2010માં “શ્રેષ્ઠ ખેડૂત” રહેલા ખેડૂતને 1 કિલો ડુંગળીનો મળી રહ્યો છે માંડ એક રૂપિયો… આવેલું પેમેન્ટ PMને દાન આપી દીધું

Published on: 4:46 am, Tue, 4 December 18

દેશભરમાં આજે કિસાનોની હાલત કફોડી બની ચુકી છે. માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્રમાં પણ ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. ડુંગળીના ભાવ પ્રતિ કિલો માત્ર એક રૂપિયા જેટલો મેળવનારા મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદકો પોતાની કમાણી વિરોધ નોંધાવવા વડાપ્રધાનને જ મોકલાવી દીધી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર નાસિકના નિફાડ તાલુકાના રહેવાસી સંજય સાઠે એવા કેટલાક પ્રગતિશીલ ખેડૂતોમાંનો એક હતો જેને કેન્દ્રીય કૃષિપ્રધાને અમેરિકાના એ વખતના પ્રમુખ બરાક ઓબામા સાથે ૨૦૧૦માં તેમની ભારત મુલાકાત વખતે વાતચીત માટે પસંદ કરાયો હતો.

ડુંગળી ઉત્પાદક સંજય સાઠે ના જણાવ્યા મુજબ આ મોસમમાં તેણે ૭૫૦ કિલો કાંદાનું ઉત્પાદન કર્યું પરંતુ નિફાડની જથ્થાબંધ બજારમાં ગયા સપ્તાહે તેના કિલોદીઠ માત્ર રૃ.એકનો ભાવ અપાયો હતો. છેવટે રૃ.૧.૪૦ પ્રતિ કિલોનો સોદો નક્કી કરતાં ૭૫૦ કિલો માટે રૃ.૧,૦૬૪ મળ્યા હતા.

સાઠે એ લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, ખેડૂતની ચાર મહિનાની મહેનતનું આવું વળતર જોઈને દુખ થયું છે. આથી વડાપ્રધાનના ડિઝાસ્ટર રિલીફ ફન્ડમાં પોતે આ રકમ જમા કરાવી દીધી છે. મની ઓર્ડરથી આ રકમ મોકલવા વધારાના રૃ.૫૪ પણ ચૂકવવા પડયાનું સાઠેએ જણાવ્યું હતું.

સંજય વધુમાં જણાવે છે કે, હું કોઈ રાજકીય પક્ષનો પ્રતિનિધિ નથી, પરંતુ ખેડૂતોની સમસ્યા પ્રત્યે સરકારની ઉદાસિનતાથી હું વ્યથિત છું. એમ સાઠેએ જણાવ્યું હતું. નાસિક જિલ્લો ભારતના કાંદા ઉત્પાદનમાં ૫૦ ટકા યોગદાન આપે છે.