સુરતના યોગીચોક વિસ્તારમાં રહેતા રત્નકલાકાર યુવાને માત્ર દોઢ મહિના પહેલા ફેસબુકમાં ફ્રેન્ડ બનેલી યુરોપીયન યુવતીએ ફ્રેન્ડ બન્યાના પાંચ દિવસમાં મોકલેલી કિંમતી ગિફ્ટનું પાર્સલ છોડાવવામાં 29.49 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. 29 લાખથી વધુ રૂપિયા પડાવ્યા બાદ પણ વધુ રૂપિયાની માંગણી કરતા છેતરાયા હોવાની જાણ થતા સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી. જેને પગલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફેસબૂક પછી વોટ્સએપમાં પણ વાતો કરતા હતા
મૂળ ભાવનગરના ગારીયાધારના અખતરીયા ગામના રહેવાસી પ્રવિણભાઈ ધીરૂભાઈ બોધરા યોગીચોક વિસ્તારમાં આવેલી શ્રી પૂજન રેસીડેન્સીમાં હાલ રહે છે. પ્રવિણભાઈ હરેકૃષ્ણ ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. ગઈ 5 નવેમ્બરના રોજ પ્રવિણભાઈના ફેસબૂક એકાઉન્ટમાં ડાયેના મેક્સવેલની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવતા તેમણે એક્સેપ્ટ કરી હતી. પોતાની ઓળખ યુરોપ દેશની વતની તરીકે આપી ડાયેનાએ ચેટીંગ કરવાનું ચાલું કર્યું હતું અને પોતાના બે વ્હોટ્સએપ નંબર આપતા બંને વ્હોટ્સએપ દ્વારા વાત કરતા હતા.
ફેસબુક ફ્રેન્ડે રત્નકલાકારને મુંબઈ એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવા કહ્યું હતું
ફ્રેન્ડ બન્યાના પાંચમાં દિવસે જ ડાયેનાએ હું તમને મિત્રતા નાતે એક ગિફ્ટ મોકલી રહી છું, તમે સ્વિકારી લેજો તેમ કહેતા પ્રવિણભાઈએ ગિફ્ટ મોકલવા મનાઈ ફરમાવી હતી. જોકે, ડાયેનાએ હું હોટલમાં કામ કરું છું અને સારી સેલેરી પણ છે. જેથી તમારા માટે ગિફ્ટ મોકલી છે તેવું કહેતા પ્રવિણભાઈ ના કહી શક્યા ન હતા. ડાયેનાએ 10 નવેમ્બરના રોજ વ્હોટ્સએપમાં એક્સપ્રેસ કુરીયર લોજીસ્ટીક કંપનીની રશીદનો ફોટો પણ મોકલ્યો હતો.
11 નવેમ્બરના રોજ એક મહિલાએ પ્રવિણભાઈને ફોન કરી હું મુંબઈ એરપોર્ટથી વાત કરું છું, તમારું એક પાર્સલ આવ્યું છે, 35,000 રૂપિયા શિપમેન્ટ ચાર્જ ભરી તેને છોડાવી જવા કહ્યું હતું. પ્રવિણભાઈએ જાતે નહીં આવી શકું તેમ કહેતા તે મહિલાએ મેસેજ કરી સાહીદ નામના વ્યક્તિના સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટની વિગત આપતા પ્રવિણભાઈએ તે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
એક મહિનામાં 29 લાખથી વધુ રૂપિયા અલગ-અલગ એકાઉન્ટમાં જમા કર્યા
એક માસ દરમિયાન મહિલા અને અન્યોએ જુદા-જુદા મોબાઈલ નંબર પરથી ફોન કરી પાર્સલમાં 30,000 પાઉન્ડ છે, તે માટે એન્ટી ટેરરીઝમ સર્ટિફીકેટ ચાર્જ, રજીસ્ટ્રેશન અને રીફંડેબલ કન્વર્ઝન ચાર્જ, મની લોન્ડરીંગ સર્ટિફિકેટ ચાર્જ, ઇન્કમ ક્લીયરન્સ સર્ટિફિકેટ ચાર્જ, સેબી ક્લીયરન્સ સર્ટિફીકેટ, કોર્ટ ધેટ એટેસ્ટેશન એન્ડ એન્ડોર્સમેન્ટ ચાર્જ, સ્ટેટ્યુટરી સર્ટિફિકેટ ચાર્જના નામે ટુકડે-ટુકડે 29,48,999 રૂપિયા 7 બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.
તમામ રકમ જમા કરાવ્યા બાદ મહિલા અને અન્યોએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અલગ અલગ મેઈલ આઈડી ઉપરથી પ્રવિણભાઈના મેઈલ આઈડી ઉપર સરકારી લોગો સાથેના લેટર પણ મોકલ્યા હતા. 29 લાખથી વધુ રૂપિયા જમા કરાવતાં હોય પ્રવિણભાઈએ ડાયેના સાથે વ્હોટ્સએપ ઉપર વાત દરમિયાન ગિફ્ટમાં શું છે તેમ પૂછતાં તેણે ગિફ્ટમાં 30,000 પાઉન્ડ, 70,000 પાઉન્ડનો ડ્રાફ્ટ ચેક, પાંચ જીન્સ, પાંચ ટીશર્ટ, ગોલ્ડ વોચ, નેકલેસ, પાકીટ, પરફ્યુમનો સેટ અને બીજી વસ્તુઓ છે તેમ કહ્યું હતું.
વધુ 15.50 લાખ રૂપિયા માંગતા છેતરાયાની શંકા ગઈ
પત્નીના એકાઉન્ટમાંથી પણ પૈસા ઉપાડી મોકલનાર પ્રવિણભાઈને ફોન કરનાર મહિલાએ 5 ડિસેમ્બરના રોજ ફોન કરી વધુ 15.50 લાખ રૂપિયા ભરવા કહેતા તેમને શંકા ગઈ હતી. જેથી તેમણે પૈસાની સગવડ થશે ત્યારે ભરીશ તેમ કહેતા મહિલા વારંવાર મેસેજ કરતી હતી. જોકે, પ્રવિણભાઈએ પૈસા ભર્યા ન હતા અને સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરી હતી. અરજીના આધારે સાયબર ક્રાઈમ પોલીસે 420, આઈટી એક્ટની કલમ મુજબ આજે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.