સરદારના નામે લૂંટ: Statue Of Unity જોવા જવા માટે હવે ટોલટેક્સ ચૂકવવો પડશે

Published on: 6:22 am, Mon, 8 April 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશભરના પ્રવાસીઓ માં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. ત્યારે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ને નિહાળવા આવતા પ્રવાસીઓને વાહનથી પહોંચવા માટે હવે ટોલ ટેકસ પણ ભરવો પડશે. ભાદરવા ગામ નજીક આગામી 6 મહિનામાં ટોલ પ્લાઝા કાર્યરત કરી દેવામાં આવશે. ટોલ પ્લાઝા પર કારના 105, બસ અને ટ્રકના 205 અને હેવી વાહનો 260 રૂપિયા સુધીના ટોલના દર નકકી કરવામાં આવે તેવી શક્યતા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ 380 અને 1,000 રૂપિયાની ટીકીટ ખરીદતા હોય છે અને હવે તેમના માથે ટોલનું વધારાનું ભારણ આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉદ્ઘાટન સમય પહેલાથી જ વધુ પડતા ખર્ચને કારણે વિવાદોમાં રહ્યું છે. સ્થાનિકોને રોજગારીનો પ્રશ્ન, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ કરતા સફાઈ કામદારોના વેતનનો પ્રશ્ન વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે.સ્થાનિક આદિવાસીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે પર્યાવરણને પહોંચેલા નુકસાનને કારણે હાલ પણ વિરોધ કરી રહ્યા છે.

ત્યારે હવે પ્રવાસીઓને પણ હવે તકલીફ વેઠવી પડી શકે છે. ડભોઇથી ગરુડેશ્વર અને ગરુડેશ્વરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ફોરલેન રસ્તો બનાવ્યો છે. આ ઉપરાંત અંકલેશ્વરથી ગરુડેશ્વર થઇ કેવડિયા સુધીના નવા રસ્તાનું નિર્માણ કરાયું છે. રસ્તાઓ બની ગયા બાદ હવે સરકારે ટોલ વસૂલવાની કવાયત હાથ ધરી છે. બંને રસ્તાઓ પાછળ અંદાજીત 450 કરોડનો ખર્ચ થયો છે. ડભોઇ અને ગરૂડેશ્વર વચ્ચે ભાદરવા ગામ પાસે ટોલ પ્લાઝા બની રહ્યું છે. આવું જ ટોલ પ્લાઝા અંકલેશ્વર-કેવડીયા રોડ પર પણ બનાવવામાં આવે તેવી સંભાવના છે. અમદાવાદ અને વડોદરા તરફથી આવતાં વાહન ચાલકોએ હવે ભાદરવા ખાતે ટોલ ભરવાનો રહેશે. બીજી બાજુ મહારાષ્ટ્રથી વાયા બોડેલી થઇ મધ્યપ્રદેશ જતાં વાહનોને પણ આ ટોલ પ્લાઝા માં ટેક્સ ભરીને જવું પડશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટ, એન્ટ્રી ટીકીટ, વ્યુઈંગ ગેલરી ટીકીટ તથા એક્સપ્રેસ ટીકીટના ભાવનો સમાવેશ કરાયો છે. સ્મારક જોવાનો સમય સવારે 9.00 થી 5.00 કલાકનો રાખવામાં આવ્યો છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ www.soutickets.in પર કરી શકો છો. તમને જણાવી દઈએ કે, દર સોમવારે સ્મારક બંધ રહેશે. બસની ટીકીટ રૂ. 30માં શ્રેષ્ઠ ભારત ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વોલ ઓફ યુનિટી, પ્રદર્શન, ફૂડકોર્ટ, વેલી ઓફ ફ્લાવર્સ, રીવર બેડ પાવર હાઉસ, વ્યુ પોઈન્ટ, ગોડ બોલે ગેઈટ, ટેન્ટ સીટી, મેઈન કેનાલ હેડ રેગ્યુલર, વગેરે સ્થળો જોવા મળશે.

બાળક (3થી 15 વર્ષ) રૂ. 60, અને પુખ્ત વયના લોકો માટે રૂ. 120. એન્ટ્રી ટિકિટમાં વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝિયમ અને ઓડિયો – વિઝ્યુઅલ ગેલરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમનો સમાવેશ છે. આમાં વ્યુઈંગ ગેલરીનો સમાવેશ નથી. બાળક (3થી 15) વર્ષ રૂ. 200 અને પુખ્ત વયના લોકો માટે રૂ. 350 જેમાં વ્યુઈંગ ગેલરી, વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝિયમ અને ઓડિયો – વિઝ્યુઅલ ગેલરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ તથા દર્શાવવામાં આવેલા તમામ સ્થળોનો સમાવેશ થાય છે. આમ, રૂ. 350 અને બસની ટિકિટ રૂ. 30. એટલે કે, કુલ રૂ. 380ની ટિકિટમાં તમામ સ્થળો જોઈ શકાશે.

બીજી તરફ ભરૂચની નર્મદા નદી પર કેબલ સ્ટેઇડ બ્રિજ બન્યાં બાદ મુલદ ખાતે ટોલ પ્લાઝા બનાવીને ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોના આંદોલન બાદ ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવામાં આવી છે. આગામી દિવસોમાં અંકલેશ્વરથી કેવડીયાના ફોરલેન રોડ પર નવું ટોલ નાકુ ઉભું કરવામાં આવશે. જોકે આ ટોલનાકુ શરૂઆતથી વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે.