હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. તેના વચ્ચે સિવિલ હોસ્પીટલની અવાર-નવાર બેદરકારી સામે આવતી રહે છે. સુરત ની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદ મા આવી છે. કોરોનાની સારવાર દરમિયાન 11 દિવસ પહેલા સિવિલમાં મૃત્યુ પામેલી બમરોલીની વૃદ્ધાના પુત્રને ગુરુવારે કંટ્રોલ રૂમમાંથી, ‘તમારી માતાની તબિયત સારી છે, તેમને સારા કરવાના પ્રયાસ ચાલી રહ્યાં છે’ એવો ફોન આવતા તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં બમરોલી રોડ પર આવેલા ગીતાનગરમાં રહેતા રૂકમાબેન જ્ઞાનદેવ સૂર્યવંશી (ઉં.વ.૬૫) ગત તા. ૧૮મીએ શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે ૧૦૮-એમ્બ્યુલન્સમાં સિવિલમાં ખસેડાયાં હતાં. અહીં તેમને કોવિડ-૧૯ હોસ્પિટલના જી-૧૯ વોર્ડમાં દાખલ કરાયા હતા. બીજા દિવસે રૂકમાબેનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તા. ૨૦મીએ સવારે ડોક્ટરે રૂકમાબેનના પુત્ર પવનને માતાની તબિયત સારી હોવાનું કહ્યું હતું, અને સાંજે ૪ વાગે તબિયત વધુ ગંભીર હોવાનું કહી જૂની બિલ્ડિંગના જી-૪ વોર્ડમાં બોલાવ્યો હતો. અહીં રૂકમાબેનની તબિયત ગંભીર હોવાનું કહી તેમની પાસે કાગળો પર સહી લેવાઈ હતી, અને થોડા સમય બાદ રૂકમાબેનના મૃત્યુની જાણ કરાઈ હતી.
મીડયા સાથેની વાતચીત દરમ્યાન પવન સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, ગુરુવારે માતા રૂકમાબેનના મૃત્યુને બરાબર ૧૧ દિવસ થયા છે. દરમિયાન સિવિલના કંટ્રોલ રૂમમાંથી એક વ્યક્તિને ફોન આવ્યો હતો. આ ફોન કોલ તેમના રૂઝાયેલા ઘાવ ફરી તાજા કરી ગયો હતો. સિવિલના કંટ્રોલ રૂમમાંથી બોલનારા વ્યક્તિએ કહ્યું હતું કે, તમારી માતાની કન્ડિશન સ્ટેબલ છે, તેઓ રેગ્યુલર દવા લે છે. તમારી વાત થાય છે ને. તેમને સારા કરવાના પ્રયાસ ચાલી રહ્યાં છે’ આટલા વચ્ચે મંે ફોન પર વાત કરનારા વ્યક્તિને અટકાવ્યો હતો, અને મારી માતાનું ૧૧ દિવસ પહેલા મોત થયું હોય પહેલાં બરાબર તપાસ કરાવો સાહેબ, એમ કહી ફરી ફોન કરવા કહ્યું હતું. મને માતાના મૃત્યુનું પ્રમાણપત્ર આપી દેવાયું છે, ત્યારે સિવિલ તંત્ર કઈ હદે લાપરવાહ છે, તે આ કિસ્સા પરથી સમજી શકાય છે.
મૃતક વૃદ્ધાના પુત્ર અને સિવિલ સાથે થયેલ વાતો:
સિવિલ કંટ્રોલ રૂમઃ નમસ્કાર સાહેબ, હું સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી બોલું છું.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, બોલો.
સિવિલ કંટ્રોલ રૂમઃ રુકમા સુર્યવંશીના સંબંધી વાત કરી રહ્યા છો સાહેબ.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, તેમનો પુત્ર બોલું છું.
સિવિલ કંટ્રોલ રૂમઃ જી નામ જાણી શકું સાહેબ.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ પવન સુર્યવંશી.
સિવિલ કંટ્રોલ રૂમઃ જી પવનભાઈ, ધન્યવાદ.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, હા.
સિવિલ કંટ્રોલ રૂમઃ પવનભાઈ તબિયત જણાવવા માટે ફોન કર્યો છે, એમને હાલ કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલ દાખલ કર્યા છે ને.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, હા.
સિવિલ કંટ્રોલ રૂમઃ જી હા તો તેમની તબિયત એમની સારી છે અને સ્ટેબલ બતાવે છે, બરોબર છે. ડોક્ટરની જે દવા છે તે રેગ્યુલર ચાલે છે અને તેના સારા થવા માટેના પ્રયત્નો ડોક્ટર અને નર્સ કરી રહ્યા છે. તમારી વાતચિત થાય છે તેમની સાથે?
મૃતક વૃદ્ધાનો પુત્રઃ પણ સાહેબ આ મેસેજ કોણે આપ્યો તમને
સિવિલ કંટ્રોલ રૂમઃ શેનો?
મૃતક વૃદ્ધાનો પુત્રઃ આ જે તમને કહીં રાખેલું રૂકમાબેનનું, આની જાણ કારી તમને ક્યાંથી મળી?
સિવિલ કંટ્રોલ રૂમઃ સિવિલ હોસ્પિટલમાંથી
મૃતક વૃદ્ધાનો પુત્રઃ એક વખત બરાબર ચેક કરી લો ને સાહેબ, કારણ કે મમ્મીને મોત થયાને આજે 11 દિવસ થઈ ગયા છે.
સિવિલ કંટ્રોલ રૂમઃ શું વાત કરો છો?
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા
સિવિલ કંટ્રોલ રૂમઃ રિયલી વેરી સોરી
મૃતક વૃદ્ધાનો પુત્રઃ પેલા એક વખત ઈન્કવાયરી કરો બરાબર પછી મને ફોન કરજો
સિવિલ કંટ્રોલ રૂમઃ નહીં નહીં..100 ટકા, 100 ટકા, રિયલી સોરી
મૃતક વૃદ્ધાનો પુત્રઃ ઓકે ઓકે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP