Gujarat weather updates: સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસ ગરમીનું જોર રહ્યા બાદ ગરમીનું પ્રમાણ સામાન્ય ઘટ્યું છે. માર્ચ મહિનામાં ગુજરાતના હવામાનમાં (Gujarat weather updates) અનેક વખત બદલાવ આવ્યો છે. જેના કારણે થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી છે. રાજ્યમાં અચાનક મોટાભાગના જિલ્લામાં તાપમાન બે ડિગ્રી ઘટ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે હાલ લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણેક દિવસ મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. બીજીતરફ હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં સૌથી વધુ તાપમાન નોંધાયુ
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ હાલ ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. તેથી તાપમાન ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો ગગડીને 38 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે 38.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે દાહોદ જિલ્લો સૌથી ગરમ રહ્યો હતો. આગામી સમય એટલે કે, એપ્રિલ મહિનાની શરૂઆત થતાની સાથે જ ગરમીમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ગરમીના સમયે શહેરીજનોને કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે
હવામાન નિષ્ણાતોના મતે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, દરિયા કિનારાના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે અને ત્યાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી જવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ માર્ચ મહિનામાં થયેલા કમોસમી વરસાદ અને પવનને કારણે કેરીના પાકને ઘણું નુકસાન થયું છે અને હવે ફરીથી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વડોદરામાં ધુમ્મ્સ છવાયું
ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે વિઝીબિલીટી ઓછી થઇ જતાં નોકરી-ધંધાર્થે નિકળેલા લોકોને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. તે સાથે વાહનો ધીમે હંકારવાની ફરજ પડી હતી. વાતાવરણમાં આવેલા એકાએક પલટો જોઇ લોકો પણ આશ્ચર્યમા મુકાઇ ગયા હતા. એક તબક્કે ઉનાળામાં વરસાદી માહોલ જેવુ વાતાવરણ થઇ ગયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App