સુરત(surat): સુરત સહીત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા હત્યા કેસ તો આપ સહુને યાદ જ હશે. જયારે આ ઘટના ઘટી ત્યારબાદ લોકો ના મોઢે અને દિમાગમાં અનેક પ્રશ્નો હતાં. જેમકે આ કેમ થયું ? શું આને રોકી શકાયું હોત ? ગ્રીષ્મા ને બચાવી શકાઈ હોત કે પછી ફેનિલ ને સમજાવી શકાયો હોત? આવા અનેક પ્રશ્નો આજે પણ લોકોના મન માં છે. પરંતુ ઘટના બની ગયા બાદ ના આ પ્રશ્નો નિરર્થક છે. ત્યારે લોકોના મન માં ઉદ્ભવેલા આ પ્રકારના પ્રશ્નો ને એક અલગ જ અંદાજ માં રજુ કરવા માટે સુરતના નાટ્ય કલાકારોએ ગ્રીષ્મા હત્યાકાંડ નો સંદર્ભ લઈ ને એક નાટક “STOP – The Surat Files” બનાવ્યું છે. “STOP – The Surat Files” નાટક થકી નાટક ના દિગ્દર્શક અને કલાકારોએ લોકોના મન સુધી પહોંચવાનો પ્રયત્ન જરૂર કર્યો છે.
વર્લ્ડ થિએટર ડે નિમિત્તે ‘રંગહોત્ર’ કાર્યક્રમનું આયોજન કરે છે. તેમા આ નાટક ‘સ્ટોપ: ધ સુરત ફાઇલ્સ’ આજે એટલે કે ૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ સુરતમાં પરફોર્મિંગ આર્ટસ સેન્ટર ખાતે ભજવાશે. લગભગ ૨૫ મિનિટના આ નાટકમાં માત્ર આ ઘટના જ બતાવવામાં આવી નથી, પરંતુ આવી ઘટના પાછળ કોણ-કોણ જવાબદાર ગણાઈ તેવો મૂળ સવાલ પણ થિએટરના માધ્યમે લોકો સમક્ષ મૂકવામાં આવ્યો છે. આ નાટક પ્રિતેશ સોઢાએ લખ્યું છે તો તેનું ડાયરેક્શન પરેશ વોરાએ કર્યું છે, જેમણે ફિલ્મ “રેવા” નું પણ નિર્માણ કર્યું હતું.
ગ્રીષ્મા હત્યા કેસ ની હાલ કોર્ટ ટ્રાયલ ચાલી રહી છે અને આરોપી ફેનિલ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગ્રીષ્મા સાથે જોડાયેલ સંવેદના ને રજુ કરતુ આ નાટક સુરતના નાટ્યકાર દ્વારા ભજવવામાં આવનાર છે. ગ્રીષ્મા હત્યાકાંડ નો વિડીયો જોયા બાદ પરેશભાઈ ના મગજમાં વિચાર આવ્યો કે શા માટે આ ઘટના બની ? અને હજુ પણ કદાચ ઘણી ગ્રીષ્મા ઓ સમાજ માં છે અને કેટલાય ફેનિલ હજુ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તો સમાજ ને જાગૃત કરવા કે પછી આ ઘટના પરથી બોધપાઠ લેવા શા માટે એક નાટક થકી લોકોના મન સુધી ન પહોંચી શકાય ? બસ આ વિચાર આવ્યો અને તેમણે લોકો ને આ નાટક થકી પ્રશ્ન પૂછી ને જાગૃત કરવાનું નક્કી કર્યું કે આ મુદ્દો સમાજ માં ચર્ચાવા લાયક છે અને તેના પર ચર્ચા થવી જ જોઈએ.
વિચાર આવ્યો, નાટક લખ્યું એટલે થઇ ગયું એવું નથી. નાટક લોકો સુધી પહોંચાડવા માટે ભજવવું પડે છે અને તે ભજવવા કલાકારો ની જરૂર પડતી હોય છે ત્યાર બાદ જ લોકો સુધી પહોંચી શકે છે. નાટક માં ફેનિલ અને ગ્રીષ્મા નું મુખ્ય પાત્ર ભજવનાર કલાકાર અંગે પણ દિગ્દર્શક અસમંજસમાં હતાં પરંતુ કલાકાર એ જ હોય છે જે પાત્ર ભજવી જાણે તે પછી સારું હોય કે ખરાબ. આ નાટકમાં ફેનિલ નું પાત્ર એક રીતે નેગેટિવ જ કહી શકાય પરંતુ એક કલાકાર તરીકે તેને ભજવવું તો પડે જ. ફેનિલ અને ગ્રીષ્મા નું પાત્ર ભજવનાર કલાકારો પણ ગરવ અનુભવી રહ્યા હતા કે સમાજમાં એક સારો મેસેજ એક સારી વાત લોકો સુધી પહોંચાડવાનું તેઓ માધ્યમ બની રહ્યા છે.
27 માર્ચના રોજ જયારે વિશ્વ રંગભૂમિ દિવસ આવી રહ્યો છે ત્યારે સુરતના આ નાટ્યકારો દ્વારા રંગભૂમિ માં પ્રાણ પુરવાની સાથે સાથે સમાજમાં એક જાગૃતિ લાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ નાટક થકી તેમનો એક જ પ્રયત્ન છે કે હવે પછી સમાજ માં ક્યાંય પણ કોઈ ગ્રીષ્મા પીડાતી હોય કે ફેનિલ ક્યાંક ઘૂંટાતો હોય તો તેને સમજાવી ને આ પ્રકારની ઘટના ફરી બનતી રોકી શકાય.
આ નાટક વિશે જણાવતા પરેશ વોરાએ જણાવ્યું કે, “આ ઘટનાનો વાયરલ વીડિયો ખૂબ જ ચોંકાવનારો હતો. જોકે, આ ઘટનાનો વીડિયો જેટલો વાયરલ થયો તેટલો ચર્ચાયો નહીં, ખરેખર તેના પર વિચાર કરવાની જરૂર છે, તે નાટક થકી કરવાનો પ્રયાસ અમે કર્યો છે. તેમના મનમાં એવી તે કેવી ગૂંગળામણ હશે કે તેનું આ પરિણામ આવ્યું, તે સવાલ પર ભાર મૂકી અને અમે આ ઘટનાનો સંદર્ભ લીધો છે.”
તેમણે ઉમેર્યું કે, “કાયદો તો પોતાનું કામ કરશે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવી ઘટનાઓ સમાજમાં કેમ બને છે? શું આ ઘટના રોકી શકાય હોત? આ ઘટના પાછળ વાલીઓ, મિત્રો, શિક્ષકો, કાઉન્સિલર અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિત આખો સમાજ કઈ રીતે જવાબદાર છે. તેના પર અમે ભાર મૂક્યો છે અને મૂળ તો આ મુદે ચર્ચા શરૂ થાય તે જરૂરી છે અને તેથી જ અમે આ નાટક બનાવ્યું છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.