હવે કોઈ પણ ધોરણના વિદ્યાર્થીઓને વેકેશન મળશે નહીં, જેવી વાર્ષિક પરીક્ષા પૂરી તેવું બીજું વર્ષ ચાલુ

ગુજરાત સરકારે શાળાકીય શિક્ષણમાં એક મહત્વનો નિર્ણય કરતા રાજ્યની તમામ સ્કૂલોમાં હવે નવુ શૈક્ષણિક સત્ર એપ્રિલથી શરૂ થશે. દર વર્ષે ઉનાળુ વેકેશન બાદ જુનમાં જે સ્કૂલો શરૂ થતી હતી તેના બદલે હવે એપ્રિલથી સ્કૂલો શરૂ થશે. સરકારના આ નિર્ણયથી ગુજરાત સરકારના શિક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયેલી સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિકની 55 હજારથી વધુ સ્કૂલોમાં ભણતા 1.10 કરોડથી વધુ બાળકોને તેમજ તેમના વાલીઓને સીધી અસર થશે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર આગામી શૈક્ષણિક વર્ષ 2020-21 અને ત્યાર પછી વર્ષો માટે એપ્રિલથી કરવા શિક્ષણ વિભાગે ઠરાવ કરીને નિર્ણય કર્યો છે. જેના કારણે માર્ચના અંતે પરીક્ષા પુરી થયા પછી શૈક્ષણિક કાર્ય થતું નહોતું તે હવે પછી થવા લાગશે. સરકારે સીબીએસઈ સ્કૂલની પેટર્ન પ્રમાણે શૈક્ષણિક વર્ષ શરૂ કરવાની પદ્વતિ અપનાવી છે.

રાજ્ય સરકારે વર્ષ 2020-21નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ, 2020થી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. જેથી વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષા આપ્યા બાદ પણ 13 દિવસ સુધી સ્કૂલ આવવું પડશે. શૈક્ષણિક વર્ષ 2020-21ના સંભવિત આયોજન પર નજર કરીએ તો 20 એપ્રિલથી પ્રથમ સત્ર શરૂ થશે જે 3 મે એટલે સુધી સ્કૂલ ચાલું રહેશે. ત્યારબાદ 4 મેથી વિદ્યાર્થીઓને ઉનાળું વેકેશન મળશે. જે 7 જૂન સુધી રહેશે. આમ વિદ્યાર્થીઓને ઉનાળાનું 35 દિવસનું વેકેશન મળશે. 8 જૂનથી પ્રથમ સત્રનો પુન: પ્રારંભ થશે. જે સપ્ટેમ્બર સુધી ચાલશે. પ્રથમ સત્ર 174 દિવસનું હશે જેમાંથી જાહેર રજા, રવિવાર, વેકેશન મળી કુલ 61 રજાઓ હોવાથી 113 દિવસો સ્કૂલ ચાલુ રહેશે. 1 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા ચાલુ થશે. છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના દિવસોમાં વધઘટ જોવા મળતી હતી. જેને લઇને રાજ્ય સરકારે બંને સત્રના શૈક્ષણિક દિવસો સમાન રહે તેવી જોગવાઈ કરી છે.

બીજુ સત્ર 166 દિવસનું રહેશે જેમાં 49 દિવસ સ્કૂલ બંધ રહેશે

12 ઓક્ટોબરથી બીજા સત્રની શરૂઆત થશે જે 11 નવેમ્બર સુધી ચાલશે. 12 નવેમ્બરથી 2 ડિસેમ્બર આમ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. ત્યારબાદ 3 ડિસેમ્બરથી દ્વિતિય સત્ર પુન: શરૂ થશે. જે 14 માર્ચ 2021 એટલે કે શૈક્ષણિક કાર્ય સુધી ચાલુ રહેશે. બીજુ સત્ર 166 દિવસનું રહેશે. જેમાંથી જાહેર રજા, રવિવાર અને વેકેશન મળી કુલ 49 દિવસ રજા હોવાથી 117 દિવસ સ્કૂલ ચાલુ રહેશે. 15 માર્ચથી 31 માર્ચ દરમિયાન સત્રાંત પરીક્ષા તેમજ મુલ્યાંકન કાર્ય રહેશે. 31 મે દ્વિતિય સત્ર પૂર્ણ થશે. આ પદ્ધતિ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ તમામ શાળાઓમાં લાગુ કરવા જણાવવામાં આવ્યું છે. આ મામલે શિક્ષણવિદ્ સાથે વિગતવાર ચર્ચા કરી કેટલાક ઠરાવ પસાર કરવામાં આવ્યા છે.

