ભાવનગર(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા વચ્ચે ભાવનગરના ગારીયાધાર તાલુકાના પાંચટોબરામાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના સોનગીર ગામના યુવાને અંતિમ વીડિયો ઉતાર્યાં બાદ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. વિષ્ણુ તડવીએ તેના અંતિમ વીડિયોમાં જણાવ્યું હતું કે, મારી પત્નીના રમેશભાઇ સાથે સંબંધ છે. આવો પ્રોબ્લમ થયો એટલે હું આત્મહત્યા કરૂ છું.
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના સોનગીર ગામનો યુવાન વિષ્ણુ મહેશ તડવી તેની પત્ની સાથે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પાંચટોબરામાં રમેશભાઇ વાઘેલાની વાડીમાં ખેતમજૂરી કરતો હતો. આ દરમિયાન વાડી માલિક રમેશભાઇ સાથે તેની પત્નીના સંબંધો હોવાની જાણ થતાં વિષ્ણુ ભાંગી પડ્યો હતો અને પોતાની પત્ની તેમજ વાડી માલિકના આડા સંબંધોના પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન, તેણે પોતાના મોબાઇલના કોલ રેકોર્ડ પર મૂકી દીધા હતા. બન્યું એવું કે, પત્ની અને રમેશભાઇ વચ્ચેની વાતચીત રેકોર્ડ થઇ ગઇ હતી. આ વાતચીત સાંભળ્યા બાદ વિષ્ણુએ આત્મહત્યા કરવાનું નક્કી કરી દીધુ હતું.
આત્મહત્યા કરતા પહેલા વિષ્ણુએ અંતિમ વીડિયો શૂટ કર્યો હતો અને આ વીડિયોને શેર કરવાની લોકોને અપીલ પણ કરી હતી. આ વીડિયોમાં વિષ્ણુએ નાના બાળકોને બહેનોને સંભાળવા વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ યુવાનનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. જેથી મૃતદેહ વતન સોનગીર ગામમાં લાવવામાં આવ્યો હતો. પરિવારજનોએ અહી તેની અંતિમ વિધિ કરી હતી. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંતિમ વીડિયોમાં વિષ્ણુ તડવીએ જણાવ્યું હતું કે, હું વિષ્ણુ બોલુ છું, રમેશભાઇના ત્યાં ભાગીયા તરીકે કામ કરુ છું. મારી પત્ની અને રમેશભાઇના ગેરસંબંધ હોવાની ખબર પડી હતી. જેથી મારા મોબાઇલમાં વાતચીત રેકોર્ડ કરી હતી. આ દરમિયાન, તેઓ બંને વાતચીત કરતા તે મે સાંભળી હતી. એકવાર તેમને હું સાથે જોઇ પણ ગયો હતો. આવો પ્રોબ્લમ થયો એટલે હું આત્મહત્યા કરૂ છું. મારા નાના-નાના છોકરા છે, મારી બહેનો થોડા દિવસ તેમને સાચવજો. મમ્મી-પપ્પનાને પણ સાચવજો. હું તેમનો એકનો એક છોકરો હતો અને હું જઉ છું. ધન્યવાદ, આ વીડિયો જરૂરથી શેર કરજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.