ગુજરાત(Gujarat): બસમાં આગ(Bus fire) લાગવાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોટીલા(Chotila) પાસે આપા ગીગાના ઓટલા નજીક આજે વહેલી સવારે સોમનાથ દર્શનાર્થે જતી બસમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. ભારત સરકારના પૂર્વ ઉચ્ચ અધિકારીના પત્નીનું બસમાં જ સળગી જતાં કરુણ મોત નિપજ્યું હતું.
સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ, વાપીથી નીકળેલી અને સોમનાથ જતી બસ ચોટીલા નજીક આવેલા ધાર્મિક સ્થાન આપા ગીગાના ઓટલા નજીક પહોંચતા અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી અને ચાલકે બસને હાઈવે પરથી સાઈડમાં લીધી હતી અને તરત જ પેસેન્જરોને ઉતારવા તજવીજ ફાયર બ્રિગેડનો કોલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જો કે બનાવમાં કેટલાક મુસાફરો દાઝી ગયા હતા અને જોતજોતામાં જ આગ વધારે ફેલાતા બસમાં સવાર લતા પ્રભાકર મેનન (ઉ.વ.70) બસમાંથી બહાર નીકળી શક્ય ન હતા અને તેઓ બસમાં જ બળીને ભડથુ થઇ ગયા હતા.
સમગ્ર ઘટનાને લઈને ભારે અરેરાટી વ્યાપી ગઇ છે. ચોટીલાના પીએસઆઈ જે.જે. જાડેજા અને તેની ટીમ ઉપરાંત ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક જ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જાણવા મળ્યું છે કે, ન્યૂ સૂર્યદીપ ટ્રાવેલ્સની આ બસ હતી. બસમાંથી મૃતક લતાબેનનો મૃતદેહ બહાર કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ બસ તો બળીને ખાખ થઇ જવા પામી હતી. હૃદયદ્રાવક આ ઘટનામાં વૃધ્ધાના મોતથી તેમની સાથે રહેલા અન્ય પેસેન્જરોમાં માતમ છવાઈ ગયો હતો. ઉપરાંત દાઝી ગયેલા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.