રાજ્યના અમદાવાદ જેવા અનેકવિધ મોટા શહેરમાં હાલમાં પણ દહેજ તેમજ પહેરવેશ માટે પરિણીતાને ખુબ હેરાન કરાતી હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે. પટનાના નાના એવા ગામમાંથી 3 મહિના અગાઉ અમદાવાદ લગ્ન કરીને આવેલ પ્રીતિને સાસરિયાં સતત દહેજ માટે માંગણી કરતા એટલું જ નહીં તેના પહેરવેશ માટે મેણા મારતા હતા.
આની સાથે જ સતત માનસિક ત્રાસમાં રહેતી પ્રીતિએ આપઘાત કરી લીધો હતો. આ અંગેની અમરાઈવાડી પોલીસ દ્વારા આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આની સાથે જ આગળની તપાસ થતા આરોપી સામે આવશે.
સંસાર શરૂ કરવાને બદલે જિંદગીને અલવિદા કરી:
પટનાના નાના એવા ગામમાં રહેતી પ્રીતિ લગ્નના સોનેરા સપના જોઈને અમદાવાદ આવી હતી પરંતુ પરીવારને એ જાણ ન હતી કે, ત્યાં તેને સતત ત્રાસ આપવામાં આવશે. પ્રીતિને પતિનો પ્રેમ અથવા તો સાસરિયામાં સુખ નહીં પણ મોત ભેટયું છે. અમરાઈવાડીમાં રહેતી પ્રીતિ સિંગએ દહેજના લાલચુ પતિ તથા સાસરિયાના ત્રાસથી કંટાળીને 26 ઓગસ્ટે આત્મહત્યા કરી લીધી હતી. ફક્ત 3 મહિનાના લગ્ન જીવનમાં જ પ્રીતિએ સંસાર શરૂ કરવાની જગ્યાએ જિંદગીને અલવિદા કહી દીધી હતી.
બહેનના આપઘાતના સમાચાર મળતા પરિવારમાં આઘાત:
બિહારમાં આવેલ પટનામાં રહેતા ભાઈને પોતાની બહેનના આપઘાતના સમાચાર મળતાની સાથે જ તેઓ આઘાતમાં સરી ગયા હતા. મૃતકના પરિવાર દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, પતિ-સાસરિયાંના દહેજની સતત માંગણી તેમજ માનસિક ત્રાસને લીધે પ્રીતિએ આત્મહત્યા કરી છે જેને લીધે અમરાઈવાડી પોલીસ દ્વારા 4 વ્યક્તિની વિરુદ્ધ દુષપ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પહેરવેશને લઈને પરિણીતાને હેરાન કરતા:
પ્રીતિના લગ્ન અમદાવાદમાં રહેતા નવનીત રાજપૂતની સાથે 14 મે વર્ષ 2021ના રોજ થયા હતા. પ્રીતિના પરિવાર દ્વારા ધામધૂમથી લગ્ન કરીને હસીખુસી વિદાય કરવામાં આવી હતી. નવનીત ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે. પ્રીતિ પટનાના ગામડાની રહેવાસી હતી. જેને લીધે પહેરવેશને લઈ તેને સતત હેરાન કરતા હોવાનો આક્ષેપ પરિવારે મુક્યો હતો.
પરિણીતાએ પોતાની વેદના મોટા ભાઈને જણાવી:
પતિ નવનીતને લક્ઝુરિયસ કાર તથા તેની સાસુ ઉર્મિલા સિંગ, નણંદ મમતા સિંગ તેમજ જેઠ પ્રવિણ સિંગને 5 લાખ રૂપિયા જોઈતા હતા. જેને લીધે લગ્નના એક મહીના પછી પ્રીતિને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પ્રીતિએ પોતાની વેદના મોટા ભાઈને જણાવી હતી પણ ભાઈએ પણ દહેજ આપશે એવી વાત જણાવીને સમય માંગ્યો હતો. પોતાના ભાઈની આર્થિક સ્થિતિ સારી ન હોવાની જાણ પ્રીતિને હતી.
સાસરિયાંઓ ઘરે તાળું મારી ભાગી ગયા:
અમરાઈવાડી પોલીસ દ્વારા પ્રીતિના આપઘાતને લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રીતિના આપઘાત કર્યા પછી તેનો પતિ તેમજ સાસરિયાં પક્ષના લોકો ઘરે તાળું મારીને ભાગી ગયા છે. અમરાઈવાડી પોલીસ દ્વારા પ્રીતિના પતિ નવનીત સિંગ રાજપૂત, જેઠ પ્રવીણ સિંગ, સાસુ ઊર્મિલાબેન અને નણંદ મમતાની વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા, શારીરિક માનસિક ત્રાસ તેમજ ગુનાહિત મદદરૂપની કલમ અંતર્ગત ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.