43.5 કરોડમાં વેચાયેલ આ 7 ગુજરાતી ક્રિક્રેટરોનો IPLમાં રહેલો છે દબદબો…

આજે ક્રિકેટનો સૌથી મોટો ફેસ્ટિવલ એટલે કે ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ’ની શરૂઆત થઇ જશે. IPLમાં ગુજરાતની ટીમ તો નથી રમી રહી પણ આ 7 ગુજરાતી ખેલાડીઓ…

આજે ક્રિકેટનો સૌથી મોટો ફેસ્ટિવલ એટલે કે ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ’ની શરૂઆત થઇ જશે. IPLમાં ગુજરાતની ટીમ તો નથી રમી રહી પણ આ 7 ગુજરાતી ખેલાડીઓ રમી રહ્યા છે. જેમના પર તમામ ગુજરાતીની ચોક્કસ નજર રહેશે તેમજ એમના પ્રદર્શનની પણ નોંધ લેવામાં આવશે.

આ એ જ ગુજરાતીઓ છે જેઓ ઇન્ડિયન ટીમની માટે રમી રહ્યાં છે અને 7 માંથી કુલ 3 એટલે કે જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા તથા હાર્દિક પંડ્યા તો સીનિયર ટીમની લાઈફલાઈન છે. બીજા 4 ખેલાડીઓ કૃણાલ પંડ્યા, જયદેવ ઉનડકટ, અક્ષર પટેલ તથા પાર્થિવ પટેલ છે.

જયદેવ ઉનડકટ:
વર્ષ 2017ની IPL જયદેવ ઉનડકટને માટે સર્વશ્રેષ્ઠ રહી હતી. એણે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સની માટે રમતા માત્ર 12 મેચમાં કુલ 24 વિકેટ લઈ લીધી હતી. એ સીઝન બાદ રાજસ્થાન રોયલ્સે એને વર્ષ 2018માં કુલ 11.5 કરોડમાં ખરીદ્યો હતો. જો કે, ત્યારપછીની બંને સીઝનમાં એનો દેખાવ પ્રભાવશાળી રહ્યો ન હતો.

એણે વર્ષ 2018માં માત્ર 15 મેચમાં કુલ 10 તેમજ વર્ષ 2019માં 11 મેચમાં ફક્ત 10 વિકેટ લીધી હતી. જેને કારણે ડિસેમ્બર વર્ષ 2019માં રાજસ્થાને એને રિટેન ન કરતાં ઓક્શન માટે રિલીઝ કર્યો હતો. ત્યારપચી ફરી એને કુલ 3 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

ઉનડકટ હાલમાં કરિયરના પર્પલ પેચમાં છે. કોરોનાને લીધે ક્રિકેટ અટકે તેની પહેલા એનો રણજી વર્ષ 2019-’20ની સીઝનમાં રેકોર્ડ બ્રેકીંગ કુલ 65 વિકેટ લઈને સૌરાષ્ટ્રને એકલા હાથે રણજી ટ્રોફી જીતાડી હતી. UAEની ધીમી વિકેટ પર ઉનડકટ ફાવી જશે એવું માનવામાં આવી રહ્યું છે.

હાર્દિક પંડ્યા:
હાર્દિકને અન્ય યુવા ક્રિકેટર્સથી અલગ કરતી કોઈ વાત હોય તો તે એનું સેલ્ફ બિલીફ છે. પંડ્યા ક્યારેય પણ પ્રેશરને પોતાના પર હાવી થવા દેતો નથી. પોતાની ડેબ્યુ IPL મેચમાં બીજા જ બોલે છગ્ગો ફટકારીને હાર્દિકે એ સાબિત કરી બતાવ્યું હતું. ભારતીય ટીમનાં આધારસ્તંભ ઓલરાઉન્ડર હાર્દિકને ઘણીવાર પીઠની ઇજા હેરાન કરતી આવી છે. જો કે, આ લાંબા બ્રેક બાદ હાર્દિક એકદમ ફિટ છે તેમજ આ સીઝનમાં હિટ થવા માટે ઉત્સુક રહેલો છે.

આ વખતે હાર્દિક મુંબઈની માટે મોટી ભૂમિકા ભજવે એવી શક્યતા રહેલી છે. IPLમાં એના ફોર્મની સાથે તેની ફિટનેસ પર પણ ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે. એણે માર્ચ માસમાં ડી.વાય. પાટીલ T-20 ટૂર્નામેન્ટમાં માત્ર 55 બોલમાં કુલ 158 રન કરીને ફોર્મનો પરચો આપી દીધો હતો. જો કે, કોરોનાને લીધે એને ક્રિકેટ ગ્રાઉન્ડ પર પરત ફરવા વધારે રાહ જોવી પડી હતી.

