સુરત શહેરથી એક સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીની આજુબાજુ જાહેર રસ્તાઓ ઉપર દબાણ દૂર કરવાની કામગીરી SMC દ્વારા શરૂ કરવામાં આવી છે. જેને લીધે વિસ્તારમાં કેટલાક જગ્યા ઉપર અતિક્રમણ થયું હોવાનું નજરે આવ્યું હતું. જેને લઈને છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવા માટે SMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લીધે આખરે આજે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે આજે SMC દ્વારા આજે બીજના દિવસે જ રોડની વચ્ચે આવેલા રામદેવપીર મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. જેને લઈને રામદેવપીરના પુજારી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
તમને જણાવી દઈએ કે, આજે બીજના દિવસે ખાસ કરીને રામાપીરના ભક્તો મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે આવતા હોય છે. સવારે ભક્તો રામદેવપીરના મંદિરે પહોંચ્યા હતા તે જ સમયે કોર્પોરેશનની ટીમ મંદિરની નજીક પહોંચી ગઈ હતી અને ડિમોલિશનની કામગીરી શરૂ કરી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બીજ હોવા છતાં પણ રામદેવપીરના મંદિરનું ડિમોલિશન કરી દેવાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. મંદિરના પૂજારી પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
મંદિરમાં ડિમોલુશન પ્રક્રિયા હાથ ધરતાની સાથે જ બજરંગ દળના કાર્યકર્તાઓએ અને વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો હતો. માત્ર ત્રણ દિવસની ટૂંકી નોટિસમાં આ પ્રકારે મંદિરનું ડિમોલિશન કરવું વ્યાજબી ન હોવાની વાત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ કરી હતી. વિરોધ કરવા ગયેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના ચાર જેટલા કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ સુરતના મંત્રી કમલેશ કયાડાએ જણાવતા કહ્યું છે કે, કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ મંદિરના ડિમોલિશનની કામગીરીને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. માત્ર ત્રણ દિવસની નોટિસ આપીને બીજના દિવસે રામાપીરનુ મંદિર દૂર કરતાં ભક્તોમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે. સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા મંદિર માટે વેકલ્પિક જમીન આપવી જોઈએ અને જો આગામી સમયમાં મંદિર માટે જમીન ફાળવવામાં નહીં આવે તો આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્ર આંદોલન કરશે.
આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.