Sikkim Earthquake: તુર્કી અને સીરીયામાં તો ભૂકંપે(Turkey-Syria earthquake) મોતનું તાંડવ મચાવ્યું છે. સેંકડો લોકોના મોત થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. ત્યારે હવે તુર્કી અને સીરીયા બાદ ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. જો વાત કરવામાં આવે તો આજે સવારે સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અચાનક આવેલા ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. નેશનલ ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર સવારે 4.15 કલાકે આંચકા અનુભવાયા હતા. ભૂકંપ સિક્કિમના યુક્સોમથી 70 કિમી ઉત્તર-પૂર્વમાં આવ્યો હતો. આ દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે.
જણાવી દઈએ કે ગત રવિવારે આસામના કેટલાક ભાગોમાં પણ ચારની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. એક સત્તાવાર બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. બુલેટિન અનુસાર, અચાનક આવેલા ભૂકંપથી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના અહેવાલ મુજબ, આંચકો સાંજે 4.18 કલાકે અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર નગાંવ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીના દક્ષિણ કાંઠે હતું. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.
એક રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ગુવાહાટીથી 160 કિમી દૂર મધ્ય આસામના હોજાઈ નજીક જોવા મળ્યું હતું. પશ્ચિમ કાર્બી આંગલોંગ, કાર્બી આંગલોંગ, ગોલાઘાટ અને મોરી ગામ જિલ્લાના લોકોએ પણ આંચકા અનુભવ્યા હતા. આ ઉપરાંત બ્રહ્મપુત્રા નદીના ઉત્તર કિનારે આવેલા સોનિતપુરમાં રહેતા લોકોએ પણ આંચકો અનુભવ્યો હતો. પૂર્વોત્તરના તમામ રાજ્યો ઉચ્ચ ધરતીકંપની સંભાવનાવાળા વિસ્તારોમાં આવે છે અને આ વિસ્તારમાં ભૂકંપના આંચકા નિયમિતપણે અનુભવાય છે.
જણાવી દઈએ કે, ભારતની લગભગ 59 % જમીન વિવિધ તીવ્રતાના ભૂકંપ માટે સંવેદનશીલ છે. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શહેરો અને નગરો ઝોન-5માં છે અને સૌથી વધુ તીવ્રતાના ધરતીકંપનું જોખમ છે. ઝોન-5માં 9ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. ઝોન-5માં ગુજરાત, હિમાચલ પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર અને સમગ્ર ઉત્તર પૂર્વનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.