વડોદરા(ગુજરાત): હાલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષાના તણાવને કારણે વિદ્યાર્થીઓના આત્મહત્યા(Suicide)ના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરા(Vadodara) શહેરમાં 12માં ધોરણના વિદ્યાર્થીએ રસાયણ વિજ્ઞાન(Science)ના પેપરની પૂર્વસંધ્યાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના આજવા રોડ પર ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતી અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી 19 વર્ષીય નિશા ઉર્ફે બબુ નિલેશભાઇ દેસાઇએ કેમિસ્ટ્રીના પેપરની પૂર્વસંધ્યાએ ડિપ્રેશનમાં આવીને ફાંસો ખાઇ લીધો હતો. બાદમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાપોદ પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
પરીક્ષા માટે વિદ્યાર્થિનીનો નંબર રોઝરી સ્કૂલમાં આવ્યો હતો. તેનું આજે કેમિસ્ટ્રીનું પેપર હોવાથી એની તૈયારીઓ કરી રહી હતી. પરંતુ, તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને કેમિસ્ટ્રીના પેપરની પૂર્વસંધ્યાએ જ રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. સવારે તેની માતા ઉઠાડવા જતાં પુત્રીનો મૃતદેહ રૂમમાં પંખા પર ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડતાં તેઓ ચોંકી ઊઠયાં હતાં.
માતાના હૈયાફાટ રુદન અને ચીસોથી પાડોશીઓ દોડી આવ્યા હતા. બનાવની જાણ પરિવારના અન્ય સભ્યોને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની જાણ બાપોદ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.