છત્તીસગઢમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: બીજાપુર એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓ ઠાર, બે જવાન શહીદ

Chhattisgarh Encounter News: નક્સલવાદની સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષા દળોને ફરી એકવાર એક મોટી સફળતા મળી છે. છત્તીસગઢના (Chhattisgarh Encounter News) બીઝાપુરમાં રવિવારે (9 ફેબ્રુઆરી) વહેલી સવારે અથડામણ દરમિયાન 12 નક્સલીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ઓપરેશન દરમિયાન 2 જવાન શહીદ થયા અને અન્ય 2 ઘાયલ છે.

વહેલી સવારે થઈ અથડામણ
મળતી માહિતી મુજબ, વીઝાપુર-નારાયણપુર સીમા પાસે રવિવારે (9 ફેબ્રુઆરી) આ અથડામણ થઈ હતી. બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે અને હજુ આ સંખ્યામાં વધારો થાય તેવી સંભાવના છે. અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ગોળીબારમાં ઘાયલ થયાં છે. આ સિવાય ઘટનાસ્થળેથી ઑટોમેટિક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

બસ્તર પોલીસે આપી જાણકારી
બસ્તર પોલીસના જણાવ્યા અનુસાર, નક્સલીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ વીઝાપુરના રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રના જંગલમાં થઈ હતી. રવિવારે સવારે આ અથડામણમાં મોટી સંખ્યામાં નક્સલીઓની મોતની ખબર સામે આવી હતી.

થોડા દિવસો પહેલાં પણ છત્તીસગઢ, ઓડીશા સીમામાં થેયલાં અન્ય એક એનકાઉન્ટરમાં 16 નક્સલીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતાં, જેમાં 90 લાખ રૂપિયાના ઈનામી ચલપતિ પણ સામેલ હતો. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2026 સુધી દેશના નક્સલવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવાની જાહેરાત કરી છે.

હથિયારો જપ્ત
તમને જણાવી દઈએ કે આ એન્કાઉન્ટર બીજાપુર-નારાયણપુર બોર્ડર પર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 12 નક્સલીઓને ઠાર માર્યા હતા. જ્યારે બે સૈનિકો શહીદ થયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એન્કાઉન્ટરમાં DRG, STF અને મહારાષ્ટ્રના C-60 સૈનિકોએ ભાગ લીધો હતો. માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહો પાસેથી ઘણા ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે. આ એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા બંને સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા રાયપુર મોકલવામાં આવ્યા છે.