મોદી સાહેબ આ ઝંડા લઈ તમારી સામે નીકળી પડતા અમારા છોકરાઓને કેવીરીતે સમજાઈએ, ઝંડા-ત્રિશુળ પકડતાં જ તમે શીખવ્યુ છે! પાટીદારોમાં લણનારો અને લડનારો એમ બે વર્ગ છે. રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરએ પ્રધાનમંત્રી મોદીને સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક સવાલ અને ભૂતકાળ યાદ કરવ્યો છે.
પાટીદાર ગ્લોબલ સમીટમાં નરેન્દ્ર મોદીએ તલ્ખ ભાષામાં કહ્યું કે ” તમારા છોકરાઓ અમારી સામે ઝંડા લઈ મુર્દાબાદ મુર્દાબાદ કરતાં નીકળી પડે છે એમને સમજાઓ. આ સાંભળી ત્યાં બેઠેલા એકેય પાટીદારે વળતો પ્રશ્ન ના પુછ્યો કે સાહેબ કેવી રીતે સમજાઈએ ? અમારા છોકરાઓને હાથમાં ત્રિશુળ ને ઝંડા પકડવાનુ શીખવાડનાર જ મોદી સાહેબ આપ હતા ! અમે ત્યારે પણ અમારા છોકરાઓને ન્હોતા રોક્યા તો હવે હાથમાં ડીગ્રી લઈ નોકરી માટે ઝંડો ઝાલે ત્યારે કેવી રીતે રોકી શકીએ ? તમારી સાથે રામ માટે મરવા નીકળ્યા ત્યારે ન્હોતા રોક્યા તો આજે રોટી માટે તમારી સામે ઝંડો પકડે તો કેવીરીતે રોકીએ ?
પહેલાં તમે અંધારામાં રહેતા હતાં,જ્યોતિગ્રામ હેઠળ અજવાળું મે દેખાડ્યુ એવુ તમારા છોકરાઓને સમજાઓ એવા ભાવાર્થ સાથે મોદીજીએ પાટીદારો જ નહી ગુજરાતીઓના સામર્થ્ય, પરિશ્રમ અને આવડત બધાય ઉપર અહેસાનનો કુચડો ફેરવી નાખ્યો. જાણે ગુજરાત મોદી સાહેબના રાજ પહેલા મીણબત્તી, કોડીયા ને ટોર્ચ પર નિર્ભર હતુ ! પટેલોને પાષાણયુગ થી ભાષણયુગ થકી અંધકારથી ઉજાસ તરફ નરેન્દ્રભાઈ જ લઈ આવ્યા !મોદી ના હોત તો તમારા છોકરા આજેય મીણબત્તીઓ ના ભરોસે હોત ! આ પ્રકારના શાસકીય અહંકાર સામે ત્યાં ઉપસ્થિત એકપણ પટેલનો દીકરો ઉંહકાર ના કરી શક્યો.
એકેય ભડનો દીકરો ના કહી શક્યો કે ,માની લઈએ કે મોદીજી તમે વીજળી લાવ્યા, અમને અંધકારથી અજવાળામાં લાવ્યા.પણ એના એહેસાન તળે અમારા છોકરાઓ મોંઘા શિક્ષણ, બેરોજગારી, સરકારી અત્યાચાર, કૌભાંડો વિગેરે સામે નતમસ્તક રહે એવુ કેવીરીતે શક્ય બને ? તમારા કારણે ઉભી થયેલી સાંપ્રદાયિક આગમાં ઝંડો ઝાલવાની સજા ભોગવી રહેલા પાટીદાર પરિવારો પેટની આગ ઠારવા તમારા હોવાનુ સબુત શોધવા મુર્દાબાદ ..મુર્દાબાદ ના કરે તો શું કરે ? અમેય ભાજપને મત આપી પચાસ વરસના અંધકારથી સત્તાના અજવાળું દેખાડ્યુ છે .એ દ્રષ્ટિએ તો તમારે પણ તમારા છોકરાઓ (અમિત શાહ સમેત કાર્યકરો, નેતાઓ) ને સમજાવવા જોઈએ કે પાટીદારોએ આંખમીંચી સમર્થન ના આપ્યુ હોત તો તમે વડાપ્રધાન બની અમને સમજાવવાની ઔકાત ના મેળવી હોત.
સામે બેઠેલા એકેય ની આ કહેવાની હીમંત ના થઈ એનુ કારણ એ કે *પાટીદારોમાં લડનારો અને લણનારો એમ બે વર્ગ છે*. મોદીજીની સામે બેઠેલો વર્ગ લણનારો હતો.એમાના એકેયના દીકરાને અનામત કે નોકરીની જરૂર નથી કેમકે એમની અસ્ક્યામત બોલનારા સામે ચુપ રહેવાથીજ વધવાની છે.છાશવારે પેપર ફુટતા હોય , ભરતીમાં કૌભાંડો થતા હોય, શિક્ષીત બેરોજગારી થી સામાજીક સમસ્યાઓ થતી હોય , હક્ક માંગવા નીકળે તો ગોળીઓ મળતી હોય, સમાજની બહેન દીકરીઓ પર અત્યાચાર થતો હોય, ખોટા કેસોમાં છોકરાઓની જીંદગી બરબાદ થતી હોય ત્યારે મોદીજીની સામે બેસી સમાજ માટે લડનારા દીકરાઓના અપમાન ને ગળી જનારાઓએ ધંધો કરવાનો છે. શુટબુટમાં બેઠેલા એકેય ના છોકરાએ ઝંડો નથી પકડવાનો ભાજપના ઝંડા હેઠળ નતમસ્તક થઈ ધંધો પકડવાનો છે અને માટે એમનુ બોલવુ નુક્શાનકારક નીવડે.
સમજવાનુ સામાન્ય પાટીદાર પરિવારના યુવાનોએ છે.સત્તાની ચાટુકારિતા કરી મેળવેલી દોલત થકી સમાજની ઠેકેદારી કરનારો અલગ અલગ ધામ બનાવશે પણ તમારા અપમાન સામે બોલવાની હામ નહી બતાવી શકે. સમાજ થકી મોભો મેળવી લેશે મોભી બની તમારી પડખે નહી રહી શકે. સંઘર્ષ એજ કરી શકે જેને કશુય ખોવાનો ડર ના હોય. જેણે સત્તા સમક્ષ દંડવત કરીને જ કંઈક મેળવ્યુ હોય એને સત્તા સામે બોલી મેળવેલુ ગુમાવવાનો ભય હોય જ. પાટીદાર યુવાનો નક્કી કરે ભયવીરો જોઈએ કે ભડવીરો…. -રાજેશ ઠાકર (rajthaker207@gmail.com)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.