રવિન્દ્ર જાડેજા:
જાડેજાએ IPLમાં પોતાના પ્રદર્શનથી ભારતીય ટીમમાં જગ્યા બનાવવાથી લઈને વિશ્વનો નંબર-1 બોલર બનવા સુધીનો માર્ગ કાપ્યો છે. જો કે, ગઈ સીઝનમાં જાડેજાનું પ્રદર્શન માભા પ્રમાણે રહ્યું ન હતું. એણે કુલ 16 મેચમાં ફક્ત 106 રન કર્યા હતા તથા કુલ 15 વિકેટ લીધી હતી. જયારે વર્ષ 2018માં પણ એણે ફક્ત 89 રન કર્યા હતા તથા કુલ 11 વિકેટ લીધી હતી.

આમ, બાપુએ બેક-ટૂ-બેક કુલ 2 સીઝનમાં ફેન્સને નિરાશ કર્યા છે. સુરેશ રૈના તથા હરભજન સિંહની ગેરહાજરીમાં જાડેજાની પાસેથી ટીમને બેટ તેમજ બોલ બંને દ્વારા નોંધપાત્ર દેખાવની અપેક્ષા રહેલી છે. આ વખતે ધોની ચોથા ક્રમે વધુ બેટિંગ કરવાનો હોવાને કારણે જડ્ડુ ટીમને ફિનિશિંગ ટચ પણ આપશે. UAEની ધીમી પીચ પર એના લેફ્ટ આર્મ સ્પિનર ઘાતક સાબિત થાય એની શક્યતા વધારે રહેલી છે.

કૃણાલ પંડ્યા:
કૃણાલ ટીમ ઇન્ડિયાનો કાયમી સભ્ય બનવાથી હવે લાઈમલાઈટથી થોડો દૂર થવાની લાઈનમાં રહેલો છે. એ લોકડાઉન પહેલા જયારે ક્રિકેટ એક્ટિવ હતું ત્યારે સતત ઇન્ડિયા-Aનો ભાગ રહ્યો હતો. ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપમાં એની કોઈ દાવેદારી રહી ન હતી તથા IPLમાં સાધારણ દેખાવે એનો કેસ આગળ વધવા દીધો ન હતો. એણે ગયા વર્ષે મુંબઈની માટે માત્ર 16 મેચમાં કુલ 183 રન કર્યા હતા તેમજ કુલ 12 વિકેટ લઈ લીધી હતી.

એની બેટિંગ એવરેજ ફક્ત 16.63ની હતી જયારે બોલ વડે કુલ 7.28ની ઈકોનોમીથી રન આપ્યા હતાં. આમ, કુલ 8.8 કરોડમાં વેચાયેલ કૃણાલ પંડ્યાની માટે સ્પિનને ફેવર કરતી સ્થિતિમાં પરફોર્મ કરવું ખુબ જ જરૂરી છે. છેવટે જસપ્રીત બુમરાહ કરતા વધારે રૂપિયા મળતા હોય તો પ્રદર્શન પણ એવું હોવું જ જોઈએ કે નહી?

અક્ષર પટેલ:
અક્ષરે વર્ષ 2013માં મુંબઈ ઇન્ડિયન્સને માટે ડેબ્યુ કર્યું હતું. ત્યારપછી વર્ષ 2014માં કિંગ્સ ઇલેવન પંજાબે એને ખરીદ્યો હતો. એ સીઝનમાં સારા દેખાવને કારણે જૂન વર્ષ 2014માં જ એણે ભારતની માટે વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારપછી ઇજાને લીધે ટીમની અંદર-બહાર થતો રહ્યો છે. વર્ષ 2018માં એનો દેખાવ સાધારણ રહ્યો હતો. એણે કુલ 9 મેચમાં 13.33ની એવરેજથી કુલ 80 રન કર્યા હતા.

