે કે 10 મહિલાઓને કામ ક્યાંથી મળશે? તેઓ જે બનાવશે તે કોણ ખરીદશે?

તે સમય દરમિયાન રૂમાને ખબર પડી કે બાડમેરમાં ગ્રામીણ વિકાસ ચેતના સંસ્થાનમાં હસ્તકલા તૈયાર કરવાનું કામ કરવામાં આવે છે અને મોટાભાગનું કામ ત્યાંની મહિલાઓ કરે છે. રૂમા તેના ગ્રુપની કેટલીક મહિલાઓ સાથે ત્યાં પહોંચી હતી. પહેલા તો સંસ્થાના સત્તાધીશોએ ખાસ ધ્યાન આપ્યું ન હતું. તેમને લાગ્યું કે આ લોકો આમ જ આવ્યા છે.

રુમાએ તેના કામ વિશે માહિતી આપી, વિનંતી કરી, પછી તેણે સંસ્થામાંથી થોડું થોડું કામ મેળવ્યું. રૂમા અને તેની સાથીદારોએ ત્રણ દિવસનો ઓર્ડર એક રાતમાં પૂરો કરી નાખ્યો. બીજા દિવસે જ્યારે તે સંસ્થામાં પાછી આવી ત્યારે અધિકારીઓને લાગ્યું કે તેઓ કામ કરી શકશે નહીં, તેથી જ આ લોકો આટલા જલદી પાછા ફર્યા છે, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે આ મહિલાઓએ આખી રાત જાગીને કામ પૂરું કર્યું છે, તો તેઓ પણ ખૂબ પ્રભાવિત થયા હતા. અને ત્યારબાદ એક પછી એક, તેઓને નવ નવ ઓર્ડર મળવા લાગ્યા હતા.

ઘરના પુરુષો ઈચ્છતા નહોતા કે, તેમના ઘરની સ્ત્રીઓ કામ કરે રુમા અને તેના સહકાર્યકરો હસ્તકલા તૈયાર કરીને અને સ્થાનિક બજારમાં તેને સપ્લાય કરે છે. બાદમાં, તેણે પોતાની જાતે જ જાહેરાતો કરીને તેની પ્રોડક્ટ્સનું વેચાણ પણ શરૂ કર્યું. રૂમા કહે છે કે પહેલા મોટાભાગની મહિલાઓ કામ કરવા માટે રાજી ન હતી. ઘરના પુરુષો ઇચ્છતા ન હતા કે તેમના પરિવારની મહિલાઓ કામ કરે. અમે તેમને ઘણું સમજાવ્યું અને પછી અમારી સાથે જોડાયા હતા. એ સ્ત્રીઓને તાલીમ આપી, કામ શીખવ્યું. આ રીતે ધીમે ધીમે મહિલાઓની સંખ્યા પણ વધવા લાગી. 2010 સુધીમાં, અમારા જૂથમાં પાંચ હજારથી વધુ મહિલાઓ જોડાઈ હતી.

કામ વધ્યું તો દિલ્હી જેવા મોટા શહેરોમાં સ્ટોલ લગાવવાનું શરૂ કર્યું. રૂમા દેવી કહે છે કે, જ્યારે અમારી સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ ત્યારે ઉત્પાદન પણ સારું વધ્યું. તેથી અમે વિચાર્યું કે હવે આપણે રાજસ્થાન બહારનું બજાર પણ શોધવું જોઈએ. કેટલાક લોકોએ કહ્યું કે દિલ્હી જાઓ, તમને સારો પ્રતિસાદ મળશે. પરંતુ સમસ્યા એ હતી કે, અમે ન તો ભણેલા હતા અને ન તો ક્યારેય મોટા શહેરોમાં ગયા હતા. ઉપરથી ભાષાની સમસ્યા. અમને તે સમયે હિન્દી કે અંગ્રેજી આવડતું ન હતું, માત્ર ગામની બોલી અને મારવાડીમાં વાત કરવાનું જાણતા હતા.

