સુરત | હનુમાન જયંતિ પર દાદાને 5100 કિલોનો વિશાલ લાડુનો ભોગ ચડાવાયો- જુઓ વિડીયો

Celebrating Hanuman Jayanti: સુરત શહેર એક ધર્મની નગરી તરીકે પણ અતિ પ્રચલિત થયું છે. શહેરીજનો પણ દરેક પ્રકારના ધાર્મિક કાર્યોમાં ભરપૂર આસ્થા ધરાવવામાં અગ્રેસર રહે…

Celebrating Hanuman Jayanti: સુરત શહેર એક ધર્મની નગરી તરીકે પણ અતિ પ્રચલિત થયું છે. શહેરીજનો પણ દરેક પ્રકારના ધાર્મિક કાર્યોમાં ભરપૂર આસ્થા ધરાવવામાં અગ્રેસર રહે છે. ત્યારે આજે તા. 23 એપ્રિલે ભગવાન શ્રી રામ ચંદ્રજીના દૂત એવા હનુમાનજીની જન્મ જયંતિનો અવસર આવી ચુક્યો છે, ત્યારે શહેરના અનેક હનુમાન મંદિરોઆ ધાર્મિક અનુષ્ઠાનોના આયોજનો પણ મોટા પાયે યોજાયા છે. મોટાભાગના હનુમાન મંદિરોમાં તો આ અવસરને લઇ ઘણા દિવસો પૂર્વ જ તૈયારીઓનો(Celebrating Hanuman Jayanti) દોર ચાલ્યો હતો. શહેરના મુખ્ય ગણાતા એવા હનુમાન મંદિરોમાં પણ વહેલી સવારથી ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે. પાલ હજીરા રોડ ખાતે આવેલા અટલ આશ્રમ દ્વારા હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે હનુમાન દાદાને ભોગ ધરાવવા માટે હાલ 5100 કિલોનો એક વિશાળ લાડુનો ભોગ ચડાવવામાં આવ્યો છે.

હનુમાન જયંતિની અનોખી રીતે ઉજવણી
સુરતના અડાજણ પાલ ખાતે આવેલા અટલ આશ્રમમાં દર વર્ષે હનુમાન જયંતિની અનોખી રીતે ઉજવણી કરાય છે. આ આશ્રમ ખાતે દર વર્ષે હનુમાન ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરાય છે અને હનુમાનજી માટે દર વર્ષે વિશાળ લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. આશ્રમમાં લાડુ બનાવવાની શરૂઆત વર્ષ 2004થી થઇ હતી. ત્યારે પ્રથમ વર્ષે 451 કિલોનો લાડુ બનાવામાં આવ્યો હતો,

ત્યાર બાદ દર હનુમાન જયંતિએ આ લાડુના વજનમાં વધારો કરવામાં આવે છે અને 2017માં 3600 કિલોનો વિશાળ લાડુ બનાવામાં આવ્યો હતો. આ વર્ષે 1500 કિલો વધીને 5100 કિલોના વિશાળકાય લાડુની પ્રસાદી અર્પણ કરવામાં આવી છે. આ મહાકાય લાડુનો પ્રસાદ આશ્રમમાં હનુમાન જયંતીના ઉપલક્ષ્યમાં આવનાર 50 હજારથી વધુ ભક્તોને આપવામાં આવશે. આ લાડુ બનાવવા માટે 2000કિલો ખાંડ, 2200કિલો ચણાનો લોટ, 800 કિલો શુદ્ધ ઘી અને 350 કિલો સુકો મેવો વાપરાયો છે. આ લાડુ બનાવવા માટે ત્રણ દિવસનો સમય લાગ્યો છે.

50000થી વધુ ભક્તોને આ પ્રસાદ આપવામાં આવશે
આ અંગે માહિતી આપતાં અટલ આશ્રમના મહંત બટુકગીરી મહારાજે જણાવ્યું કે, હનુમાન જયંતિએ સામાન્ય રીતે દરેક મંદિરમાં પ્રસાદીનું વિતરણ કરવામાં તો આવે છે પણ અહીં અટલ આશ્રમમાં દર વર્ષે અલગ રીતે ઉજવણી કરાય છે. અહીં દર વર્ષે હનુમાનજીને વિશાળકાય લાડું ધરવામાં આવે છે તેની સાથે કેક કાપીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. અમે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પણ આવેદન કરીશું. આશરે 50 હજારથી વધુ ભાવીભક્તો અહીં આવશે તેમને આ લાડુનો પ્રસાદ આપવામાં આવશે.

ઉધના રોકડીયા હનુમાન મંદિરમાં પણ ધાર્મિક કાર્યકમોનું આયોજન
ઉધના ચાર રસ્તા ખાતે આવેલા રોકડીયા હનુમાન દાદાના મંદિરમાં વહેલી સવારની આરતી બાદ ધાર્મિક કાર્યકમો શરુ થઈ ગયા છે. દર વર્ષે અહીં ભજન સંધ્યા અને વેદપાઠી બ્રામ્હણો દ્વારા હવનનું પણ વિશેષ આયોજન દર વર્ષે કરવામાં આવ્યું છે. સવારથી જ મંદિરમાં ભાવિક ભક્તોનો ઘસારો હનુમાનજીના દર્શન માટે ઉમટી પડતા હોય છે તેવું મંદિરના મહંતે જણાવ્યું હતું.