બોલની સાથે પણ એ કુલ 3 વિકેટ લઈ લીધી હતી. જયારે વર્ષ 2019માં એણે કુલ 110 રન કર્યા હતા તેમજ કુલ 10 વિકેટ લીધી હતી. એનો પ્લસ પોઇન્ટ એની કંજૂસ બોલિંગ રહેલી છે. એણે ગયા વર્ષે ફક્ત 7.13ની ઈકોનોમીથી રન આપ્યા હતા. આ સીઝનમાં UAEની ધીમી વિકેટ પર આ આંકડા વધારે મજબૂત થઇ શકે છે. પટેલ, આર. અશ્વિન તેમજ અમિત મિશ્રાની કંપનીમાં ધમાલ મચાવી શકે છે તેમજ દિલ્હીની માટે ડાર્ક હોર્સ સાબિત થઇ શકે છે.

પાર્થિવ પટેલ:
પટેલ માત્ર 17 વર્ષની વયે ઇંગ્લેન્ડની વિરુદ્ધ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં પટેલને ભારતીય ટીમમાં કેટલીકવાર તક મળી ચૂકી છે. પાર્થિવ IPLમાં પ્રથમ 3 સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સની માટે રમ્યો હતો. ત્યાર બાદ તે કોચી ટસ્કર્સ, ડેકેન ચાર્જર્સ, મુંબઈ ઇન્ડિયન્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગલોરને માટે રમી ચૂક્યો છે. વર્ષ 2015માં મુંબઈ ઇન્ડિયન્સને ટ્રેડ કર્યા બાદ બેંગ્લોરે પાર્થિવને ફરી એક વખત વર્ષ 2018ના ઓક્શનમાં ખરીદ્યો હતો.

માત્ર 35 વર્ષીય પાર્થિવ આગળ હજુ 2-3 વર્ષનું ક્રિકેટ પડ્યું છે. આ વખતે બેંગ્લોરની ટીમમાં પાર્થિવની ઉપરાંત ઓસ્ટ્રેલિયાનો જોશ ફિલિપ છે, જે વિકેટકીપિંગ કરે છે તથા દક્ષિણ આફ્રિકાનાં લીજેન્ડ એબી ડિવિલિયર્સે આ વખતે વિકેટ કીપિંગ કરવાની હા પાડી છે. એવામાં જો પટેલ શરૂઆતની 3-4 મેચમાં સારું પ્રદર્શન ન કરે તો ટીમ એને બહાર બેસાડી શકે છે.

અમુક પંડિતોનું તો જણાવવું છે કે, એને સ્ટાર્ટિંગ પ્લેઈંગ -1માં પણ જગ્યા નહીં મળે પરંતુ પટેલના કરિયરની ખાસ વાત તો એ રહી છે કે, એને મેદાનની અંદર મેદાન બહાર કરતા વધારે માન મળ્યું છે. વર્ષ 2017માં મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું હતું ત્યારે પાર્થિવ કુલ 395 રનની સાથે ટીમનો ટોપ સ્કોરર બન્યો હતો પરંતુ એ વાત કેટલા લોકોને યાદ છે?

જસપ્રીત બુમરાહ:
IPLમાં બીજી ટીમોનું એનાલિસિસ કરવામાં આવે તો પ્રથમ પ્રશ્ન એ જ કરવામાં આવતો હોય છે? શું એમની પાસે ડેથ ઓવર્સ માટે જસપ્રીત બુમરાહ જેવો બોલર છે? નથી? કેવી રીતે હોઈ શકે? બુમરાહ એક જ તો છે! બુમરાહની પાસેથી મુંબઈનાં કેપ્ટન રોહિત શર્માને અપેક્ષા નહીં હોય, રોહિતને ખાતરી હશે કે, બુમરાહ છે. બધું બરાબર થઇ જશે.

એણે ગઈ સીઝનની માત્ર 16 મેચમાં કુલ 19 વિકેટ લીધી હતી તથા ઇનિંગ્સની છેલ્લી ઓવર્સ નાખતો હોવા છતાં ફક્ત 6.63ની ઈકોનોમીથી રન આપ્યા હતા. દર 19 બોલે વિકેટ લઈ લીધી હતી. લસિથ મલિંગાની ગેરહાજરીમાં બુમરાહ ટ્રેન્ટ બોલ્ટ તથા નેથન કુલ્ટર નેઇલની સાથે ગ્રુપમાં એટેક કરશે તેમજ બોલિંગ યુનિટનો લીડર રહેશે. એનું પ્રદર્શન શ્રેષ્ઠની નવી પરિભાષા ન આપે તો જ નવાઈ, બાકી તો બુમરાહ- નામ હી કાફી હૈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *