સાબરકાંઠામાં સરકારી શાળાઓમાં 856 ક્લાસરૂમ માટે શિક્ષણમંત્રીએ 137 કરોડની માતબર રકમની કરી ફાળવણી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ખાતે આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે અમીનપુર પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરી લોકાર્પણ કર્યું હતું. તેમજ પ્રાથમિક માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી.જેમાં ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

856 નવીન શાળાના ઓરડાઓ માટે 136.96 કરોડ ફાળવવાની વાત કરી
મંત્રી કુબેરભાઈ ડીંડોરે વિકસિત યાત્રામાં સાબરકાંઠા જિલ્લામાં 856 નવીન શાળાના ઓરડાઓ માટે 136.96 કરોડ ફાળવવાની વાત કરી હતી તેમજ તેમના હસ્તે ૧૫ કમ્પ્યુટર સહિત લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.તેમજ અમીનપુર વિકસિતયાત્રામાં સંબોધન કરતા મંત્રીએ કહ્યું હતું કે, પ્રાંતિજ તલોદનો વિસ્તાર તેમની કર્મભૂમિ છે. જ્યાં તેમણે 29 વર્ષ સુધી સેવાઓ આપી છે. આ ગામમાં એકવાર NSS કેમ્પમાં પણ આવી ચૂક્યા છે. આ ગામમાં તેમના ઘણા વિદ્યાર્થીઓ છે. સાથે તલોદ એક એવો વિસ્તાર છે, જ્યાંથી હાલમાં ત્રણ ત્રણ ધારાસભ્યો છે. જેમાં તેઓ પોતે, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર જે મંત્રીના પૂર્વ વિદ્યાર્થી રહી ચુક્યાં છે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી ઝાલા પણ તલોદના છે.વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન થકી આજે આરોગ્ય, શિક્ષણ, આવાસ, પાણી તમામ પ્રાથમિક સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે. જે કોઈ લાભાર્થીઓ બાકી રહી ગયા છે તેમને તેમના ઘરે પહોંચીને આ લાભ આપવા આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી છે. ગામની શાળાનું શિક્ષણ અને બાળકોની સિદ્ધિઓ જોતા તેમને જણાવ્યું કે, શિક્ષણ એ જીવનની પારાશીશી છે.

શિક્ષકોને CPRની તાલીમ આપવામાં આવી
શિક્ષકોને CPRની તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે. જેથી ઇમર્જન્સીના સમયમાં કોઈ પણ નાગરિકનું જીવન બચાવવામાં ઉપયોગી બની શકે. પ્રાકૃતિક ખેતી તરફ વળવું અત્યંત જરૂરી છે. રાસાયણિક ખેતી થકી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ ફેલાઈ રહી છે અને અનાજમાં પોષક તત્વોની કમીના કારણે અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે. જેનો એકમાત્ર ઈલાજ પ્રાકૃતિક ખેતીમાં છે. સાથે મિલિટ્સ શ્રી અન્નને પણ ખોરાકમાં સામેલ કરવા જણાવ્યું હતું.આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડ અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.

યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા
અમીનપુર ગ્રામ પંચાયતને 100 % ડિઝિટલાઇએશન, 100 % નલ સે જલ તેમજ ODF પ્લસનું સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર નૈમેષ દવે, પ્રાંતિજ અને તલોદ તાલુકા પંચાયત પ્રમુખ, ગામના સરપંચ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *