ગુજરાત(Gujarat): મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ જગત(Gujarati film world)ને વધુ એક ફટકો પડ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા(Natukaka)થી પ્રખ્યાત થયેલા ઘનશ્યામ નાયક(Ghanshyam Nayak)ના નિધન બાદ વધુ એક ફિલ્મ કલાકારે દુનિયાને અલવિદા કહી દીધું છે. ફિલ્મ કલાકાર સુનિલ સૂચક(Sunil Suchak)નું હાર્ટ એટેક આવતા 46 વર્ષની વયે નિધન થયું છે.
સુનિલ સૂચક ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર હતાં. સુનિલ સૂચક ગુજરાતી ટેલિવિઝન સિરિયલના દિગ્દર્શક પણ હતાં. આજ રોજ સવારે હૃદય રોગનો હુમલો આવતા તેઓનું અમદાવાદ ખાતે નિધન થયું હતું અને સમગ્ર ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનું વાતાવરણ પથરાય ગયું છે.
મળતી માહિતી મુજબ આજ રોજ સવારના અમદાવાદ ખાતે “લો ગાર્ડન” પાસે સવારના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીનું શૂટિંગ શરૂ હતું. સવારથી જ એમના હાથમાં દુ:ખાવો થઇ રહ્યો હતો. જો કે શૂટિંગ પૂરું કરી બીજા સ્થળે શૂટ કરવા માટે નીકળ્યા ત્યારે અચાનક જ તેઓના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું અને તેઓને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં પણ ત્યાં સુધીમાં તો તેઓએ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તેમના પાર્થિવ દેહને આજ સાંજ અથવા રાત સુધીમાં એમ્બ્યુલન્સમાં મુંબઈ લઇ જવામાં આવશે. જો કે આ ફિલ્મ કલાકારની હજુ અંતિમ વિધિ ક્યારે યોજાશે તે અંગેની કોઈ પણ પ્રકારની સતાવાર વિગતો સામે આવી નથી.