પણ હવે કામ વધારવું હતું એટલે નક્કી કર્યું કે દિલ્હી જઈશું. જે મુશ્કેલીઓ આવશે તે જોઈ લઈશું. બાળપણથી જ હું આ મુશ્કેલીઓ વચ્ચે જીવી રહી છું. રુમા કહે છે કે, અમે દિલ્હી જઈને સ્ટોલ લગાવ્યા. દુકાને આવેલી મહિલાઓને લાગ્યું કે તેઓ ગામમાંથી આવી છે. જો કે, મોટાભાગની મહિલાઓએ અમને ટેકો આપ્યો અને અમારા કામની પ્રશંસા કરી. પછી અમે 15 થી 20 હજાર રૂપિયામાં વેચાણ શરુ કર્યું. તે કહે છે કે મેં મારા કામ માટે કોઈ તાલીમ લીધી નથી. જે પણ શીખી છું તે કામ કરતા-કરતા જ શીખી છું. અમે હંમેશા લોકોની ડિમાન્ડ અને ફેશન ટ્રેન્ડ અનુસાર કંઈક નવું કરવાનો પ્રયાસ કરીએ છીએ.

10 મહિલાઓથી શરૂ થઈ સફર, આજે 22 હજાર મહિલાઓનો છે પરિવાર આ પછી રૂમા દેવી અને તેમનો પરિવાર વધતો જ ગયો. તેઓ એક પછી એક શહેરોમાં જવા લાગ્યા. તેણે ઘણા ફેશન શોમાં પણ ભાગ લીધા. 2011માં ફરી દિલ્હી ગયા, તે વખતે જબરદસ્ત માર્કેટિંગ થયું અને તેણે લગભગ 11 લાખ રૂપિયાનું વેચાણ કર્યું. બસ આ ઘડીથી રૂમાએ પાછું વળીને ક્યારેય જોયું નથી. તે ભારતની બહાર ઘણા દેશોમાં પણ ગઈ હતી. અમેરિકા, મલેશિયા, જર્મની, સિંગાપોર, શ્રીલંકા સહિતના એક ડઝન દેશોમાં પોતાની પ્રોડક્ટ્સ બતાવી અને ત્યાના લોકો પાસેથી પણ ખુબ સારો રિસ્પોન્સ મળ્યો હતો.

આજે રૂમા સાથે 22 હજારથી વધુ મહિલાઓ જોડાયેલી છે. જેમાં પરંપરાગતથી લઈને આધુનિક સાડી, દુપટ્ટા, કુર્તા, પડદા સહિતની ડઝનબંધ ફેશન પ્રોડક્ટ્સ તૈયાર કરી રહી છે. કોરોના આવ્યા બાદ તેણે rumadevi.com નામની ઈ-કોમર્સ વેબસાઈટ બનાવી છે, જ્યાં તે પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. જે સંસ્થા સાથે રૂમાએ કામ કરવાનું શરૂ કર્યું હતું, આજે તે તેની પ્રમુખ પણ છે. અને તેમની સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર લગભગ 1.5 કરોડ રૂપિયા છે.

તે કહે છે કે, અમે દેશભરના અલગ-અલગ શહેરોમાંથી કાચો માલ લાવીએ છીએ. ત્યારબાદ ગ્રુપ સાથે જોડાયેલી મહિલાઓ તેમની પાસેથી પ્રોડક્ટ્સ તૈયાર કરે છે. આ પછી મહિલાઓ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. જે મહિલાઓની પ્રોડક્ટ્સ વેચાતી નથી અથવા જેઓ પોતે સક્ષમ નથી, અમે અમારા પ્લેટફોર્મ દ્વારા તેનું માર્કેટિંગ કરીએ છીએ. તેમજ માંગ અને ઓર્ડર પ્રમાણે અમે પોતે પણ મહિલાઓ પાસેથી પ્રોડક્ટ ખરીદીએ છીએ.

2018માં નારી શક્તિ સન્માન, 2019માં KBCની હોટ સીટ પર મળ્યું હતું સ્થાન આ કાર્ય માટે રૂમા દેવીને ઘણા સન્માન મળ્યા છે. તેમણે જ્યોતિરાવ ફૂલે યુનિવર્સિટી જયપુરમાંથી પીએચડીની માનદ ડિગ્રી પ્રાપ્ત કરી છે. 2018 માં, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમને નારી શક્તિ સન્માનથી સન્માનિત કર્યા. તે 2019માં અમિતાભ બચ્ચન સાથે KBCમાં હોટ સીટ પર પણ બેઠા છે અને એવોર્ડ પણ જીતી ચૂકી છે. તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પેનલિસ્ટ તરીકે જોડાઈ છે. આ સાથે શ્રીલંકા, નેધરલેન્ડ જેવા દેશોએ પણ તેનું સન્માન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *