રાજકોટ(ગુજરાત): થોડા સમય પહેલા જ ધોરાજીના એક યુવકે છ મહિનામાં જ 110 કિલો વજનમાંથી 33 કિલો વજન ઘટાડ્યું હતું. આ યુવકનું નામ હર્ષરાજસિંહ ગોહિલ છે. સાથે સાથે તેને 27 મિનિટમાં 3200થી વધુ દોરડા (સ્કિપિંગ) કૂદવાનો એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ત્યારે હર્ષરાજસિંહની દોરડા કૂદવાની સિદ્ધિથી પ્રેરણા લઈને રાજકોટના યાંશુ ઘનશ્યામભાઇ વસાણી નામના યુવાને પણ એક અનોખી રીતે દોરડા કૂદી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ દાખલ કર્યું છે.
મળતી માહિતી મુજબ, 20 વર્ષીય યાંશુ જે રાજકોટમાં સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છેલ્લા 6 વર્ષથી તે સાઇક્લિંગ, યોગા અને કસરતો કરીને શારીરિક રીતે ફિટ રહે છે. આ દરમિયાન હર્ષરાજસિંહે દોરડા કૂદવાનો નવો રેકોર્ડ નોંધાવ્યો ત્યારબાદ તે જ સમયે તેને પણ અનોખી સિદ્ધિ મેળવવાનો નિર્ણય કરી લીધો હતો.
જેને કારણે પોતાને નામેં નવો રેકોર્ડ શેનો નોંધાય તેમ છે તે માટે ગૂગલ દ્રારા દુનિયાની અવનવી સિદ્ધિઓ વિશે માહિતી મેળવી હતી. ત્યારે પોતે રોજ યોગાસન કરતો હોવાથી પદ્માસન સાથે દોરડા કૂદવાનો કોઇ જ રેકોર્ડ ન હોવાની જાણ તેને થઇ હતી. ત્યારબાદ તેને રેકોર્ડ બનાવવો કઠિન હતો પરંતુ સિદ્ધિ મેળવવાનું ધ્યેયમાં રાખીને તેને તનતોડ મહેનત શરુ કરી દીધી હતી.
યાંશુના જણાવ્યા મુજબ, પદ્માસન કરી બેઠા બેઠા દોરડા કૂદવા ખુબ અઘરા હતા. છેવટે મારા આત્મવિશ્વાસ થકી મેં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મેં 30 સેકન્ડમાં પદ્માસન સાથે 44 વખત દોરડા કૂદી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન ધરાવ્યું છે. એટલું જ નહીં, 24 જુલાઇ, 2021ના રોજ મને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં ન્યૂ રેકોર્ડ હોલ્ડર તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાની વોટરપોલો ટીમ વતી પણ યાંશુ વસાણી રમી ચૂક્યો છે. જેમા સતત ત્રણ વર્ષ રમતનું શાનદાર પ્રદર્શન કરી સ્ટેટ ચેમ્પિયન ટીમનો ખેલાડી પણ બની ગયો છે. વોટરપોલો ઉપરાંત જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધાની 200મી. ફ્રી સ્ટાઇલમાં પણ પ્રથમ સ્થાન મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.