પાગલ પ્રેમી સામે વધુ એક દીકરીએ જિંદગીનો આણ્યો અંત- પાટીદાર પિતાના શબ્દો સાંભળી રડી પડશો…

ગુજરાત(Gujarat): સમાજમાં હવે પાગલ પ્રેમીઓ દ્વારા દીકરીઓને બ્લેકમેઇલિંગ, હેરાન કરવાના કિસ્સાઓમાં સતત વધારો થવા લાગ્યો છે. આપને સૌ જાણીએ છીએ કે, ગયા વર્ષના ફેબ્રુઆરીમાં સુરતના પાસોદરામાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામના યુવાને ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં જ કરપીણ હત્યા કરી નાખી હતી. ત્યારે તાજેતરમાં જ ભાવનગર(Bhavnagar) જિલ્લામાં યુવતીને હેરાન કરવાના એક મહિનામાં બે કિસ્સા સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

મહત્વનું છે કે, ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં બનાવ બન્યો છે. ગયા ડિસેમ્બરમાં મોટાસુરકા ગામે લુખ્ખાં તત્ત્વોના ત્રાસથી કંટાળીને સગીર દીકરી હિમાંશી જસાણીએ ઝેરી દવા પીને પાણીના ટાંકામાં કૂદી ગઈ હતી. આ બનાવના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાટીદાર આગેવાનોએ આ કેસમાં છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ત્રણ યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારે હવે સિંહોરની ઘટનાના એક મહિનામાં ગારિયાધારના ઠસા ગામમાં રવિના નામની 27 વરહની યુવતીએ સચિન વોરા નામના યુવકના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ત્યાર બાદ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ઘરની અગાશીએ ઝેરની બોટલ ઘા કરી જઈ મરી જવા માટે મજબૂર કરવામાં આવી હતી.

પાગલ પ્રેમી સચિન વોરાના ત્રાસથી દીકરી ગુમાવનારા પિતા રામજીભાઈ કાનાણીના શબ્દો રડાવી દેશે:
આ એ પિતાના શબ્દો છે જેણે પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવી છે. દીકરીના પિતા પોતાની અંતર વેદના ઠાલવતા કહે છે કે, સચિન વોરા નામનો યુવક છેલ્લા બે મહિનાથી સતત મારી દીકરી રવિનાને આખી આખી રાત સૂવા દેતો ન હતો, ફોનથી મારી દીકરીને એટલી પરેશાન કરતો અને ગાળો લખી ધમકી દેતો- હું આવો છું અને તેવો છું. હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. દીકરીએ મને મેસેજ બતાવ્યા કે જો આવું આવું લખે છે અને ગાળો લખે છે. આવ નાલાયકોની વાતો કરવામાં પણ આપણે રાજી નથી. મારી દીકરી ક્યારેય આવું પગલું ભરી લેશે એવું તેણે મને લાગવા જ દીધું નહીં. 

દીકરીના પિતા રામજીભાઈ કાનાણી વધુમાં કહે છે કે, સુરતથી આવેલા એના ત્રણ-ચાર કુટુંબીજનો અને છોકરાના પપ્પાને કીધું કે, તમે આવો મારા ઘરે અને તમે જ છોકરીને પૂછી લો. છોકરીએ જવાબ આપતા કહ્યું કે, સચિન ફોનમાં અને મેસજમાં કેમ મને ગાળો દે છે? એટલે હવે મારી કોઈ ઈચ્છા નથી. છોકરાના પપ્પાને કીધું કે, આ બધું બંધ ક્યારે કરવાનું છે? એમની સાથે વર્ષોથી મારે સારા સંબંધો હતા. ગામમાં પોલીસ સ્ટેશને જઈને દીકરીનું નામ ખરાબ થાય નહીં એટલે અત્યાર સુધી પોલીસને અમે જાણ નહોતી કરી. આપણને બધું આવડતું જ હોય છે. આ છોકરો એક લુખ્ખો અને ટપોરી કહેવાય. તે છોકરો ઘરના સભ્યોને બન્નેના ફોટો મોકલતો હતો. છોકરી એમ કહેતી કે, છેલ્લા બે મહિનાથી આખી આખી રાત તે મને સુવા ના દેતો, ફોનથી એટલી પરેશાન કરતો અને ગાળો લખી ધમકી દેતો હું આવો છું અને તેવો છું. હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ.

દીકરીએ ફાંસો ખાય લીધો હોવા અંગે ક્યારે જાણ થઈ એ અંગે રામજીભાઈએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, રવિનામાં ભોળપણ હતું અને તે ઘરનું કામકાજ જ કરતી રહેતી હતી. અમે સવારમાં જાગ્યા ત્યારે ખબર પડી કે રવિનાએ આવું પગલું ભરી લીધું છે. હાલમાં તો પોલીસે સચિનને પકડી લીધો છે અને તે જેલમાં છે. અમે તો દીકરી ગુમાવી દીધી છે, અમારી દીકરી હવે પાછી આવે તેમ તો નથી. અમારી માત્ર ને માત્ર એક જ ઇચ્છા છે કે કોઈપણ સમાજની દીકરી હોય, અમારી રવિના સાથે જેવું થયું એવું કોઈ સાથે હવે થાય નહીં એવી સજા આરોપીને કરવામાં આવે. સરકાર અને ન્યાયતંત્ર અમને ન્યાય આપે. આપણી સાથે જે ઘટના બનવી હતી એ બની ગઈ, આપણું કંઈ ખોવાય ગયું હોય તો પણ આપણને મળી જાય, પણ આ તો ભગવાન પાસે ચાલ્યું ગયું છે.

