રાજકોટ ગેમઝોન આગમાં NRI યુવક યુવતી ધામધૂમથી લગ્ન કરે એ પહેલા જ હોમાયા! 4 દિવસ પહેલા કોર્ટમેરેજ કરેલા

Rajkot TRP Gamezone Fire: ગઇકાલે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગે અનેક પરિવારનો માળો વીંખી નાંખ્યો છે. ટીરઆપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં કેનેડાથી આવેલા એક એનઆરઆઇ યુવક અને તેની ભાવિ પત્ની તથા સાળીનો ભોગ લેવાયો હોવાના(Rajkot TRP Gamezone Fire) અહેવાલ છે. લગ્ન કરવા માટે અમેરિકાથી રાજકોટ આવ્યો હતો. ટૂંક સમયમાં યુવક-યુવતીના લગ્ન થવાના હતા અને એ પહેલા કાળ ભરખી જતાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાય ગયો છે.

4 દિવસ પહેલા જ લગ્ન થયા હતા
અમેરિકાથી આવેલો પરિવાર પતિ-પત્ની અને સાળી ગૂમ થયા છે, હજુ સુદી તેમની કોઈ ભાળ મળી નથી. ગૂમ થયેલામાં ખ્યાતિ સાવલિયા અને અક્ષય ઢોલરિયા અને હરિતાબેન સાવલીયાનો સમાવેશ થાય છે તેમના 4 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. પરિવારજનો વહીવટીતંત્રની મદદ લઇને પતિ-પત્ની અને સાળીને શોધી રહ્યાં છે.

અગ્નિકાંડે અનેક પરિવારને કદી ન ભુલાય તેવું દુઃખ આપી દીધું
હર્ષોઉલ્લાસનો માહોલ હતો અને તેવામાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા સમગ્ર ગુજરાતનું હૃદય કંપી ઉઠ્યું હતું. રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં શનિવારની સાંજે થયેલા અગ્નિકાંડે અનેક પરિવારને કદી ન ભુલાય તેવું દુઃખ આપી દીધું છે. હસતાં- રમતા પરિવારોમાં પલભરમાં માતમ છવાઇ ગયો છે. કેનેડા વસતો એનઆરઆઇ યુવક અક્ષર ઢોલરિયા લગ્ન માટે રાજકોટ આવ્યો હતો. ટૂંક સમયમાં તે લગ્ન કરવાનો હતો અને ભાવિ પત્ની તથા સાળી સાથે ટીઆરપી ગેમ ઝોન ગયા હતા.

પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ
બનાવની આ ઘટનામાં અક્ષર કિશોરભાઈ ઢોલરિયા, ખ્યાતી સાવલિયા અને હરિતા સાવલિયાનું મોત નીપજ્યું છે. મોતના સમાચાર મળતા જ બન્ને પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઇ છે. અક્ષરના માતા પિતા અમેરિકા રહે છે અને તેઓ રાજકોટ આવવા માટે નીકળી ગયા છે. ખ્યાતી અને હરિતાની ઓળખ થઇ ગઇ છે. અમેરિકાથી માતા-પિતા આવ્યા બાદ અક્ષરના ડીએનએ કરાશે.

ગેમિંગ ઝોનને NOC નહોતું મળ્યું
રાજકોટ ગેમ ઝોન અકસ્માત કેસમાં કલેકટરે જણાવ્યું હતું કે આગ શોર્ટસર્કિટના કારણોસર લાગી હોવાનું મનાય છે. જો કે હજુ સુધી મુખ્ય કારણ બહાર આવ્યું નથી. આ ગેમિંગ ઝોનને ફાયર વિભાગ તરફથી એનઓસી મળી ન હતી. આ અંગે વધુ માહિતી વિભાગમાંથી જ મળશે.

બાળકોએ કહ્યું- સ્ટાફ અચાનક આવ્યો અને તેમને બહાર લઈ ગયો
શનિવારે સાંજે જ્યારે આ અકસ્માત થયો ત્યારે ગેમ ઝોનમાં રમી રહેલા બાળકોએ કહ્યું કે અચાનક ત્યાંનો સ્ટાફ આવ્યો અને અમને કહ્યું કે આગ લાગી છે, તમે બહાર આવો, ત્યાર બાદ ત્યાંથી બધા બહાર દોડી આવ્યા હતા પરંતુ ઘણાંલોકો બહાર આવી શક્યા ન હતા. પહેલા માળેથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો.