SDB માં પ્રથમ સપ્તાહમાં કેવો રહ્યો બીઝનેસ? ઉદ્ઘાટન માટે કોને અપાયું આમંત્રણ? જાણો તમામ વિગતો

SDB News: સુરત ડાયમંડ બુર્સમાં ગઇ તા . 21મી નવેમ્બરે કિરણ જેમ્સ સહિત અનેક કંપનીઓએ શરૂ કરેલા કામકાજના પ્રથમ સપ્તાહમાં ધાર્યા કરતા પણ જોરદાર પ્રતિસાદ મળ્યો છે. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ પટેલની કંપની કિરણ જેમ્સ દ્વારા સુરત ડાયમંડ બુર્સમાં હીરાની લે વેચ માટે જનારા બ્રોકરો તેમજ ટ્રેડરો માટે 2 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઓફર દિવાળી પહેલાથી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ બુર્સમાં સૌથી મોટી ઓફીસ પણ કિરણ જેમ્સની જ છે. એવી જ રીતે ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરનારી અન્ય ડાયમંડ કંપનીઓએ પણ હીરાની લેવેચમાં આકર્ષક ઓફરો આપી હતી. જેના પ્રતિસાદમાં મુંબઇ તેમજ ગુજરાતના અમદાવાદ, રાજકોટ વગેરે વિસ્તારના બ્રોકરો અને ટ્રેડરો શરૂ થયાના પહેલા જ સપ્તાહમાં ડાયમંડ બુર્સમાં પહોંચ્યા હતા અને હીરાની લેવેચની પ્રક્રિયા હાથ ધરી હતી. ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરનારી કંપનીઓને આ પ્રકારનો પ્રતિસાદ મળતા રોજેરોજ નવા ઓફિસ ધારકો ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસ શરૂ કરવાની તજવીજ હાથ ધરી દીધી છે.

નાણામંત્રી, ઉડ્ડયન મંત્રીને SDB ના ઉદઘાટનનું આમંત્રણ અપાયું

સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ નાગજીભાઇ સાકરીયા, લાલજીભાઇ ઉગામેડી, મથુરભાઇ સવાણી, અશેષભાઇ દોશી સહિતના આગેવાનોના એક પ્રતિનિધિ મંડળ આગામી તા.17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ડાયમંડ બુર્સના થનારા ઉદઘાટનની (SDB Opening date 17 Decebmber 2023) આમંત્રણ પત્રિકાઓ આપવા માટે નવી દિલ્હી પહોંચ્યું હતું.

જ્યાં બુર્સના ડેલિગેશને સુરતના સાંસદ અને મંત્રી દર્શના જરદોષને સાથે રાખીને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને આમંત્રણ પાઠવ્યા હતા. નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરતને બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવાની અગાઉ આપેલી ખાતરીને દોહરાવી હતી.

મળતી જાણકારી અનુસાર SDB ના ડીરેક્ટરોએ જ્યોતિરાદિત્ય સિંધિયાને રોજની એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ દુબઇ, હોંગકોંગ માટે તેમજ સપ્તાહમાં એકવાર લંડન, અમેરિકા, સિંગાપોર બેંગકોક સહિતના દેશોની આપવામાં આવે તેવી માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *