સુરત(ગુજરાત): સુરતમાં કાર ચોરીનો એક અજીબોગરીબ બનાવ જોવા મળ્યો છે. કાપોદ્રાના નાના વરાછામાં અલખ કાર મેળામાં લાખોની ઠગાઈ કરી છે. ગણતરીની મિનિટમાં બે ચોરોએ કાર માલિકને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. બે વ્યક્તિ ભેજાબાજ ટેસ્ટ ડ્રાઇવના બહાને કાર લઈને ભાગી ગયો હતો. કાર મેળાના કર્મચારીઓને ચાલુ કારમાંથી ફેંકી દેવાની ધમકી આપીને અધવચ્ચે ઉતારી દેવાયા હતા અને બંને ઠગ કાર લઈને ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
સુરતના કાપોદ્રાના નાના વરાછામાં કાર મેળામાં લાખોની ઠગાઈ થઇ હતી. નાના વરાછા વિસ્તારમાં કાર મેળાનું આયોજન કરાયુ હતું. કારની લે-વેચનો વ્યવસાય મિતુલભાઈ વેકરીખા કરે છે. 1 ઓગસ્ટના રોજ તેમણે નાના વરાછાના ઢાળ પાસે બિઝનેસ શરૂ કર્યો હતો. તેમના કાર મેળામાં 11 ઓગસ્ટના રોજ 2 વ્યક્તિ આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ બારડોલીથી આવ્યા છે. તેમણે હ્યુન્ડાઈ કંપનીની આઈ-20 ફોરવ્હીલર ગાડી લેવાની છે તેવુ જણાવ્યું હતું. તેથી બંને શખ્સોને મિતુલભાઈ કાર બતાવવા ટેસ્ટ ડ્રાઈવ માટે લઈ ગયા હતા.
ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન સરથાણા જકાતનાકા પ્રાણી સંગ્રહાલય પર ગાડી પહોંચી હતી, ત્યારે બંને શખ્સોએ માવા ખાવાના બહાને ગાડી ઉભી રાખી હતી. મિતુલભાઈને બંને શખ્સોએ માવો લઈ આવવા જણાવ્યું હતું. પણ તેમણે ના પાડતા બંને ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી. તેઓએ મિતુલને કહ્યું હતું કે, ‘અહીયા છાનો માનો ઉતરી જા નહી તો રસ્તામાં ફેકી દેઈશું.’
બંને વ્યક્તિઓ આટલે અટક્યા ન હતા. બંનેએ મિતુલભાઈને ગાડીથી નીચે ઉતાર્યા હતા અને ગાડી લઈને ભાગી ગયા હતા. ત્યારે સુરત પોલીસ સ્ટેશનમાં આ મામલે મિતુલભાઈએ ફરિયાદ નોંધાવી હતી. તેમણે અજાણ્યા શખ્સો વિરુધ 4,65,000ની કિંમતની હુન્ડાઈ કંપનીની આઈ-20 ગાડીની ચોરીની ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.