જ્યારે રવિના કાનાણીના કુટુંબી એવાં મનીષાબેને જણાવતા કહ્યું હતું કે, મહિલા સુરક્ષા જેવું હોય તો કોઈક તો આગળ આવ્યું હોય ને? ભાવનગર જિલ્લામાં આવો બીજો બનાવ સામે આવ્યો છે. છોકરામાં કેટલી હિંમત હશે કે ઘરની અગાશીએ આવીને ઝેરની બોટલ ફેંકી ગયો છે અને એવું પણ બોલ્યો હતો કે ઘરમાં જેને પણ દવા પી લેવી એ પી જાઓ. છેલ્લા બે મહિનાથી યુવક પરેશાન કરતો હતો અને ઘર પાસે આંટાફેરા મારતો હતો. ઘરના કોઈપણ વ્યક્તિને બહાર નીકળવા દેતો નહોતો અને અંતે આપઘાત કરવા મજબૂર કરી દીધી હતી. આટ આટલી હદ સુધી છોકરાઓ પહોંચી જાય છે એટલે તેને તો કડકમાં કડક સજા થવી જ જોઇએ.

તેમજ અન્ય એક કુટુંબી મહિલાએ ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા કહ્યું કે, અમે વીસ વીસ વર્ષની સુધી દીકરીને સાચવી મોટી કરી. અમારી દીકરીને શું 20 વર્ષ પછી આગળ જવાની કોઈ આશા જ નથી? અમારે શું દીકરીને ઘરમાંને ઘરમાં અંદરને અંદર જ રાખવી.

સુસાઇડ નોટ માં લખ્યું ‘મને માફ કરજો પપ્પા…’
સુસાઇડ નોટમાં લખેલું હતું કે, મેં સુસાઇડ મારા પરિવારના લોકોના દબાણથી નથી કરતી. મને સચિન વોરા ખૂબ જ હેરાન કરી રહ્યો છે અને તેથી હું સુસાઇડ કરું છું. સચિન મને મારા પરિવારને બ્લેકમેલ કરી રહ્યો છે. પહેલા અમારી વચ્ચે જે કાંઈ હતું એમાં મેં ના પાડી દીધી હતી. મેં એને કઈ દીધું હતું કે આપડા વચ્ચે હવે બધું પૂરું.

ત્યારે તે મને ફોટાથી બ્લેકમેલ કરતો હતો અને ખુબ જ ગંદા મેસેજ કરતો હતો. મને ધમકીઓ પણ આપતો હતો. મને ખરાબ બોલતો હતો. ત્યાર બાદ સમગ્ર ઘટના વિષે મારા પરિવારને જાણ થઇ અને બે મહિનાથી બધાને તેને સમજાવે છે. સચિનના પરિવારના લોકો પણ માનતા નથી અને મને બ્લેકમેલ કરે છે. સચિન રોજ મને મેસેજ કરીને અમારા બંનેના ફોટાથી બ્લેકમેલ કરે છે.

સચિને અમારા બંનેના ફોટા મારા ભાઈના ફોનમાં પણ મોકલ્યા હતા. મારા આપઘાત પાછળનું કારણ સચિન વોરા છે આ બધું તે જ કરી રહ્યો છે. મારા સુસાઇડ પાછળ મારા પરિવારનો કોઈ પણ હાથકે વાક નથી. સચિને મારી સાથે ખુબજ ખરાબ વર્તન કર્યું હતું અને તેથીજ હું આ પગલું ભરી રહી છું.

એક વાર સચિનના પપ્પા અને કેશુભાઈએ મને પૂછ્યું હતું કે, ‘તારે સચિન સાથે લગ્ન કરવાની ઈચ્છા છે?’ અને ત્યારે મેં ના કહી દીધી હતી કે ના મારે સચિન સાથે લગ્ન નથી કરવા. ત્યાર બાદ મારા પપ્પાએ ઘણી વાર બધાને સમજાવ્યા પણ કોઈ સમજવા તૈયાર ન હતા.

રવિનાએ વધુમાં લખ્યું કે, સચિના પેન ડ્રાઈવ, લેપટોપ અને ફોનમાં મારા વિડીયો અને ફોટા છે. તે મને આ વિડીયો અને ફોટા બધાને મોકલીને બ્લેકમેલ કરે છે. મારા વિડીયો અને ફોટા બીજા શેમાં છે એ મને નથી ખબર પણ આ બધું મારા માર્યા પછી મિટાવી દેજો એટલે મારા લીધે મારા પરિવારના લોકોને વધુ કઈ તકલીફ ન પડે.

પપ્પા મને માફ કરજો સોરી, આ પગલું ભરતા પહેલા મેં તમને પૂછ્યું નથી પણ હવે હું આ બ્લેકમેલથી કોઈને મોઢું નથી બતાવી શકતી. લી રવિના રામજીભાઈ કાનાણી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *