Surat Mass Suicide Tantrik Connection: સુરતમાં ગઈકાલે એક જ પરિવારના 7 લોકોના સામૂહિક આપઘાત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મૃતક મનીષ સોલંકીનો અઘોરી બાવાના આશીર્વાદ લેતો વીડિયો વાઈરલ થતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મૃતક મનીષ સોલંકી તાંત્રિકની માયાજાળમાં ફસાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અઘોરી બાવા સાથેનો વીડિયો સામે આવતા પોલીસે આ દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ હાલમાં વિવિધ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. તાંત્રિક વિધિના મુદ્દાને ધ્યાને રાખીને પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.
મૃતક મનીષ સોલંકીનો અઘોરી બાવા તાંત્રિક સાથેનો વીડિયો વાઈરલ
સોલંકી પરિવારના સામૂહિક આપઘાત મામલે એક ચોંકાવનારી વાત સામે આવી છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાની આશંકા છે. વિપુલ નામના શખ્સની સાથે મનીષ તાંત્રિક પાસે જતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મનીષે થોડા સમય પહેલા કોઈ અઘોરીના આશીર્વાદ લેતો હોય એવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. સોલંકી પરિવારના સામૂહિક આપઘાતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ તાંત્રિક વિધિઓના ચક્કરમાં ઘણા લોકોના જીવ ગયા છે. ત્યારે પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે તો તાંત્રિક વિધિઓને લઈને ફરતી વાતોમાં સચોટ તારણ બહાર આવી શકે છે.
View this post on Instagram
સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનીષ સોલંકીએ પરિવારના 7 સભ્યો સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. પોલીસે દરવાજો ખોલીને અંદર જતા હોલમાં મનીષ સોલંકીના માતા શોભાબેન તથા તેમના પિતા કનુભાઇ સોલંકી મૃત હાલતમાં પડેલા હતા, જ્યારે તેમની નજીકમાં મનીષ સોલંકીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તો બાજુના રૂમમાં મનીષભાઈના પત્ની રીટાબેન તેમની બે પુત્રીઓ અને એક પુત્ર મૃત હાલતમાં મળ્યા હતા. આ હૃદયદ્રાવક દ્રશ્યો જોઇને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોના મોતના પગલે સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યું હતું. બનાવની જાણકારી મળતા સ્થળ પર પોહચેલી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જે સ્યુસાઇડ નોટમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે રૂપિયા લેવાના નીકળી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, વ્યક્તિગત તરીકે નામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. મૃતક યુવક ફર્નિચર બનાવવાના ધંધા સાથે સંકળાયેલ હતો. જ્યારે પરિવારમાં પત્ની, ત્રણ સંતાનો અને માતા-પિતા હતા. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.
ઘરમાંથી સુસાઈડ નોટ પણ મળી આવી
પોલીસની તપાસમાં ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. સુસાઈડ નોટમાં લખેલું છે કે, ‘જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી. જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે. કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે. જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહીં કરીએ’ રૂપિયા લીધા બાદ કોઈ પાછા ન આપતા હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube