પાકિસ્તાન પર ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક: બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન પર મિસાઈલ-ડ્રોન હુમલો, ઘરમાં ઘૂસીને માર્યા

Iran Strike Pakistan: ઈરાને પાકિસ્તાનમાં આતંકી સંગઠનોના અડ્ડા પર હુમલો કરવાનો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ એક હવાઈ હુમલો હતો અને તેને બલુચિસ્તાનના પંજગુરમાં કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઈરાને (Iran Strike Pakistan) કહ્યું કે તેણે આતંકી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડા પર હુમલો કર્યો છે. શરૂઆતમાં પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી પરંતુ બાદમાં પાકિસ્તાને ઈરાનને ચેતવણી આપી હતી કે તેના પરિણામો સારા નહીં આવે. પાકિસ્તાને કહ્યું છે કે આ ઘટનામાં તેના બે બાળકોના પણ જીવ ગયા છે.

મંગળવારે પાકિસ્તાનમાં બલોચી આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે ઠેકાણાઓને મિસાઈલ વડે નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાનના સરકારી મીડિયાએ આ જાણકારી આપી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા ઈરાક અને સીરિયામાં મિસાઈલ હુમલાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આતંકવાદી જૂથ અગાઉ પણ પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં ઈરાની સુરક્ષા દળો પર હુમલો કરી ચૂક્યું છે. સંક્ષિપ્ત માહિતી આપતા ઈરાની મીડિયાએ કહ્યું કે, “આ લક્ષ્યો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો હતો.”

ઈરાનનો દાવો છે કે તેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એ પાકિસ્તાનમાં સુન્ની બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ પર મિસાઈલ અને ડ્રોન વડે આ હુમલો કર્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે ઈરાને પાકિસ્તાનમાં જૈશ અલ-અદલના બે અડ્ડાઓ પર હુમલો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદી જૂથે પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં ઈરાની સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો.

ઈરાનના ગૃહમંત્રીએ એક મહિના પહેલા ચેતવણી આપી હતી
ગયા મહિને જ પાકિસ્તાનના આતંકવાદી જૂથોએ ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 12 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. આ પછી ઈરાને પાકિસ્તાનને ધમકી આપી હતી કે તે તેની સરહદમાં હાજર આતંકવાદીઓને કાબૂમાં રાખે. ઈરાનના ગૃહપ્રધાન અહેમદ વાહિદીએ કહ્યું હતું કે પાકિસ્તાને સામાન્ય સરહદની રક્ષા કરવી જોઈએ અને આતંકવાદી જૂથોને તેના વિસ્તારમાં અડ્ડાઓ સ્થાપિત કરતા રોકવા જોઈએ.

તેમણે કહ્યું કે, આ પ્રકારના કિસ્સાઓ સતત જોવા મળ્યા છે જ્યારે અમારી જમીન પર હુમલો કરનારાઓ પાકિસ્તાન થઈને પહોંચ્યા. અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા પડોશીઓ તેમની સરહદો પર નિયંત્રણ રાખે અને સતર્ક રહે. માત્ર સરહદ પર જ નહીં, પાકિસ્તાન સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આતંકવાદી જૂથો ત્યાં સમગ્ર દેશમાં અડ્ડાઓ સ્થાપે નહીં, જેથી ભવિષ્યમાં આવા હુમલાઓ અટકાવી શકાય.