પેપર લીક (Paper leak)ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે ફરી એક વાર ચાર દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી (Saurashtra University)માં BBA સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-5ના પેપર લીક થવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ મામલે ચાર દિવસ બાદ કોઈ કાર્યવાહી ન થતાં આજે NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો.
ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ અને પ્રભારીની આગેવાનીમાં 150 જેટલા કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા અને VCના રાજીનામાની માગ કરી હતી. આ વિરોધે ખુબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં પોલીસ સાથે NSUIનું ઘર્ષણ થયું હતું. ત્યારે ધક્કામુકી થતાં દરવાજાના કાચ તૂટ્યા હતા અને પોલીસે NSUIના આગેવાન સહિત 15 જેટલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.
વિદ્યાર્થીઓ સાથે જ અન્યાય થયો છે: NSUI પ્રમુખ
આ અંગે ગુજરાત NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, પેપર ફૂટ્યાની આ ઘટનાને ચાર દિવસ થઈ ગયા હોવા છતાં સરકાર દ્વારા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી, જે સ્પષ્ટ દર્શાવે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકારના ઈશારે કામ કરી રહી છે. અમારી એક જ માગ છે કે કુલપતિએ હવે રાજીનામું આપી દેવું જોઈએ. તેમની અધ્યક્ષતામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવે છે.
વિરોધનાં સૂત્રો સાથે સ્ટિકર ચિપકાવવામાં આવ્યાં:
જાણવા મળ્યું છે કે, ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પેપર લીક મામલે ચાર દિવસ પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અરજી કરવામાં આવી છે. જોકે આજે ચાર દિવસ થવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે NSUIના આગેવાનો વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ કર્યો હતો. ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને ગુજરાતના પ્રભારી અંકુશ ભટનાગરની આગેવાનીમાં 150થી વધુ કાર્યકર્તા સાથે ઉગ્ર વિરોધ નોંધાવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચાલુ પરીક્ષામાં BBA સેમેસ્ટર 5 અને B.com સેમેસ્ટર 5ની 13 ઓક્ટોબરના રોજ લેવામાં આવેલી પરીક્ષાનું પેપર આગલા દિવસે એટલે કે 12 તારીખે જ લીક થઇ જતાં રાતોરાત BBAનું નવું પેપર સેટ કરી પરીક્ષા લેવામાં આવી, જ્યારે B.comની પરીક્ષા રદ કરી ફરીથી લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014થી આજ દિવસ સુધીમાં આ 5મી વખત પેપર લીક થવાની ઘટના સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.