અફઘાનિસ્તાનના કબજા સાથે તાલિબાને ભારત પ્રત્યેની તેમની વિચારસરણીનું પ્રથમ ઉદાહરણ રજૂ કર્યું છે. તાલિબાને ભારત સાથે આયાત અને નિકાસ બંને બંધ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે અશરફ ગની સરકારના કાર્યકાળ દરમિયાન ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ સારા બન્યા હતા. નવી દિલ્હીએ અફઘાનિસ્તાનમાં ઘણા વિકાસ પ્રોજેક્ટ્સને આકાર આપ્યો હતો, પરંતુ હવે પહેલા જેવા સંબંધો જાળવી રાખવાની આશા ખુબ જ ઓછી છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) ના ડોક્ટર અજય સહાયે આયાત-નિકાસ પર તાલિબાની પ્રતિબંધની પુષ્ટિ કરી છે. સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં ડોક્ટર અજય સહાયે કહ્યું છે કે, તાલિબાને આ સમયે તમામ કાર્ગો એટલે કે માલની અવરજવર બંધ કરી દીધી છે. અમારો માલ અવારનવાર પાકિસ્તાન મારફતે પૂરો પાડવામાં આવતો હતો, જેના પર અત્યારે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે આગળ કહ્યું છે કે, ‘અમે અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, જેથી અમે પુરવઠો શરૂ કરી શકીએ. પરંતુ હાલમાં તાલિબાને નિકાસ-આયાત બંધ કરી દીધી છે.
ડોક્ટર અજય સહાયે જણાવ્યું હતું કે, વેપારની દ્રષ્ટિએ ભારત અફઘાનિસ્તાનનો સૌથી મોટો ભાગીદાર રહ્યો છે. વર્ષ 2021 માં જ આપણી નિકાસ $ 835 મિલિયન હતી, જ્યારે આયાત $ 510 મિલિયન હતી. આયાત-નિકાસ ઉપરાંત ભારતે અફઘાનિસ્તાનમાં પણ મોટા પાયે રોકાણ કર્યું છે, જેમાં લગભગ 400 યોજનાઓમાં 3 અબજ ડોલરનું રોકાણ સામેલ છે.
ભારત ખાંડ, ચા, કોફી, મસાલા સહિત અન્ય વસ્તુઓની નિકાસ કરે છે. જ્યારે ડ્રાય ફૂટ, ડુંગળી વગેરે મોટા પાયે આયાત કરવામાં આવે છે. તેથી એવું માનવામાં આવે છે કે અફઘાન સંકટને કારણે, આગામી દિવસોમાં ડ્રાય ફૂટના ભાવ વધી શકે છે. કારણ કે ભારત અફઘાનિસ્તાનમાંથી લગભગ 85 ટકા ડ્રાય ફ્રુટ્સની આયાત કરે છે. અગાઉ, તાલિબાને જાહેરાત કરી હતી કે, તે ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે, સાથે સાથે ભારત કોઈ પણ સમસ્યા વિના તેના તમામ ચાલુ કામ અને રોકાણ અહીં પૂર્ણ કરી શકે છે. જો કે તાલિબાનના શબ્દો અને કાર્યોમાં મોટો તફાવત છે, તેથી અત્યારે કંઈપણ કહેવું મુશ્કેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.