ગુજરાતમાં 61.30 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ- જુઓ ક્યાં પાકનું કેટલું થયું વાવેતર

Sowing of kharif crops in Gujarat: સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થતા રાજ્યમાં ૬૧.૩૦ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે,જે ગતવર્ષની સરખામણીએ ૧૧૦…

Sowing of kharif crops in Gujarat: સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થતા રાજ્યમાં ૬૧.૩૦ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે,જે ગતવર્ષની સરખામણીએ ૧૧૦ ટકા જેટલું વાવેતર થયું છે,તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતું.(Sowing of kharif crops in Gujarat)

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે.

રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ થતા ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૬૧.૨૦ લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ ૫૫.૪૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.

મંત્રીએ ઉમેર્યું હતુ કે, છેલ્લા ૩ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ ૮૫.૯૭ લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૧.૩૧ ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.

પ્રવક્તા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ ૨૫.૩૯ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસનું ૨૩.૧૧ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું.

મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ ૧૯.૧૮ લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૧૭.૮૭ લાખ હેક્ટર હતું.રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. રાજ્યમાં આ વર્ષે મગફળી પાકનું પણ ૧૫.૮૪ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયું છે.

જીલ્લા ખેતીવાડી અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં ૩,૩૧,૯૪૯ હેક્ટરમાં વાવેતર થયું છે.જેમાં સૌથી વધારે વાવેતર કપાસનું ૬૭ હજાર હેકટર, મગફળી ૪૪ હજાર હેકટર, દિવેલા ૪૫ હજાર હેકટર, ગુવાર ૪૨ હજાર હેકટર,ખરીફ બાજરો ૧૫ હજાર હેકટર, મગ ૨૩ હજાર હેકટર, મઠ ૩૪૩૮ હેકટર,અડદ ૫૪૦ હેકટર, તલ ૧૮ હજાર હેકટરનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે સાથે અબોલા જીવો માટે અતિ ઉપયોગી એવો ઘાસચારો પણ ૬૩ હજાર હેક્ટરમાં થયો છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થતાં ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થયો છે અને હજુ પણ પાક વાવેતરના વિસ્તારમાં પણ વધારો આવવાની પૂરતી સંભાવનાઓ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *