સમગ્ર ભારતમાં ક્રિકેટને માત્ર રમતનો જ નહીં પરંતુ, ધર્મનો દરજ્જો પણ આપવામાં આવે છે. ‘જેન્ટલમેન ગેમ’ દ્વારા ખેલાડીઓ અપાર સંપત્તિ અને ખ્યાતિના માલિક બની જાય છે. પરંતુ, દરેક ક્રિકેટરનું નસીબ એટલું સારું હોતું નથી. આવું જ કંઈક ગુજરાતમાં જોવા મળ્યું હતું જ્યાં આ ખેલાડીને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.
તમે સૌ જાણતા જ હશો કે, ભારતની અંધ ક્રિકેટ ટીમે વર્ષ 2018માં પાકિસ્તાનને હરાવીને વિશ્વ કપ જીત્યો હતો. આ વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનની ટીમ દ્વારા ભારતને જીતવા માટે 307 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે ભારતીય બહાદુરોએ માત્ર 38 ઓવરમાં પૂરો કર્યો હતો.
બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ 2018માં ભારતને ચેમ્પિયન બનાવવામાં નરેશ તુમડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ, 3 વર્ષ પછી તેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ હતી. હવે નરેશને પેટ ભરવા માટે મજુરી કરવી પડી રહી છે. જણાવી દઈએ કે, નરેશ તુમડા ગુજરાતના નવસારી જિલ્લાના રહેવાસી છે.
તેમણે જણાવ્યું કે, હું રોજ 250 રૂપિયા કમાઉ છું. મેં 3 વખત મુખ્યમંત્રીને વિનંતી કરી છે પરંતુ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી. હું સરકારને વિનંતી કરું છું કે મને નોકરી આપો જેથી હું મારા પરિવારની સંભાળ રાખી શકું. નરેશ તુમડાની કહાની ખૂબ જ દુ:ખદ છે. વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કરનાર આ ખેલાડીને આવા દિવસો જોવાનો વારો આવશે તે કોઈએ વિચાર્યું પણ નહી હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.