જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં આતંકી (Terrorists)ઓએ ફરી એકવાર ટાર્ગેટ કિલિંગ (Target Killing)ની ઘટનાને અંજામ આપ્યો છે. આ વખતે તેણે બહારના મજૂરને બદલે કાશ્મીરી પંડિત પર નિશાન સાધ્યું છે. કાશ્મીર ઝોનના શોપિયાં(Shopian) જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારીને ઘાયલ કર્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જો કે અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આની જવાબદારી સ્વીકારી નથી, તેથી પોલીસને પણ ખબર નથી કે આ ટાર્ગેટ કિલિંગ કયા સંગઠને કરી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ લઘુમતી નાગરિક (કાશ્મીરી પંડિત) પુરણ કૃષ્ણ ભટને ગોળી મારી દીધી હતી.
શોપિયાંના ચૌધરી ગુંડમાં એક બાગમાં જઈ રહ્યા હતા, ત્યારે આતંકીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, શોપિયાના સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
શોપિયાંમાં કાશ્મીરી પંડિતોની ટાર્ગેટ કિલિંગ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે છેલ્લા એક મહિનામાં સુરક્ષા દળો અને પોલીસ આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓલઆઉટ ઓપરેશન ચલાવી રહી છે. આતંકવાદીઓ તેનાથી ડરી ગયા છે, તેથી જ તેઓ યુવાનો પર હુમલો કરી રહ્યા છે. પરંતુ તેઓએ યાદ રાખવું જોઈએ કે યુવાનો અને સ્થાનિક લોકો પર હુમલો કરનારા આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં.
આ વર્ષે ટાર્ગેટ કિલિંગના બનાવોમાં વધારો થયો છે:
જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી છે. 12 મેના રોજ બડગામ જિલ્લામાં મહેસૂલ વિભાગના અધિકારી પર આતંકવાદીઓએ ગોળી મારી હતી. તહસીલ ઓફિસમાં ઘૂસીને આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન બનાવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલનું મોત થયું હતું. આ સિવાય મહિલા શિક્ષકની પણ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. તેમજ બીજી જૂને બેંક મેનેજર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.