રાજકોટ/ પતિએ જ કરી પત્નીની હત્યા- પુત્રને ફોન કરીને કહ્યુ, ‘મેં તારી માને મારી નાંખી છે…..’

Rajkot Crime: રાજકોટ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ( Rajkot Crime ) જિલ્લામાં પતિએ પોતાની પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. ગૃહકંકાસથી કંટાળીને પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. પતિએ બોથડ પદાર્થ માથામાં મારી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ હત્યા કર્યા બાદ પતિએ પુત્રને ફોન કરીને કહ્યું, તારી માને મારી નાંખી છે. બેભાન હાલતમાં પુત્રએ માતાને હોસ્પિટલે ખસેડી હતી, જયાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

લાશને ઘરમાં રાખી તાળું મારી હત્યારો ભાગી ગયો હતો
શાપર વેરાવળની સર્વોદય સોસાયટીમાં મહિલાને તેના જ પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી, પત્નીની હત્યા કરી લાશ ઘરમાં રાખી ઘરને તાળું મારી હત્યારો પતિ નાસી ગયો હતો.શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતા કમળાબેન પ્રેમજી પરમાર (ઉ.વ.45)ની હત્યા કરાયેલી લાશ તેના ઘરમાં પડી હોવાની જાણ થતાં શાપર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.કે.ગોહિલ સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ઉશ્કેરાઈને માથામાં તીક્ષણ હથિયાર મારી કરી હત્યા
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ભદ્રેશી ગામના કમળાબેન છેલ્લા 6 વર્ષથી પરિવાર સાથે શાપર રહેતાં હતા. તેનો પતિ કારખાનામાં નોકરી કરે છે. સંતાનમાં ત્રણ પુત્રો છે. જેમાંથી મોટો પુત્ર બાબુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. બાકીના બંને પુત્રો મજુરી કરે છે. કમળાબેન અને તેના પતિ પ્રેમજી વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. જેને કારણે આજે બંને વચ્ચે ફરીથી ઝઘડો થતાં ઉશ્કેરાઈ જઈ પ્રેમજીએ રોડના ઘા ઝીંકી પત્ની કમળાબેનની હત્યા કરી નાખી હતી.આ કૃત્ય બાદ પ્રેમજીએ તેના મોટા પુત્ર બાબુને કોલ કરી કહ્યું કે મે તારી માને મારી નાખી છે, જે થાય તે કરી લેજે. આ પછી કોલ કટ કરી નાખ્યો હતો. આ વાત સાંભળી ચોંકી ગયેલા બાબુએ તત્કાળ તેના બે નાના ભાઈઓને જાણ કરતાં તેઓ ઘરે દોડી ગયા હતા. તે વખતે મકાનને તાળુ હતું.

હત્યા કાર્ય બાદ તેના પુત્રને કર્યો ફોન
તાળુ તોડીને જોતાં તેમની માતા કમળાબેન ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. જેથી તત્કાળ તેને રાજકોટની સિવીલમાં લઈ આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જાણ થતાં જ શાપર પોલીસ સ્થળ પર અને સિવીલ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરવાની સાથે આરોપી પ્રેમજીની પણ શોધખોળ શરૂ કરી હતી. તેણે પુત્રને કોલ કર્યા બાદ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાંખ્યો હતો.

ગૃહકલેશમાં જ પ્રેમજીએ પત્ની કમળાબેનની હત્યા કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી નાસી છૂટેલા પ્રેમજી ગોવિંદ પરમારની શોધખોળ શરૂ કરી હતી.