વિદ્યાર્થીઓને સ્કૂલોમાં માર મારી શકાશે નહીં, માનસિક ત્રાસ આપ્યો તો થશે કાર્યવાહી, સુરત શિક્ષણાધિકારીનો પરિપત્ર

Surat Education News: રાજયની પ્રાથમિક સ્કૂલોમાં બાળકોને શારીરિક શિક્ષા અથવા તો માનસિક ત્રાસ આપવા સામે પ્રતિબંધ હોવાછતાં અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો…

Surat Education News: રાજયની પ્રાથમિક સ્કૂલોમાં બાળકોને શારીરિક શિક્ષા અથવા તો માનસિક ત્રાસ આપવા સામે પ્રતિબંધ હોવાછતાં અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.અગર જો વિધાર્થીઓથી કોઈ પણ ભૂલ થાઈ તો તેનું બધા સામે અપમાન કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ઠેર ઠેર શિક્ષણ અને શિક્ષણની કામગીરીને લગતી બાબતોને લઇને વિવાદો ઉભા થયા છે. વિદ્યાર્થીઓની શિક્ષા અને માનસિક ત્રાસ જેવા મુદ્દાઓ પણ આમા સામેલ છે, જોકે, હવે આ મામલે સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ એક મોટો નિર્ણય લીધો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ હાલમાં એક પરિપત્ર( Surat Education News ) બહાર પાડીને જિલ્લાની સ્કૂલોને તાકીદ કરી છે કે, વિદ્યાર્થીઓને સ્કૂલમાં શારીરિક કે માનસિક ત્રાસ આપવો જોઇએ નહીં, જો આમ થશે તો કાર્યવાહી કરવામાં આવી શકે છે.

કાયદાને ગંભીરતાથી નહીં લે તો શાળાની માન્યતા રદ કરવા શિક્ષણ બોર્ડને જાણ કરવામાં આવશે
સરકારની કડક જોગવાઇ વચ્ચે પણ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવા અંગેની ઘટનાઓ કચેરીના ધ્યાનમાં આવતા સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડતા જણાવ્યું હતું કે, ધ રાઈટ ઑફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ- 2009 પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે. તથા આર્ટિસ્ટ એક્ટ-2009 અંતર્ગત ગુજરાત આરટીઈ RTE-2012 સમગ્ર રાજ્યમાં અમલમાં છે.આર્ટિસ્ટ એક્ટ-2009ની કલમ 17ની જોગવાઈ મુજબ કોઈ પણ વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કે પછી માનસિક ત્રાસ આપી શકાશે નહીં. તે દરમિયાન જો કોઈ આવી ઘટના સામે આવશે તો શાળાને નોટિસ પાઠવવામાં આવશે. જો ફરીથી આવી ઘટના બની તો દંડ ભરવો પડશે. તેમ છતાં, જો શાળા કાયદાને ગંભીરતાથી નહીં લે તો શાળાની માન્યતા રદ કરવા શિક્ષણ બોર્ડને પત્ર લખી જાણ કરાશે.

શાળામાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા સૂચન
શાળામાં ફરીવાર આવી ઘટના ન બને તે માટે શાળાનાં શૈક્ષણિક કર્મચારીઓને આ બાબતે પુનઃ સૂચનાઓ આપવાની રહેશે. તેમજ શાળામાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા સૂચન આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને આનંદમય અને મૈત્રીપૂર્ણ વાતાવરણની જરૂર
શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓને સલામત મૈત્રીભર્યું વાતાવરણ પૂરું પાડવું અત્યંત જરૂરી છે. આવી ઘટના ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે. બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે જેથી તે શાળામાં આવવાનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ ગુમાવી બેસે છે. આપણી સૌની જવાબદારી બને છે કે શાળાઓમાં આવી ઘટના ફરી ન બને. તેમજ આવી ઘટના કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. ઉપરાંત, અધિકારીએ જિલ્લાની તમામ સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ શાળાઓમાં ફરીથી આવી ઘટના ન બને તે માટે કર્મચારીઓને તકેદારી રાખવા સૂચન કર્યું હતું.