ઘણા મહિનાઓથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ચાલી રહેલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના માઈનિંગ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી રહેલા ખેડૂતો અને સ્થાનિક લોકો પર પોલીસ દમનના ઉગ્ર પડઘા સમગ્ર મહુવા પંથકમાં પડ્યા છે.
આજે પોલીસ દમમનના વિરોધમાં છ ગામો તલ્લી, ભંભોર, દયાળ, નીચા કોટડા, ઉંચા કોટડા અને મેથળા સહિતના ગામોમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.
ખેડૂતોની માંગ છે કે ગઈકાલે વિરોધ પ્રદર્શન કરી રહેલા જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે તેમને છોડવામાં નહી આવે ત્યાં સુધી બંધનુ એલાન યથાવત રહેશે.
ખેડૂતો પરના પોલીસ દમનથી સરકાર સામે પણ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે મહુવા પાસે અલ્ટ્રાટેક કંપનીના માઈનિંગ પ્રોજેક્ટના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતો પર ગઈકાલે, બુધવારે પોલીસે લાઠીચાર્જ કરીને ટીયરગેસના સેલ છોડ્યા હતા.
ખેડૂતો માઈનિંગના કારણે ખેતી અને ભૂગર્ભજળને ભારે નુકસાન થઈ રહ્યુ હોવાના આક્ષેપ કરી રહ્યા છે. લોકોનુ કહેવુ છે કે તળાજા તાલુકાના વિવિધ ગામોમાં કંપની માઈનિંગ કરવા માંગે છે પણ અમે વિરોધ કરી રહ્યા છે.માઈનિંગના કારણે સ્થાનિક જમીનને નુકસાન થશે.ખેતી ખતમ થઈ જશે અને ભૂગર્ભજળ પણ દુષિત થઈ જશે.એક તરફ લોકો મેથળા બંધારાની માંગણી કરે છે.જેની સરકારને પરવા નથી અને આ વિસ્તારને સરકાર માઈનિંગ માટે મંજુરી આપી ખતમ કરવા માંગે છે.