સુરત(Surat): શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલ ધારૂકા કોલેજ અને અમરોલી વિસ્તારમાં આવેલ જે.ઝેડ. શાહ કોલેજ દ્વારા 200 વિદ્યાર્થીઓના MAના એડમિશન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS દ્વારા બે દિવસના આપેલા અલ્ટીમેટમ પૂર્ણ થતા વિદ્યાર્થીઓ દ્વારા આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. કુલપતિની ગેરહાજરીમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વિદ્યાર્થીઓને મળવા આવતા રજૂઆત કરવા આવેલી વિદ્યાર્થિનીઓએ બંગડી ફેંકીને ભારે વિરોધ નોંધાવ્યો હતો.
વિદ્યાર્થીઓને યોગ્ય જવાબ ન આપવામાં આવતા વિદ્યાર્થીઓ ભરાયા રોષે:
વિદ્યાર્થીઓને રજિસ્ટ્રાર દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવતા વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરીને યુનિવર્સીટીમાં હોબાળો મચાવી દીધો હતો. યુનિવર્સિટીમાં જ્યારે વિદ્યાર્થીઓ કુલપતિની ચેમ્બરમાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને ગેટ બંધ કરીને તાળું મારીને અટકાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા રજિસ્ટ્રારે વિદ્યાર્થીઓને સાંભળવા માટે બહાર આવવું પડ્યું હતું. વિદ્યાર્થીઓને યોગ્ય જવાબ ન આપવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને તેમણે પોતાનો ઉગ્ર વિરોધ દાખવ્યો હતો.
કોલેજ દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે: રજિસ્ટ્રાર
આખરે રજિસ્ટ્રાર દ્વારા લેખિતમાં વિદ્યાર્થીઓને સહમતી આપતા કહ્યું હતું કે, તેમના પ્રશ્નોને લઈને હવે જે તે કોલેજ દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા જ્યાં પણ આ પ્રશ્ન ઉભો થયો છે તે કોલેજ દ્વારા આ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવા માટેની સત્તા સોંપી દેવામાં આવી છે. જે તે વિદ્યાર્થીઓને તેમના નજીકની કોલેજમાં પ્રવેશ મળી જાય તે માટેની વ્યવસ્થા કોલેજ દ્વારા કરવામાં આવશે. આ પ્રકારની વાત થયા બાદ અંતે મામલો થાળે પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.