સુરતના શિક્ષણખાતાના અધિકારીઓને સુરત લખતા નથી આવડતું, જીતુ વાઘાણી બાદ હવે આપ કોનો વારો પાડશે?

ગુજરાતના શિક્ષણને લઇને છેલ્લા થોડા સમયગાળામાં અનેક સવાલો ઉભા થયા છે, અને હાલ આવો જ એક સળગતો મુદ્દો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, સુરતના શિક્ષણખાતાના અધિકારીઓ ‘સુરત’ લખવામાં પણ જોડણીની ભૂલો કરી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ચાલતી પરીક્ષાની જવાબવહીમાં ‘સુરત’ શહેરની જોડણી ખોટી છે.

આમ તો ગુણવત્તાસભર શિક્ષણ માટે આપણી સરકાર કરોડો રૂપિયાના બજેટ ફાળવી રહી છે. આટલા મોટા અક્ષરે સ્પષ્ટ દેખાય એવી રીતે લખાયેલ અને આટલી મોટી સંખ્યામાં છપાયેલ ઉત્તરવહીમાં આટલા સરળ શબ્દની જોડણી જો સાચી ન લખાતી હોય તો અન્ય જગ્યાની જોડણીની તો શું વાત કરવી?

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતાં હજારો વિદ્યાર્થીઓ, જેટલાં દિવસો સુધી પરીક્ષા ચાલશે તેટલાં દિવસો સુધી આ ઉત્તરવહીમાં લખેલા જોડણીની ભૂલવાળું લખાણ (સૂરત) વાંચશે. તમને જણાવી દઈએ કે, ઉત્તરવહીમાં લખેલા ‘સૂરત’ શબ્દનો અર્થ ચહેરો થાય.

ગુજરાત સરકારની પરિણામ-પુસ્તિકા અનુસાર, ૨૦૨૦માં ગુજરાતી વિષયમાં ધોરણ દસના ૬,૯૧,૬૯૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી ૫,૯૧,૩૪૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે કે એક લાખથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા હતાં. વિદ્યાર્થીઓને ભાષાનું આવું અધકચરું જ્ઞાન આપતી સરકારને માઠા પરિણામો માટે તૈયાર રહેવું પડશે.

સોશિયલ મીડિયાની પોસ્ટ કે અન્ય કોઈ જગ્યાએ લખેલું લખાણ હોય તો ક્ષમ્ય છે, પણ અહીયા આ ભૂલને ગંભીરતાથી જ લેવી જોઈએ અને સુધારવી જોઈએ. ગુજરાતી ભાષાના સૌથી પ્રમાણિત જોડણીકોશ એવા “સાર્થ જોડણીકોશ” અને “ભગવદ્ગોમંડલ” અનુસાર સુરત શહેરની સાચી જોડણી ‘સુરત’ છે, ‘સૂરત’ નહી. આ બંને જોડણીકોશના પાનાના ફોટાઓ આ પોસ્ટ સાથે મુકેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *