AAPના મોટા નેતા અને સાંસદ સંજય સિંહની ધરપકડ, દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી

Sanjay Singh Arrest: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની દિલ્હી દારૂ નીતિ કેસમાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમના ઘરે સર્ચ ઓપરેશન બાદ ધરપકડ(Sanjay Singh Arrest) કરવામાં આવી હતી. આ કાર્યવાહી પહેલા EDએ સંજય સિંહની તેમના ઘરે 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. આ પહેલા આ જ કેસમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના નજીકના કેટલાક અન્ય લોકોના ઘરની સર્ચ કરવામાં આવી હતી.

સંજય સિંહ EDના રડાર પર 
EDએ આજે ​​સવારે 7 વાગ્યે સંજય સિંહના દિલ્હીના ઘરે દરોડા પાડ્યા હતા. એજન્સી દ્વારા અહીંથી અનેક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે સંજય સિંહનું નામ એક્સાઈઝ પોલિસી કેસની ચાર્જશીટમાં પણ છે અને આ કેસમાં AAPના અન્ય એક મોટા નેતા મનીષ સિસોદિયા ફેબ્રુઆરી 2023થી જેલમાં છે.

આરોપી દિનેશ અરોરાનો ખુલાસો
આ કેસના આરોપી દિનેશ અરોરાએ મોટા ખુલાસા કર્યા છે. આ કેસમાં સંજય સિંહની ભૂમિકા વિશે વાત કરીએ તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ વર્ષે જાન્યુઆરીમાં તેની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ ઉમેર્યું હતું. આ અંગે આમ આદમી પાર્ટીએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે સંજય સિંહે દાવો કર્યો હતો કે EDએ ભૂલથી તેમનું નામ ઉમેર્યું હતું. જેના જવાબમાં EDએ કહ્યું કે, તેમની ચાર્જશીટમાં ચાર જગ્યાએ સંજય સિંહનું નામ લખવામાં આવ્યું છે. આ ત્રણ જગ્યાએ નામની જોડણી સાચી છે. માત્ર એક જ જગ્યાએ ટાઈપ કરવામાં ભૂલ થઈ હતી. જે બાદ EDએ સંજય સિંહને મીડિયામાં નિવેદન ન આપવાની સલાહ આપી હતી, કારણ કે મામલો કોર્ટમાં પેન્ડિંગ છે.

સંજય સિંહ પર લાખો રૂપિયાનું ડોનેશન લેવાનો આરોપ
EDની ચાર્જશીટમાં સંજય સિંહ પર લાખો રૂપિયાનું ડોનેશન લેવાનો આરોપ છે. મનીષ સિસોદિયા બાદ આ કેસમાં આમ આદમી પાર્ટીના વધુ એક મોટા નેતાની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે બુધવારે ઇડી તેના ઘરે પહોંચી હતી અને તેની પૂછપરછ કરી રહી હતી. આ ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ સંજય સિંહના ઘરની બહાર પ્રદર્શન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *