ધો. 10માં આ વર્ષે નાપાસ થયેલાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર; આ તારીખ સુધી ભરાશે પૂરક પરીક્ષાના ફોર્મ, જાણો વિગતે

10th Supplementary Examination: ધોરણ.10 અને 12ની માર્ચમાં યોજાયેલી બોર્ડની પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. આમ બોર્ડ દ્વારા દર વર્ષની સરખામણીએ એકથી દોઢ મહિનો વહેલુ પરિણામ જાહેર કરવાની પુરજોશમાં કામગીરી કરાઈ રહી છે. પરિણામ વહેલુ જાહેર કરવાની સાથે સાથે જૂલાઈ માસમાં યોજાતી પૂરક પરીક્ષા પણ જૂનના બીજા સપ્તાહમાં યોજવાનું(10th Supplementary Examination) આયોજન કરાયું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. જૂન માસના પ્રથમ સપ્તાહમાં જ પરીક્ષાનું આયોજન કરવાની વિચારણા હતી પરંતુ શાળાઓમાં વેકેશનના લીધે જુનના બીજા સપ્તાહમાં પૂરક પરીક્ષા લેવાશે તેવુ બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.

પ્રથમ વખત સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવ્યું
બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12ની પરીક્ષાનું પરિણામ ગત 9મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 18,897 છે જેની સામે બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6783 છે. આ જ રીતે ધો.10નું પરિણામ ગત 11મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 58,424 અને બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 63,197 થાય છે.

પૂરક પરીક્ષા લીધા બાદ તાકીદે પરિણામ જાહેર કરી દેવામાં આવશે
આ જ રીતે ત્રણ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 35087 છે. આમ, ધો.10માં ત્રણ વિષયમાં નાપાસ થયા હોય, ધો.12માં બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ફોર્મ ભરી શકશે. જૂનમાં પૂરક પરીક્ષા લેવા માટેનો મુખ્ય હેતુ એવો છે કે, જૂનમાં પૂરક પરીક્ષા લીધા બાદ તાકીદે પરિણામ જાહેર કરી દેવામાં આવે તો રેગ્યુલર વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાની તૈયારીમાં હોય ત્યાં સુધીમાં પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ પાસ થઇ જાય તો તેમને પણ ખાલી પડેલી અથવા તો અન્ય બેઠકો પર પ્રવેશ ફાળવી દેવામાં આવશે.

વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાંથી ફોર્મ ભરીને પરીક્ષા આપી શકશે
આમ, વિદ્યાર્થીઓએ એક વર્ષ સુધી બેસી રહેવું પડતું હતું તેના બદલે પરિણામ સુધારીને રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે જ અભ્યાસ કરી શકશે. આ સાથે જ ધો.10ની બોર્ડની પરીક્ષામાં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ ઇચ્છે તો પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરીક્ષા આપી શકશે. બેઝિક ગણિતમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ધો.11 સાયન્સમા બી ગ્રૂપમાં જ પ્રવેશ મેળવી શકે તેવો નિયમ છે.

આ વિદ્યાર્થીઓએ ધો.11 સાયન્સમાં એ કે એબી ગ્રૂપમાં પ્રવેશ મેળવવો હોય તો તેઓ સ્ટાન્ડર્ડ ગણિત પાસ થાય તે જરૂરી છે. જેના કારણે આ વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાંથી ફોર્મ ભરીને પરીક્ષા આપી શકશે. રાજ્યમાં જુલાઈ મહિનામાં યોજાનારી ધોરણ 10ની પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી 22 મેના સાંજે પાંચ વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.