ચોટીલામાં બદલો લેવા ફિલ્મી ઢબે આધેડની દિન દહાડે ભરબજારમાં હત્યા- સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના ચોટીલા(Chotila)ના ઝીંઝુડા(Zinzuda) ગામે 8 મહિના પહેલા થયેલી હત્યાનો બદલો હત્યાથી લેવામાં આવ્યો છે. ઝીંઝુડા ગામના આધેડને પાંચ શખ્સો દ્વારા ચોટીલાની ભરબજારની વચ્ચે જ સાંજના સમયે છરી જેવા ઘાતક હથિયારના ઘા મારી ઘટનાસ્થળે જ ઢીમ ઢાળી દીધું હતુ તેમજ બે રાઉન્ડ ફાયરીંગ(Firing) પણ કરવામાં આવ્યું હતુ. જોતજોતામાં હત્યા કરી પાંચ શખ્સો ભાગી જતા ચકચાર મચી ગઈ હતી.

જ્યારે આપણે સામાન્ય રીતે ફિલ્મોમાં જોઈએ છીએ કે હત્યાનો બદલો હત્યા કરીને લેવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ચોટીલામાં થયેલી હત્યાનો પણ બદલો લેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. 9 ફેબ્રુઆરીના રોજ સાંજે ચોટીલા થાન રોડ પરથી બાઇક પર પસાર થઇ રહેલા ધર્મેન્દ્રભાઇ ખાચરને પાંચ લોકોએ રોકીને છરી જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર,બે રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રભાઈને તિક્ષ્ણ હથિયારના ઘા વાગતા ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ચોટીલામાં ધોળા દિવસે ભરબજારમાં હત્યાનો બનાવ બનતા અફરાતફરી મચી ગઈ હતી. ચોટીલા પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી.

મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓની ઓળખ મેળવવાના ચક્રો પોલીસ દ્વારા ગતીમાન કરવામાં આવ્યા હતાં. જેમાં પહેલા થયેલી હત્યાનો બદલો લેવા હત્યા કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી હતી.

જણાવી દઈએ કે, મૃતક ધર્મેન્દ્રભાઇ ઝીંઝુડા ગામે રહેતા હતા જ્યાં 8 મહિના અગાઉ તેમના ઘર પાસે દારૂ પી ગાળો બોલવા મુદ્દે ઝીંઝુડા ગામના જ માવજીભાઇ વીરજીભાઇ ગાંગડીયા સાથે થોડી ઘણી શાબ્દિક બોલાચાલી થયાં પછી ધર્મેન્દ્રભાઇએ માવજીભાઇને પાઇપથી માર મારવામાં આવતા સારવાર દરમિયાન માવજીભાઇનું મોત થતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાય જવા પામ્યો હતો.

આ ઘટના અંગેની દાઝ રાખીને હત્યાનો બદલો લેવા માટે વિનુભાઇ વીરજીભાઇ ગાંગડીયા, લખમણ વીરજીભાઇ ગાંગડીય‍ા, રાયધન કાળાભાઇ ગાગંડીયા, ભુપત કાળુભાઇ ગાંગડીયા અને અનક અરજણભાઇ ગાંગડીયા એમ કુલ પાંચ લોકોએ સાથે મળી ધર્મેન્દ્રભાઇ ખાચરનું ઢીમ ઢાળી દીધું હતુ. પોલીસે આ પાંચ શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *