અમદાવાદ(Ahmedabad): છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના(Corona) મહામારી હોવાને કારણે ભગવાન જગન્નાથ (Lord Jagannath)ની યાત્રા નીકળી શકી ન હતી. ત્યારે હવે બે વર્ષ બાદ આજે ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. મળતી માહિતી અનુસાર, સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Chief Minister Bhupendra Patel) ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.
સરસપુર ખાતે રથયાત્રાને લઈને માહોલ જામ્યો:
આ ઉપરાંત ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ રથયાત્રાને લઈને જબરદસ્ત માહોલ જામ્યો છે. ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ અન્ય ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. રસ્તાઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે, તેમજ રસ્તાઓ પણ બંધ કરવામાં આવી રહ્યા છે. પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. રથયાત્રાના રૂટ પર લોકોની ભીડ ઊમટી છે. ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ભક્તો રથયાત્રાનો આનંદ લઈ રહ્યાં છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે આદિવાસી નૃત્ય અને ઢોલ-નગારા સાથે ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો…#RathaYatra2022 #RathaYatra pic.twitter.com/0ukfwyDsBl
— Gujarat Information (@InfoGujarat) July 1, 2022
ભગવાન જગન્નાથ સહિત બહેન સુભદ્રા અને બળભદ્રજીના આંખેથી રેશમી પાટા ઉતારી લેવામાં આવ્યાં હતા અને સાથે જ ભગવાનને પ્રિય ખીચડો અને કોળા-ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર જગન્નાથ મંદિર પહોંચ્યા છે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી અને ધારાસભ્ય જગન્નાથ મંદિર પહોંચ્યા છે અને ભગવાન જગન્નાથ સહિત ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કર્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરે પહોચ્યા ત્યારબાદ વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખોલવામાં આવ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. ત્યારે મંગળા આરતી બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્ર ઝા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાઘડી પહેરાવી હતી. અમિત શાહની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરે પહોંચ્યા છે. જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું છે.
મંગળા આરતી કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રવાના થયા હતા. મંદિર પરિસરમાં ભક્તોએ ગરબા કર્યા હતા. તો મોડી રાતથી ભક્તોમાં નાથની નગરચર્યાને લઈને ઉત્સાહ છે. ગુરૂવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનો સોનાવેશ કરાયો હતો. સવારે મંત્રોચ્ચાર વિધિ સાથે ભગવાનને સોનાના અલંકારો અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ સુરક્ષા માટે વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથની આસપાસ RAFના જવાનો પણ ગોઠવવામાં આવ્યા છે.
રથયાત્રામાં માસ્ક પહેરવા લોકોને અપીલ કરાઈ છે:
ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા હોય છે. ત્યારે AMC આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકો માસ્ક જરૂરથી પહેરે. આ ઉપરાંત મંદિરના ટ્રસ્ટે લોકોને અપીલ કરી હતી કે, જ્યારે પણ લોકો ભગવાનના દર્શન કરવા માટે આવે ત્યારે માસ્ક પહેરે, જેથી કોરોનાના કેસો વધુ વકરે નહીં.
25 હજાર પોલીસકર્મી અને અધિકારી ખડેપગે, અભેદ્ય સુરક્ષા:
તેમજ જગન્નાથની રથયાત્રામાં બંદોબસ્તમાં આ વર્ષે 25,000 જેટલા વિવિધ રેન્કના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે. આ સિવાય બંદોબસ્તમાં તૈનાત જવાનો પૈકી 2500ને બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દર વર્ષથી વિશેષ આકાશી અને જમીની એમ બંને સ્તરે ટેક્નોલોજીના માધ્યમથી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
101 ટ્રક રથયાત્રામાં જોડાશે:
ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજીના રથ સિવાય 101 સુશોભિત ટ્રક જોડાયા છે. આ ટ્રકનું ‘એન્ટિ સેબોટેજ ચેક’ ફરજિયાત હોય છે. આ તપાસમાં ટ્રકમાં કોઈ જીવલેણ હથિયાર કે અન્ય નુકસાનકારક સામગ્રી ન હોવાની ખરાઈ કરવામાં આવે છે. દર 10 ટ્રક પછી એક પોલીસવાન ગોઠવવામાં આવશે તેમજ GPSની મદદથી વાહનોનું લાઈવ ટ્રેકિંગ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન સંદેશા વ્યવહાર સતત ચાલુ રહે તે માટે પણ પુરતું આયોજન કરવામાં આવ્યુ છે. VHF વાયરલેસ વોકીટોકીના કુલ 16 ચેનલ પર સતત સંદેશાવ્યવહાર ચાલુ રહેશે.
સોશિયલ મીડિયા પર પણ રખાશે નજર:
કોઈ ઉપદ્રવી તત્વ સોશિયલ મીડિયા થકી સૌહાર્દનો માહોલ બગાડવાનો પ્રયાસ ન કરે તે માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને વ્હોટ્સએપ સહિતના માધ્યમો પર ચાંપતી નજર રાખવા માટે શહેર પોલીસ સ્થાનિકોની પણ મદદ લેશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં આજે જગતનાથ નગરચર્યાએ નીકળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.