આ નિર્ણયને કારણે કઇ રીતે એક મહિનો શિક્ષણનો વધી જશે

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ એટલે કે શાળાકીય શિક્ષણ મુંબઈ શૈક્ષણિક એક્ટ 1947થી અમલી છે અને આ એક્ટ અંતર્ગત છેલ્લા અનેક દાયકાઓથી ગુજરાતમાં જુનથી જ સ્કૂલો શરૂ થાય છે ત્યારે આ એક્ટના અમલમાં શાળાકીય શિક્ષણમાં પ્રથમ સૌથી મોટો શૈક્ષણિક સુધારો સરકારે કર્યો છે. સરકારના આ નિર્ણયને લીધે શિક્ષણના દિવસો વધશે અને બાળકો સ્કૂલમાં વધુ દિવસો ભણશે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું કે હાલ આરટીઈ એક્ટ મુજબ ધો.1થી5માં મિનિમમ 200 શૈક્ષણિક દિવસો થવા જોઈએ ઉપરાંત ધો.6થી8માં 220 શૈક્ષણિક દિવસો થવા જોઈએ અને અને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિમય ,1974 મુજબ ધો.9થી12માં 240 મિનિમમ શૈક્ષણિક દિવસો હોવા જોઈએ.

આટલો મોટો નિર્ણય વર્ષની અધવચ્ચે કેમ?

હંમેશાની જેમ સરકારે શિક્ષણમાં વધુ એક નિર્ણય શૈક્ષણિક વર્ષના અધવચ્ચેથી કર્યો છે. પરંતુ શાળાકીય શિક્ષણમાં આ મહત્વનો અને આટલો મોટો નિર્ણય હોઈ સત્રના અધવચ્ચે કેમ કર્યો તે પ્રશ્ન વાલીઓમાં ચર્ચાઈ રહ્યો છે.જો આ નિર્ણય કરવાનો હતો તો 2019-20નુ એકેડમિક કેલેન્ડર કેમ એ રીતે તૈયાર ન કરાયુ અથવા તો આ નિર્ણયનો અમલ 2021-22થી કેમ કરવામાં નથી આવી રહ્યો ?આ વર્ષથી જ અમલની ઉતાવળ કેમ ?મહત્વનું છે કે 2019-20ના એકેડમિક કેલેન્ડર મુજબ વાર્ષિક પરીક્ષાઓ પણ ગોઠવાઈ ગઈ હોય આ વર્ષે મુશ્કેલી ઉભી થાય ઉપરાંત જે વિદ્યાર્થીઓને સ્કૂલ હોય તેમજ બોર્ડ બદલવુ હોય તેને લઈને પણ મુશ્કેલી ઉભી થશે. ઉપરાંત મોટા ભાગે વાલીઓ ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખી ફરવાનું પ્લાનિંગ કરતા હોઈ અનેક વાલીઓએ રેલવેમાં તેમજ ફ્લાઈટની ટીકિટના બુકિંગ ચાર મહિના પહેલા કરી દીધા હશે અને જેમાં એપ્રિલમાં કે એપ્રિલના અંતમાં ફરવા જવાના પ્લાનિંગ પણ કર્યા હશે.સરકાર હંમેશા આગોતરૂ આયોજન કેમ કરતી નથી? કોઈ પણ નિર્ણયના અમલ માટે એક વર્ષ અગાઉ જાહેરાત કરવાને બદલે ટૂંકા ગાળામાં જ આયોજન કરી ટુંકા ગાળામા જ જાહેરાત કરી ટુંકા ગાળા માટે જ અમલ કેમ કરે છે.

વાર્ષિક પરીક્ષા પુરી થયા બાદ તરત જ સ્કૂલ શરૂ

સરકારે 1લી એપ્રિલથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવાનો ઠરાવ કર્યો છે અને જે મુજબ વાર્ષિક પરીક્ષા પુરી થયાના બીજા જ દિવસથી સ્કૂલ શરૂ થઈ જશે એટલે કે હાલ જે રીતે સેન્ટ્રલ બોર્ડમાં વાર્ષિક પુરી થયા બાદ એપ્રિલમાં નવુ સત્ર શરૂ થયા પહેલા જે રીતે થોડા દિવસ રજા અપાય છે તે રીતે રજા નહી અપાય. વાર્ષિક પરીક્ષા પુરી થયાના બીજા જ દિવસથી જો સ્કૂલો શરૂ કરી દેવાની હોય તો ભણાવાશે શું ગત વર્ષનું કે નવા વર્ષનું, સરકારના ઉચ્ચ અધિકારીનું કહેવુ છે કે વાર્ષિક પરીક્ષા બાદ નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય એટલે કે આગળનુઁ ધોરણ શરૂ થાય તે પહેલા અગાઉના જે તે ધોરણનું જ શિક્ષકો ભણાવશે. પરંતુ પરીક્ષા પુરી થઈ ગઈ હોય તો અગાઉના ધોરણનું ભણીને શું મતલબ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *